અભિષેક શર્માએ તેના જ ગુરુ યુવરાજનો 17 વર્ષ જૂનો રેકૉર્ડ તોડી નાખ્યો!
કોલકાતાઃ લેફ્ટ-હૅન્ડ ઓપનિંગ બૅટર અભિષેક શર્મા (79 રન, 34 બૉલ, આઠ સિક્સર, પાંચ ફોર) ભારતના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર અને ફાંકડા ફટકાબાજ યુવરાજ સિંહનો ચેલો છે. યુવી પાસેથી તે બૅટિંગના ઘણા પાઠ શીખ્યો છે અને યુવી તેનો મેન્ટર છે તેમ જ તેને કોચિંગ આપી ચૂક્યો છે. અભિષેકે બુધવારે અહીં ઈડન ગાર્ડન્સમાં ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ ટી-20માં એવી ફટકાબાજી કરી જેને કારણે ગયા વર્ષની તેની સનરાઇઝર્સ હૈદરાબાદની કેટલીક ઇનિંગ્સની યાદ તાજી થઈ ગઈ હતી. ગગનચુંબી આઠ છગ્ગા અને પાંચ ચોક્કા સહિત કુલ 13 બાઉન્ડરીઝ ફટકારીને તેણે સ્ટેડિયમ ગજવ્યું હતું.
નવાઈની વાત એ છે કે યુવરાજે 2007માં ઇંગ્લૅન્ડ સામેની વર્લ્ડ કપની મૅચમાં જે નવો ઇતિહાસ રચ્યો હતો એને અભિષેકે બુધવારે જૂનો બનાવીને નવો ઇતિહાસ રચ્યો હતો.
આ પણ વાંચો: ભારતે પ્રથમ ટી-20 આસાનીથી જીતી લીધીઃ બ્રિટિશરો અર્શદીપ, હાર્દિક અને અક્ષર સામે પણ ઝૂક્યા
અત્યાર સુધી યુવરાજ ઇંગ્લૅન્ડ સામેની એક ટી-20 મૅચમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર ભારતીય બૅટર હતો. તેણે 2007ના વિશ્વ કપમાં ઇંગ્લૅન્ડના સ્ટુઅર્ટ બ્રૉડની ઓવરના તમામ છ બૉલમાં છ સિક્સર સહિત એ ઇનિંગ્સમાં કુલ સાત સિક્સર ફટકારી હતી. એ વિક્રમ 17 વર્ષ સુધી અકબંધ રહ્યો હતો અને છેક હવે અભિષેક તેના ગુરુનો એ રેકૉર્ડ તોડવામાં સફળ થયો છે. અભિષેકે બુધવારે આઠ છગ્ગા માર્યા હતા અને તે યુવીથી આગળ થઈ ગયો છે.
યુવીએ 12 બૉલમાં હાફ સેન્ચુરી પૂરી કરી હતી, જયારે અભિષેકે 20 બૉલમાં 50 રન બનાવ્યા હતા.
ઇંગ્લૅન્ડ સામેની એક ટી-20 મૅચમાં સૌથી વધુ સિક્સર ફટકારવાની બાબતમાં અભિષેક અને યુવરાજ પછી ત્રીજા સ્થાને સૂર્યકુમાર યાદવ (છ સિક્સર) છે. સુરેશ રૈના (પાંચ સિક્સર) ચોથા નંબરે અને કેએલ રાહુલ (પાંચ સિક્સર) પાંચમા નંબરે છે.