મારી અડધા ભાગની સિક્સર મને યાદ પણ નથી: અભિષેક શર્મા…
વાનખેડેમાં 135 રન બનાવનાર ઓપનર ધમાકેદાર ઈનિંગ્સ રમવાની મક્કમતા સાથે મેદાન પર ઊતર્યો હતો

મુંબઈ: ભારતીય ટીમે ગઈ કાલે વાનખેડે સ્ટેડિયમમાં ઇંગ્લૅન્ડ સામેની પાંચમી અને છેલ્લી રોમાંચક ટી-20 મૅચમાં નવ વિકેટે 247 રન બનાવ્યા બાદ એને 150 રનના તોતિંગ માર્જિનથી જે રીતે કચડી નાખ્યું એ મૅચના સુપર હીરો અભિષેક શર્મા (135 રન, 54 બૉલ, તેર સિક્સર, સાત ફોર)એ કહ્યું મૅચ પછી કહ્યું હતું કે ‘હું ઇંગ્લૅન્ડના બોલર્સની બોલિંગમાં ફટકાબાજી કરવામાં એટલો બધો મશગુલ હતો કે મેં અડધા ભાગની સિકસર કેવી રીતે ફટકારી એ મને બરાબર યાદ પણ નથી.’
Also read : ભારત નામે આ વર્ષની પહેલી ICC ટ્રોફી; સતત સાત મેચ જીતીને ભારતીય ટીમ ચેમ્પિયન બની
આઇપીએલમાં ગયા વર્ષે સનરાઇઝર્સ હૈદરાબાદ વતી ધમાલ મચાવનાર લેફ્ટ-હેન્ડ ઓપનર અભિષેકે એક ટી-20 ઇન્ટરનેશનલમાં 13 છગ્ગા ફટકારીને ભારત માટે નવો વિક્રમ રચ્યો છે. તેણે રોહિત શર્મા (10 સિક્સર)નો રેકોર્ડ તોડ્યો છે. તેના 135 રન હવે ભારતીયોના વ્યક્તિગત ટી-20 સ્કોર્સમાં હાઈએસ્ટ છે. તેણે શુભમન ગિલનો 126 અણનમનો ભારતીય રેકોર્ડ પણ તોડ્યો છે. ઇંગ્લેન્ડ સામે પણ અભિષેક હવે (ઑસ્ટ્રેલિયાના એરોન ફિન્ચના 156 રન) પછી બીજા નંબરે છે.
એટલું જ નહીં અભિષેકે 17 બૉલમાં હાફ સેન્ચુરી ફટકારીને ભારતીયોમાં યુવરાજ સિંહ (12 બૉલમાં ફિફટી) પછી બીજું સ્થાન મેળવ્યું છે તેમ જ 37 બૉલમાં સેન્ચુરી પૂરી કરીને તે વિશ્વના મુખ્ય ક્રિકેટ-રાષ્ટ્રોના બૅટર્સના ફાસ્ટેસ્ટ સેન્ચુરિયનોમાં રોહિત શર્મા અને ડેવિડ મિલર (35-35 બૉલમાં સેન્ચુરી) પછી બીજા નંબરે છે. 150 રનના માર્જિનથી પરાજિત ઇંગ્લૅન્ડની ટી-20માં આ સૌથી ખરાબ હાર છે.
અભિષેકે ઇંગ્લૅન્ડના ફાસ્ટ બોલર્સ અને સ્પિનર આદિલ રાશિદની બોલિંગમાં છગ્ગા-ચોક્કાનો વરસાદ વરસાવવામાં ખૂબ મોજ માણી હતી.
અભિષેકે મૅચ પછી એવું પણ કહ્યું હતું કે ‘મને ફાસ્ટ બોલર્સ (આર્ચર, વૂડ, ઓવર્ટન, કાર્સ)ના ઝડપી બૉલમાં કવર્સમાંથી બૉલને બાઉન્ડરી લાઈન તરફ મોકલવામાં બહુ મજા આવી. સસ્પિનર આદિલ રાશિદની બોલિંગમાં પણ મેં કેટલાક સારા શૉટ માર્યા હતા. ખરું કહું તો હું નેટ પ્રેક્ટિસમાં મૅચની જેમ જ બેટિંગ કરતો હોઉં છું. મૅચમાં હું હરીફ બોલર્સનો જે રીતે સામનો કરવાનો હોઉં એ જ માનસિકતાથી નેટમાં ભારતીય બોલર સામે બૅટિંગ કરતો હોઉં છું. હું આ વિશેનો શ્રેય મારી નેટ પ્રેક્ટિસને તો આપું જ છું, હું રન નહોતો બનાવી શકતો ત્યારે મારા કોચ અને કેપ્ટને મારામાં જે વિશ્વાસ જાળવી રાખ્યો હતો એ બદલ હું તેમનો પણ આભારી છું.’
Also read : ભારતને બૅક-ટુ-બૅક ચૅમ્પિયન બનાવવામાં તૃષા, વૈષ્ણવી, આયુષી અને કમલિનીના સૌથી મોટા યોગદાન
અભિષેકે ભારપૂર્વક કહ્યું હતું કે ‘મને મારા પર પૂરો ભરોસો હતો કે હું એક દિવસ આવી અસાધારણ ઇનિંગ્સ રમીશ જ અને એ દિવસ આવ્યો અને મારી ધારણા સાચી પડી.’