આયુષની આતશબાજી, મુંબઈને સૌરાષ્ટ્ર સામે જિતાડ્યું…
ગુજરાત અને બરોડાની વિજય હઝારે ટ્રોફીની ક્વૉર્ટરમાં સીધી એન્ટ્રી

અમદાવાદઃ અહીં વન-ડે ફૉર્મેટની વિજય હઝારે ટ્રોફી ટૂર્નામેન્ટમાં આજે સૌરાષ્ટ્ર (50 ઓવરમાં 289/10)નો મુંબઈ (46 ઓવરમાં 290/5)નો પાંચ વિકેટે વિજય થયો હતો.
17 વર્ષનો ટીનેજ ઓપનર આયુષ મ્હાત્રે (148 રન, 93 બૉલ, નવ સિક્સર, તેર ફોર) ફરી એકવાર મુંબઈનો મૅચ-વિનર બન્યો હતો. તેની અને સાથી-ઓપનર જય બિશ્ટા (45 રન, 46 બૉલ, ચાર ફોર) વચ્ચે 141 રનની મજબૂત ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી અને એને આધારે જ મુંબઈએ 24 બૉલ બાકી રાખીને 290 રનનો લક્ષ્યાંક મેળવી લીધો હતો.
મુંબઈનો કૅપ્ટન શ્રેયસ ઐયર 13 રને અને અથર્વ અંકોલેકર 16 રને અણનમ રહ્યો હતો.
આ પણ વાંચો : `કિંગ કોહલીની એવી શું મજબૂરી હતી? સચિન પાસેથી શીખવું જોઈતું હતું’: ભારતીય ક્રિકેટપ્રેમીઓમાં રોષ
સૌરાષ્ટ્ર હારી જતાં એના બૅટર વિશ્વરાજ જાડેજાએ 110 બૉલમાં બનાવેલા 92 રન તેમ જ ચિરાગ જાનીએ 98 બૉલમાં બનાવેલા 83 રન પાણીમાં ગયા હતા. મુંબઈ વતી સૂર્યાંશ શેડગેએ ચાર અને સિદ્ધેશ લાડે ત્રણ વિકેટ લીધી હતી. મુંબઈના આઠ બોલરે સૌરાષ્ટ્ર પર આક્રમણ કર્યું હોવા છતાં જયદેવ ઉનડકટની ટીમ 289 રન બનાવી શકી હતી.
અન્ય એક મહત્ત્વની મૅચમાં ગુજરાતે (252/10) જયપુરમાં ઓડિશા (152/10)ને 100 રનથી હરાવીને ક્વૉર્ટર ફાઇનલમાં સીધો પ્રવેશ કર્યો હતો. ગુજરાત વતી રવિ બિશ્નોઈએ ચાર તથા ચિંતન ગજાએ ત્રણ વિકેટ લીધી હતી.
હૈદરાબાદમાં દિલ્હી (180/10)ને બરોડા (181/5)એ પાંચ વિકેટે હરાવીને ક્વૉર્ટરમાં સીધી એન્ટ્રી કરી લીધી હતી.
મહારાષ્ટ્ર, કર્ણાટક, વિદર્ભની ટીમે પણ ક્વૉર્ટરમાં સીધો પ્રવેશ મેળવી લીધો છે.