પુત્ર આર્યવીર પિતા સેહવાગની ફેરારીની ઓફર 23 રન માટે ચૂકી ગયો, પણ…
નવી દિલ્હી: બૅટિંગ-લેજન્ડ વીરેન્દર સેહવાગનો પુત્ર આર્યવીર તાજેતરમાં પિતાએ એક શરત સાથે ઓફર કરેલું ફેરારી કારનું ઇનામ જરાક માટે ચૂકી ગયો હતો, પરંતુ આવનારા સમયમાં તે અથવા તેનો નાનો ભાઈ વેદાંત આ આકર્ષક પ્રાઈઝ જીતી શકે એમ છે. ખાસ કરીને આર્યવીરમાં પિતાની જેમ બહુ સારી બૅટિંગ-ટૅલન્ટ છે. સેહવાગનો મોટો પુત્ર આર્યવીર 17 વર્ષનો અને નાનો દીકરો વેદાંત 14 વર્ષનો છે. બંને ટીનેજર બહુ સારું ક્રિકેટ રમે છે. સ્કૂલ સ્તરની મૅચોમાં તેમણે કેટલાક સારા પર્ફોર્મન્સ બતાવ્યા છે.
ખાસ કરીને આર્યવીર બહુ સારો બૅટર છે. સેહવાગે 10 વર્ષ પહેલાં નિવૃત્તિ બાદ બન્ને પુત્રોને ઓફર કરી હતી કે તેનો 319 રનનો હાઈએસ્ટ ટેસ્ટ-સ્કોર બેમાંથી જે પુત્ર (સ્કૂલ ક્રિકેટ સહિતની કોઈ પણ મૅચમાં) સૌથી પહેલાં તોડશે તેને ઇનામમાં ફેરારી કાર મળશે. સેહવાગે આ ઓફર 2015માં એક તહેવાર વખતે દિલ્હીમાં ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ મૅચ વખતે જાણીતા કૉમેન્ટેટર હર્ષા ભોગલે સાથેની વાતચીત દરમ્યાન કરી હતી.
17 વર્ષના આર્યવીર સેહવાગે દોઢ મહિના પહેલાં કૂચ બિહાર ટ્રોફીની અન્ડર-19 મૅચમાં દિલ્હી વતી 297 રન બનાવ્યા હતા અને પિતાએ કરેલી ફેરારી કારની ઓફર ફક્ત 23 રન માટે ચૂકી ગયો હતો. તેણે જો બાવીસ રન બનાવ્યા હોત તો પિતા જેટલા 319 રન બન્યા હોત અને બીજો એક રન (એટલે કે 320મો રન બનાવીને) તેણે ઈનામી કાર જીતી લીધી હોત. આર્યવીર એક વર્ષ પછી 18 વર્ષની ઉંમરે ડ્રાઇવિંગ લાઇસન્સને પાત્ર બનવાનો હોવાથી એ કાર તેને ચલાવવા મળી હોત.
જોકે તે ખૂબ ટેલન્ટેડ બૅટર હોવાથી તેમ જ પિતાની જેમ મોટી ઇનિંગ્સ રમવાની ક્ષમતા ધરાવતો હોવાથી હવે તે પિતા વીરેન્દરની ઓફર ગમે ત્યારે જીતી શકે.
આર્યવીરે નવેમ્બર, 2024માં 297 રન 309 બૉલમાં ત્રણ ઊંચી સિક્સર અને 51 ફોરની મદદથી બનાવ્યા હતા. હરીફ ટીમના બોલર આર. એસ. રાઠોરે તેને ક્લીન બોલ્ડ કરીને તેને ટ્રિપલ સેન્ચુરી નહોતી ફટકારવા દીધી. પિતા વીરેન્દરે પુત્ર આર્યવીરની 297 રનની ઇનિંગ્સથી પ્રેરાઈને સોશિયલ મીડિયામાં હૃદયસ્પર્શી પોસ્ટમાં લખ્યું હતું કે ‘વેલ પ્લેઇડ આર્યવીર. 23 રન માટે ફેરારી ચૂકી ગયો, પણ તું ખૂબ સારું રમ્યો. આવી જ ઇનિંગ્સ રમવાનો જોશ જાળવી રાખજે. આશા રાખું છું કે ભવિષ્યમાં તું ડૅડીની માફક ઘણી સેન્ચુરી, ડબલ સેન્ચુરી અને ટ્રિપલ સેન્ચુરી ફટકારીશ. ખેલ જાઓ.’
Also read: આ માત્ર જીત નથી, જવાબ છેઃ વીરેન્દર સેહવાગ…
સેહવાગ ભારતનો એકમાત્ર ખેલાડી છે જેના નામે ટેસ્ટમાં બે ટ્રિપલ સેન્ચુરી (319 અને 309 રન) છે. એક વાર તે શ્રીલંકા સામે 293 રન પર આઉટ થઈ જતાં ઑર એક ટ્રિપલ સેન્ચુરી ચૂકી ગયો હતો. સેહવાગની ક્રિકેટ ઍકેડેમીમાંથી તાલીમ લઈને 23 ખેલાડીઓ રાષ્ટ્રીય અથવા રાજ્ય સ્તર સુધી પહોંચી શક્યા છે.