અભિષેક શર્માએ ઉર્વિલ પટેલના ભારતીય વિક્રમની રાજકોટમાં આઠ જ દિવસમાં બરાબરી કરી
હૈદરાબાદના 24 કરોડ રૂપિયાવાળા અભિષેકે ઋતુરાજ, કિશન, શ્રેયસનો વિક્રમ પણ તોડી નાખ્યો
રાજકોટઃ ટી-20 ક્રિકેટમાં સૌથી ઓછા બૉલમાં (ફાસ્ટેસ્ટ) ટી-20 સેન્ચુરી ફટકારવાનો નવો ભારતીય વિક્રમ નોંધાયો એના આઠ જ દિવસમાં એ રેકૉર્ડની બરાબરી થઈ ગઈ છે. પંજાબના અભિષેક શર્માએ ગુજરાતના આક્રમક બૅટર ઉર્વિલ પટેલના 28 બૉલની સદીવાળા ભારતીય રેકૉર્ડની બરાબરી કરી છે.
આ પણ વાંચો: ગુજરાતના ઉર્વિલ પટેલે રિષભ પંતનો ફાસ્ટેસ્ટ સેન્ચુરીનો વિક્રમ તોડ્યો
27મી નવેમ્બરે ઇન્દોરમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ત્રિપુરા સામેની મૅચમાં ગુજરાતના ઉર્વિલ પટેલે (113 અણનમ, 35 બૉલ, બાર સિક્સર, સાત ફોર) 28 બૉલમાં સદી પૂરી કરીને નવો ભારતીય રેકૉર્ડ રચ્યો હતો. 26 વર્ષના ઉર્વિલે ત્યારે 32 બૉલમાં સદી પૂરી કરનાર દિલ્હીના રિષભ પંતનો 2018ની સાલનો ભારતીય વિક્રમ તોડ્યો હતો. પંતે ત્યારે હિમાચલ પ્રદેશ સામેની મૅચમાં 32 બૉલનો એ વિક્રમ નોંધાવ્યો હતો.
ગુરુવારે રાજકોટમાં પંજાબના અભિષેક શર્માએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મેઘાલય સામેની 28 બૉલમાં સદી પૂરી કરી હતી. અભિષેકે કુલ 29 બૉલમાં અગિયાર સિક્સર અને આઠ ફોરની મદદથી અણનમ 106 રન બનાવીને પંજાબને મેઘાલય સામે વિજય અપાવ્યો હતો.
24 વર્ષના અભિષેકે આ મૅચમાં બે વિકેટ પણ લીધી હતી. મેઘાલયે 20 ઓવરમાં સાત વિકેટે 142 રન બનાવ્યા બાદ પંજાબે ફક્ત 9.3 ઓવરમાં ત્રણ વિકેટે 144 રન બનાવીને (63 બૉલ બાકી રાખીને) વિજય મેળવ્યો હતો.
ટી-20 ક્રિકેટમાં સૌથી ઓછા બૉલમાં (ફાસ્ટેસ્ટ) સેન્ચુરીનો વર્લ્ડ રેકૉર્ડ એસ્ટોનિયાના ભારતીય મૂળના ખેલાડી સાહિલ ચૌહાણના નામે છે. તેણે આ વર્ષના જૂનમાં સાયપ્રસ સામે 27 બૉલમાં 100 રન પૂરા કર્યા હતા.
આ પણ વાંચો: રોહિત શર્માએ ઓપનિંગના સ્થાન વિશે ચોખવટ કરી દીધી…`કેએલ રાહુલ ઍડિલેઇડની બીજી ટેસ્ટમાં…’
અભિષેકે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ચોથી સદી ફટકારી છે જે આ ટૂર્નામેન્ટનો નવો વિક્રમ છે. તેણે ત્રણ-ત્રણ સદી ફટકારનાર ઉન્મુક્ત ચંદ, ઋતુરાજ ગાયકવાડ, ઇશાન કિશન અને શ્રેયસ ઐયરનો વિક્રમ તોડી નાખ્યો છે.
2024ની આઇપીએલમાં લેફ્ટ-હૅન્ડ બૅટર અભિષેકે ઑસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડ સાથેની જોડીમાં ઘણા વિક્રમો રચ્યા હતા. અભિષેકને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે 14 કરોડ રૂપિયામાં જાળવી રાખ્યો છે.