6, 6, 6, 6, 6, 6ઃ કુવૈતના પટેલની એક ઓવરમાં પાકિસ્તાની બૅટ્સમૅનના છ છગ્ગા…

મૉંગ કૉકઃ પાકિસ્તાનના 24 વર્ષની ઉંમરના બૅટ્સમૅન અબ્બાસ આફ્રિદી (Abbas Afridi)એ હૉંગ કૉંગ ઇન્ટરનૅશનલ સિક્સીસ ટૂર્નામેન્ટમાં મોટું પરાક્રમ કર્યું છે અને ઇંગ્લૅન્ડના રવિ બોપારાના રેકૉર્ડની બરાબરી કરી છે. અબ્બાસ આફ્રિદીએ શુક્રવારે કુવૈત (Kuwait)ના બોલર યાસિન પટેલ (Yasin Patel)ની ઓવરના છ બૉલમાં છ છગ્ગા (6, 6, 6, 6, 6, 6) ફટકાર્યા હતા.
પાકિસ્તાનમાં શાહિદ આફ્રિદી પછી હવે તેના જમાઈ શાહીન શાહ આફ્રિદીએ આંતરાષ્ટ્રીય ટીમમાં જમાવટ કરી છે ત્યારે હવે ત્રીજો આફ્રિદી (અબ્બાસ આફ્રિદી) ચર્ચામાં છે. આ રાઇટ-હૅન્ડ બૅટ્સમૅન 12 બૉલમાં પંચાવન રનની મૅચ-વિનિંગ ઇનિંગ્સ રમ્યો હતો. એમાં તેના આઠ છગ્ગા હતા અને એમાં પણ છ સિક્સર તેણે લેફ્ટ-આર્મ સ્પિનર યાસિન પટેલની એક ઓવરમાં ફટકારી હતી.
સિક્સીસ સ્પર્ધાની આ છ-છ ઓવરની મૅચ હતી જેમાં પાકિસ્તાને 124 રનનો લક્ષ્યાંક 20.66ના રનરેટથી છેલ્લી ઓવરના અંતિમ બૉલમાં (1/124ના સ્કોર સાથે) મેળવ્યો હતો. ખરેખર તો અબ્બાસ આફ્રિદી છ સિક્સરના પરાક્રમ બાદ પંચાવન રનના પોતાના સ્કોર પર રિટાયર્ડ હર્ટ થયો હતો. તેણે ઇનિંગ્સમાં કુલ આઠ સિક્સર ઉપરાંત એક ચોક્કો પણ ફટકાર્યો હતો. ખ્વાજા નફાય (અણનમ પચીસ રન) અને શાહિદ અઝીઝે (અણનમ 23 રન)ની જોડીએ પાકિસ્તાનની ટીમને છેલ્લે વિજય અપાવ્યો હતો.
એ પહેલાં, કુવૈતે નિર્ધારિત છ ઓવરમાં બે વિકેટે (20.50ના રનરેટ સાથે) 123 રન કર્યા હતા જેમાં ભારતીય મૂળના ઓપનર અને ગુજરાતી ખેલાડી મીત ભાવસાર (41 અણનમ, 14 બૉલ, પાંચ સિક્સર, બે ફોર)નું સૌથી મોટું યોગદાન હતું.
આ પણ વાંચો…નેપાળના બૅટરે ઓવરના છ બૉલમાં ફટકાર્યા છ છગ્ગા, યુવરાજ-પોલાર્ડની બરાબરી કરવા છતાં તેમને ઓળંગી ગયો



