મહારાષ્ટ્રને 126 રનમાં આઉટ કર્યા પછી મુંબઈની 94ની લીડ, આયુષની સદી…

મુંબઈ: રણજી ટ્રોફીમાં શુક્રવારે ચાર દિવસીય મૅચ (સવારે 9.30 વાગ્યાથી)નો નવો રાઉન્ડ શરૂ થયો હતો જેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈએ મહારાષ્ટ્રને માત્ર 126 રનના સ્કોરે આઉટ કરીને રમતના અંત સુધીમાં ત્રણ વિકેટે 220 રન બનાવ્યા હતા. ઓપનર આયુષ મ્હાત્રે (127 નૉટઆઉટ, 163 બૉલ, ત્રણ સિક્સર, સત્તર ફોર) આ પહેલા દિવસની રમતનો સ્ટાર-પ્લેયર હતો. મુંબઈએ અત્યારથી જ 94 રનની સરસાઈ મેળવી હતી.
પહેલી મૅચમાં બરોડા સામે 84 રનથી પરાજિત થનાર મુંબઈની ઇનિંગ્સની શરૂઆત ખરાબ હતી, પરંતુ ત્યાર બાદ મ્હાત્રે અને કૅપ્ટન અજિંક્ય રહાણે (64 બૉલમાં 31 રન) વચ્ચે ત્રીજી વિકેટ માટે 99 રનની ભાગીદારી થઈ હતી.
ત્યાર બાદ મ્હાત્રેએ શ્રેયસ ઐયર (45 નૉટઆઉટ, 59 બૉલ, બે સિક્સર, ચાર ફોર) સાથે 97 રનની પાર્ટનરશિપ કરી હતી. મુંબઈની ત્રણમાંથી બે વિકેટ પ્રદીપ દાધેએ અને એક વિકેટ લેફ્ટ-આર્મ સ્પિનર હિતેશ વાલુંજે લીધી હતી.
એ પહેલાં, શમ્સ મુલાની તથા મોહિત અવસ્થીની ત્રણ-ત્રણ વિકેટ અને શાર્દુલ ઠાકુર તથા રૉયસ્ટન ડાયસની બે-બે વિકેટને કારણે ઋતુરાજ ગાયકવાડના સુકાનમાં મહારાષ્ટ્રની ટીમ ફક્ત 31.4 ઓવરમાં 126 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી.
અન્ય રણજી મૅચોમાં શું બન્યું
(1) દિલ્હીમાં બરોડાએ સર્વિસીઝ સામે પહેલા દાવમાં શિવાલિક શર્માના નૉટઆઉટ 120 રનની મદદથી ત્રણ વિકેટે 249 રન બનાવ્યા.
(2) અમદાવાદમાં આંધ્ર સામે ગુજરાતે પ્રથમ દાવમાં આઠ વિકેટે 289 રન બનાવ્યા. ગુજરાતના પહેલા નવ બૅટરમાંથી કોઈની હાફ સેન્ચુરી નહોતી, પરંતુ 10મા નંબરનો બૅટર અર્ઝાન નાગવાસવાલા (59 નૉટઆઉટ, 72 બૉલ, એક સિક્સર, આઠ ફોર) આંધ્રના બોલર્સને ભારે પડ્યો હતો. તેની સાથે ચિંતન ગજા 88 બૉલમાં 38 રન બનાવીને રમી રહ્યો હતો.
(3) રાજકોટમાં સૌરાષ્ટ્ર સામે છત્તીસગઢે બે વિકેટે 236 રન બનાવ્યા હતા.
(4) દિલ્હીમાં દિલ્હી સામે તામિલનાડુએ ઓપનર સાઇ સુદર્શનની અણનમ ડબલ સેન્ચુરી (202 રન)ની મદદથી એક વિકેટે 379 રન બનાવ્યા હતા. વૉશિંગ્ટન સુંદર 96 રને રમી રહ્યો હતો.