સેહવાગની પત્ની વિશે ઉડી છે એક અફવા | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

સેહવાગની પત્ની વિશે ઉડી છે એક અફવા

નવી દિલ્હીઃ વીરેન્દર સેહવાગની પત્ની આરતી વિશે એક અફવા (rumour) ઉડી છે જેને પગલે ઇન્ટરનેટ પર જાત જાતની અટકળો થવા લાગી છે.

વીરેન્દર અને આરતીએ થોડા મહિના પૂર્વે ઇન્સ્ટાગ્રામ પર એકમેકને ફૉલો કરવાનું બંધ કર્યું એવા અહેવાલો વચ્ચે ત્યારે એવી વાત ચગી હતી કે તેઓ થોડા સમયમાં છૂટાછેડા લઈ લેશે. જોકે એ બાબતમાં પછીથી કંઈ જ નક્કર વાત બહાર નહોતી આવી. વીરેન્દર (Virender) અને મિથુન મન્હાસ (Manhas) દિલ્હી વતી ડોમેસ્ટિક ક્રિકેટમાં રમતા ત્યારે તેમની વચ્ચે બહુ સારી દોસ્તી હતી અને હજી પણ હશે જ. મન્હાસ તાજેતરમાં જ બીસીસીઆઇના પ્રમુખ બની ગયા છે.

આ પણ વાંચો : `તારા કોચને કહી દે, મારી નજીક ન આવે’ આવું સેહવાગે દ્રવિડને કેમ કહ્યું હતું?

કેટલાક સૂત્રો તો ત્યાં સુધી કહે છે કે વીરેન્દર અને આરતી થોડા મહિનાઓથી અલગ રહે છે. તેમને બે પુત્ર છે. આર્યવીર સેહવાગ અને વેદાંત સેહવાગ હજી નાના છે, પણ તેમની કૅટેગરીની મૅચોમાં સારું ક્રિકેટ રમે છે. વીરેન્દર સેહવાગ દિલ્હીમાં ક્રિકેટ ઍકેડેમી ચલાવે છે.

આરતી સેહવાગ વિશે આ જે કેટલીક વાતો ઉડી છે એમાંની એક વાત તેના અને મન્હાસના ડેટિંગ વિશેની છે. આ વાતમાં કંઈ જ તથ્ય નથી અને કોઈ પુરાવા પણ નથી એમ છતાં કેટલીક વેબસાઇટો બુધવાર સવારથી આ અટકળ ચલાવ્યા કરે છે. મન્હાસ અને આરતીનો ચાર વર્ષ પહેલાંનો ફોટો ઇન્ટરનેટ પર પાછો ફરી રહ્યો છે. અભિષેક ત્રિપાઠી નામના પત્રકારે ક્રિપ્ટીક પોસ્ટ શૅર કરી છે.

આ પણ વાંચો : વીરેન્દ્ર સેહવાગ અને તેની પત્ની આરતી કારમાં ઝઘડી પડ્યા હતાં? વાયરલ વીડિયોનું ફેક્ટ ચેક

2009માં ગજબનો વિવાદ થઈ ગયો હતો. વિકેટકીપર-બૅટ્સમૅન દિનેશ કાર્તિકની પત્ની નિકિતા વણઝારા સાથે ઓપનિંગ બૅટ્સમૅન મુરલી વિજયના નજીકના સંબંધોની વાત ખૂબ ચગી હતી. પછીથી કાર્તિકે નિકિતાને છૂટાછેડા આપી દીધા હતા અને નિકિતા હવે મુરલી વિજયની પત્ની છે અને તેમને બે પુત્ર તથા એક પુત્રી છે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button