ભારતનો વર્લ્ડ નંબર-વન બૅટ્સમૅન અમૃતસરમાં બહેનના લગ્નમાં ન ગયો, કાનપુરમાં પહેલા જ બૉલ પર આઉટ થઈ ગયો

અમૃતસર/કાનપુરઃ ટી-20નો વર્લ્ડ નંબર-વન બૅટ્સમૅન અભિષેક શર્મા (Abhishek Sharma) એશિયા કપમાં હાઇએસ્ટ 314 રનના સુપર-ડુપર પર્ફોર્મન્સ સાથે અને ભારતને ચૅમ્પિયન બનાવવામાં સૌથી મોટું યોગદાન આપીને 29મી સપ્ટેમ્બરે સ્વદેશ પાછો આવ્યો અને બહેન કોમલ શર્મા (Komal Sharma)ના લગ્નના દિવસની રાહ જોઈ રહ્યો હતો, પરંતુ તેણે એવી નિરાશા જોવી પડી કે એ વર્ષો સુધી તે નહીં ભૂલે. તેણે કોમલના મૅરેજ (Marriage) પહેલાંની હલ્દી તથા સંગીત સહિતના કાર્યક્રમોમાં હાજરી આપી હતી, પરંતુ લગ્નના દિવસે હાજરી આપવાને બદલે નૅશનલ ડ્યૂટીને ધ્યાનમાં રાખીને ક્રિકેટ મૅચ રમવા કાનપુર જતો રહ્યો હતો જેમાં તે પહેલા જ બૉલ પર આઉટ (ગોલ્ડન ડક) થઈ ગયો હતો.
કાનપુરમાં શુક્રવારે (ત્રીજી ઑક્ટોબરે) ઇન્ડિયા-એનો ઑસ્ટ્રેલિયા-એ સામે પરાજય થયો હતો. અભિષેક એમાં ઑસ્ટ્રેલિયાના પચીસ વર્ષના (ભારત માટે અજાણ્યા) જૅક એડવર્ડ્સ નામના પેસ બોલરના પહેલા જ બૉલ પર કૅચઆઉટ થઈ ગયો હતો.
આ પણ વાંચો : અભિષેક શર્માએ નંબર-વન પર રહીને જ નવો વર્લ્ડ રેકૉર્ડ રચ્યો, જાણો તેનો કરિશ્મા…
કાનપુરની મૅચમાં પ્રભસિમરન સિંહ પણ એક રન કરી શક્યો હતો, જ્યારે એશિયા કપની પાકિસ્તાન સામેની ફાઇનલના સુપરસ્ટાર બૅટ્સમૅન તિલક વર્માએ 94 રન કર્યા હતા, પરંતુ ભારતીય ટીમે 246 રન કર્યા પછી વરસાદના વિઘ્ન બાદ ઑસ્ટ્રેલિયન ટીમે પચીસ ઓવરમાં એક વિકેટે 160 રન બનાવવાનો નવો લક્ષ્યાંક એક જ વિકેટના ભોગે મેળવી લીધો હતો.
આ પણ વાંચો : `તૂ અગર 15 બાર ઝીરો કરેગા તો ભી તુઝે ટીમ મેં રખૂંગા’…એવી ગૅરન્ટીએ અભિષેકને સુપરસ્ટાર બનાવી દીધો
કોમલ શર્માના લગ્ન લવિશ નામના યુવાન સાથે થયા હતા. અભિષેકની મૅચના જ દિવસે અમૃતસરમાં તેની બહેનની લગ્નવિધિ ખૂબ જ રોમાંચક વાતાવરણમાં અસંખ્ય મહેમાનો વચ્ચે પાર પડી હતી. વર-વધૂ સર્વશ્રેષ્ઠ પોશાકમાં સજ્જ હતા, સમારંભના મહેમાનોએ પણ એક એકથી ચડિયાતા પરંપરાગત વસ્ત્રો પહેર્યાં હતા, પ્રણાલિકાગત રીતરસમો થઈ હતી અને બન્ને પક્ષના મહેમાનો તથા મિત્રો ખૂબ ઉત્સાહિત હતા, પણ એ બધામાં સુપરહીરો અભિષેક શર્મા નહોતો. જેમને તેની ગેરહાજરીની ખબર નહોતી તેમનામાં તેને જોવાની કુતૂહુલતા હતી, પણ પછીથી તે આ સમારંભમાં હાજર નથી રહેવાનો એની જાણ થતાં તેઓ નિરાશ થયા હતા. ભાઈ અભિષેકની ગેરહાજરીને લીધે તેની બહેન કોમલ ભાવુક થઈ ગઈ હતી.