પુરુષ અને મહિલા, બન્ને વર્ગમાં આઇસીસીનો પુરસ્કાર ભારતીય ઓપનરને મળ્યો! | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

પુરુષ અને મહિલા, બન્ને વર્ગમાં આઇસીસીનો પુરસ્કાર ભારતીય ઓપનરને મળ્યો!

દુબઈઃ ભારતના બે યુવાન સ્ટાર ઓપનર અભિષેક શર્મા (Abhishek Sharma) અને સ્મૃતિ મંધાના (Smriti Mandhana) સપ્ટેમ્બરમાં સર્વોત્તમ પર્ફોર્મ કરવા બદલ પોતપોતાની કૅટેગરીમાં આઇસીસી પ્લેયર ઑફ ધ મન્થનો પુરસ્કાર (Award) જીત્યા છે.

ભારતના આ બન્ને ક્રિકેટર સપ્ટેમ્બરમાં રમી ચૂકેલા તમામ ક્રિકેટરોમાં સર્વશ્રેષ્ઠ રમ્યા હતા. અભિષેકે એશિયા કપમાં અને મંધાનાએ વર્લ્ડ નંબર-વન ઑસ્ટ્રેલિયા સામેની વિમેન્સ વન-ડે સિરીઝમાં સર્વોત્તમ પર્ફોર્મ કર્યું હતું. ભારતના કોઈ પુરુષ અને મહિલા ક્રિકેટરે એકસમાન મહિનામાં આઇસીસીનો આ પુરસ્કાર મેળવ્યો હોય એ દુર્લભ ઘટના કહી શકાય.

પચીસ વર્ષીય અભિષેકે એશિયા કપમાં સાત મૅચમાં સૌથી વધુ 314 રન કર્યા હતા. એ સ્પર્ધામાં 44.85 તેની બૅટિંગ-ઍવરેજ હતી અને 200.00 તેનો સ્ટ્રાઇક-રેટ હતો.

આ પણ વાંચો: રોહિત-કોહલી વિશે સોશ્યલ મીડિયામાં ધમાલ મચ્યા પછી આઇસીસીએ આ ખુલાસો કરવો પડ્યો!

તેણે પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટનો પુરસ્કાર જીતી લીધો હતો. તે ટી-20 ઇન્ટરનૅશનલમાં વર્લ્ડ નંબર વન બૅટ્સમૅન છે અને તેણે આઇસીસીના હાઈએસ્ટ રેટિંગ મેળવ્યા હતા. આઇસીસીના પુરસ્કાર માટે અભિષેક ઉપરાંત કુલદીપ યાદવ અને ઝિમ્બાબ્વેનો બ્રાયન બેનેટ પણ દાવેદાર હતા.

29 વર્ષીય સ્મૃતિ મંધાના મહિલાઓની વન-ડેમાં વર્લ્ડ નંબર-વન બૅટર છે. તેના ઉપરાંત પાકિસ્તાનની સિડ્રા અમીન અને સાઉથ આફ્રિકાના તૅઝ્મિન બ્રિટ્સ મહિલાઓના આ આઇસીસી પુરસ્કાર માટે દાવેદાર હતી, પરંતુ મંધાના મેદાન મારી ગઈ.

આ પણ વાંચો: બીસીસીઆઇએ ` ગંભીર ઈજામાં ખેલાડીના રિપ્લેસમેન્ટ’નો નિયમ અપનાવ્યોઃ હવે આઇસીસી અનુકરણ કરશે?

અભિષેકે આનંદમાં આવીને શું કહ્યું?

અભિષેક શર્માએ આઇસીસી પ્લેયર ઑફ ધ મન્થ અવૉર્ડનો વિજેતા બનતાં ખુશી વ્યક્ત કરતા કહ્યું છે કે ` આઇસીસીનો પુરસ્કાર-વિજેતા બનવા બદલ હું બેહદ ખુશ છું. હું ટીમ ઇન્ડિયાને કેટલીક મહત્ત્વની મૅચો જિતાડી શક્યો એ બદલ મને આ પુરસ્કારથી સન્માનિત કરાયો એનો મને વધુ આનંદ છે. ગર્વ સાથે કહું છું કે હું એવી ટીમનો મેમ્બર છું જે સૌથી મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ વિજય મેળવવા માટે સક્ષમ અને જાણીતી છે. તાજેતરના મહિનાઓમાં ટીમ ઇન્ડિયાનો ટી-20માં જે પર્ફોર્મન્સ રહ્યો છે એ અમારા અસાધારણ ટીમ-કલ્ચર અને સકારાત્મક અભિગમના પ્રતિબિંબ સમાન છે.’

મંધાનાએ કેવા શબ્દોમાં ખુશી વ્યક્ત કરી?

સપ્ટેમ્બર મહિનામાં ચાર વન-ડેમાં 77.00ની સરેરાશે કુલ 308 રન કરનાર સ્મૃતિ મંધાનાએ ઑસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝમાં 50 બૉલમાં સેન્ચુરી પૂરી કરી હતી જે નવો ભારતીય વિક્રમ છે. તેણે કહ્યું, ` આ પુરસ્કારરૂપી ઓળખ મારા માટે હંમેશાં પ્રેરક બની છે. હું હંમેશાં બેસ્ટ પર્ફોર્મ કરવાના અને મારી ટીમને મૅચો જિતાડવાના ઇરાદા સાથે મેદાન પર ઊતરું છું.’

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button