સ્પોર્ટસ

અબ્દુલ રઝાકને કઝિન આયેશાએ એક વાર `ભાઇ’ કહીને બોલાવેલો, રઝાક તેને જ પરણી ગયો

નવી દિલ્હીઃ પાકિસ્તાનને બૅટિંગ અને બોલિંગ સહિતના ઑલરાઉન્ડ પર્ફોર્મન્સથી ઘણી મૅચો જિતાડનાર અબ્દુલ રઝાક અને પત્ની આયેશા હવે તો બે સંતાનોના પૅરેન્ટ્સ છે, પણ થોડા દિવસથી તેમની રિલેશનશિપ વિશેની સ્ટોરી ઇન્ટરનેટ પર વાઇરલ થઈ છે. અહેવાલમાં ખાસ તો એવું જણાવાયું છે કે રઝાકે (ABDUL RAZZAQ) ઉંમરમાં તેનાથી 10 વર્ષ નાની (10 YEARS YOUNGER) તેની કઝિન (COUSIN) આયેશા શાદી કરી હતી.

આયેશા અગાઉ રઝાકને ભાઇ' કહીને બોલાવતી હતી, પરંતુ સંજોગો એવા બન્યા કે રઝાકે તેની સાથે લગ્ન કરી લીધા હતા. રઝાક અને આયેશા (AYESHA)એ તાજેતરમાં એક ટીવી ઇન્ટરવ્યૂમાં પોતાના ભૂતકાળ વિશેની પૂટછૂટી વાતો કરી હતી.

ઉલ્લેખનીય છે કે અમુક સમુદાયોમાં મામા-ફોઇની છોકરી કે છોકરા સાથે લગ્ન કરવાની છૂટ હોય છે. 45 વર્ષીય રઝાકે પાકિસ્તાની ચૅનલને ઇન્ટરવ્યૂમાં ભૂતકાળની વાત કરતા કહ્યું હતું કે1996માં પહેલી વાર પાકિસ્તાનની ટીમમાં તેનો સમાવેશ થયો ત્યારે તેના મમ્મી અને તેના આન્ટી વચ્ચે વારંવાર મળવાનું થતું હતું.

ત્યારે રઝાક ઝિમ્બાબ્વે સામે ડેબ્યૂ સિરીઝ રમ્યો હતો. તે શ્રેણીમાં રમીને ઘરે પાછો આવ્યો ત્યારે તેના મમ્મી માંદા હતા. તેમણે અબ્દુલ પાસે એવી ઇચ્છા વ્યક્ત કરી હતી કે તે કઝિન આયેશા સાથે શાદી કરી લે. અબ્દુલે ત્યારે તો કોઈ પ્રતિક્રિયા નહોતી આપી, પણ મમ્મીની વાતને ધ્યાનમાં રાખી હતી.

થોડા વર્ષો વીતી ગયા અને 1999ના વન-ડે વર્લ્ડ કપમાં રમીને અબ્દુલ રઝાક ઘરે પાછો આવ્યો ત્યારે ખૂબ ખુશ હતો, કારણકે એ વિશ્વ કપમાં તે સ્ટાર બની ગયો હતો. એ વર્લ્ડ કપ ઑસ્ટ્રેલિયાએ જીતી લીધો હતો. રઝાક ખુશખુશાલ હાલતમાં ઘરે પાછો આવ્યો હતો, પણ તેને દુઃખદ સમાચાર મળ્યા કે તેની મમ્મીનું અવસાન થયું છે.

અબ્દુલ રઝાકને ખૂબ આઘાત લાગ્યો હતો અને થોડા દિવસ સુધી એ શોકમાંથી બહાર જ નહોતો આવ્યો. તેણે મમ્મીની એક વાત યાદ રાખી હતી કે આયેશા સાથે તેણે લગ્ન કરી લેવા. અબ્દુલને થયું કે જો તે મમ્મીની ઇચ્છા પૂરી નહીં કરે તો તેમનો આત્મા દુખી થશે.

આયેશા એકવાર અબ્દુલ રઝાકને ઘરે આવી હતી અને તેને ઘણા વખતે મળી હતી. આયેશાએ જ્યૂસનો ગ્લાસ અબ્દુલને આપતી વખતે `અબ્દુલભાઈ, યે જ્યૂસ પી લીજીએ.’ ખરેખર તો આયેશા ત્યારે કઝિન અબ્દુલને પતિ તરીકે સ્વીકારવા તૈયાર નહોતી અને તેનું ભણવાનું પણ હજી બાકી હતું. જોકે બન્નેના પરિવારે ખૂબ સમજાવ્યા બાદ તે તૈયાર થઈ ગઈ હતી અને બન્નેએ શાદી કરી હતી. લગ્ન વખતે આયેશા હજી સ્કૂલમાં હતી.

10 વર્ષ નાની કઝિન સાથે શાદી કરવા બદલ સોશિયલ મીડિયામાં કેટલાક ક્રિકેટપ્રેમીઓએ દક્ષિણ એશિયાની સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને અબ્દુલ રઝાકની ખૂબ ટીકા કરી છે.

આ પણ વાંચો -‏‏‎ ડબ્લ્યૂટીસી ફાઇનલઃ સાઉથ આફ્રિકાએ ફીલ્ડિંગ લીધી, ઑસ્ટ્રેલિયાએ આરંભમાં જ બે વિકેટ ગુમાવી

2000ના વર્ષની એક મૅચમાં ઑસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર ગ્લેન મૅક્ગ્રાના સતત પાંચ બૉલમાં પાંચ ફોર ફટકારનાર અબ્દુલ રઝાકે 1996થી 2013 સુધીની કરીઅરમાં પાકિસ્તાન વતી 265 વન-ડે સહિત કુલ 341 આંતરરાષ્ટ્રીય મૅચમાં 7,000થી વધુ રન કર્યા હતા અને કુલ 390 જેટલી વિકેટ લીધી હતી. અબ્દુલ રઝાક અને આયેશાને એક પુત્ર અને એક પુત્રી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button