સ્પોર્ટસ

સ્કૂલના મિત્રએ બિયર ઑફર કરી એટલે માર્કરમ દોડી ગયો અને ગ્લાસ ગટગટાવી ગયો!

લૉર્ડ્સઃ સાઉથ આફ્રિકાએ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં શનિવારે ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાને હરાવીને 27 વર્ષે પહેલી વાર આઇસીસી ટ્રોફી અને પ્રથમ વખત વિશ્વ કપ સ્તરની મોટી ટ્રોફી જીતી લીધી ત્યાર બાદ લૉર્ડ્સના ઐતિહાસિક મેદાન પર પૅટ કમિન્સ અને તેના ખેલાડીઓ ગમગીન હાલતમાં હતા અને સાઉથ આફ્રિકાના ખેલાડીઓએ દેશને 27 વર્ષે મળેલી પ્રથમ ટ્રોફીનું જશન હજી તો શરૂ કર્યું હતું ત્યાં આ યાદગાર વિજયના (ઝીરોમાંથી) સુપર-હીરો બનેલા એઇડન માર્કરમે (AIDEN MARKRAM) નજીકમાં ઊભેલા એક મિત્રને નારાજ નહોતો કર્યો અને તેની ઑફર સ્વીકારી લીધી હતી.



માર્કરમ આ ફાઇનલના પહેલા દાવમાં શૂન્યમાં આઉટ થઈ ગયો હતો, પરંતુ બીજી ઇનિંગ્સમાં તેણે ઑસ્ટ્રેલિયાના બોલર્સને જોરદાર લડત આપી હતી અને 383 મિનિટ સુધી ક્રીઝમાં રહીને 207 બૉલમાં 14 ફોરની મદદથી 136 રન કર્યા હતા, સાઉથ આફ્રિકાને ઐતિહાસિક ટ્રોફી અપાવી હતી અને મૅન ઑફ ધ ફાઇનલનો પુરસ્કાર પણ જીતી લીધો હતો. એ સાથે, સાઉથ આફ્રિકાએ ચૉકર્સ’ની છાપ ભૂંસી નાખી હતી. માર્કરમ ટીમના કૅપ્ટન ટેમ્બા બવુમા, અન્ય સાથીઓ તેમ જ પત્ની જોડે જીત સેલિબ્રેટ કરી રહ્યો હતો ત્યારે મેદાનની નજીક ઊભેલા એક યુવાને તેને બોલાવ્યો હતો.

જોકે માર્કરમ થોડો ખચકાયો હતો, કારણકે તે સાથી ખેલાડીઓ સાથે અભૂતપૂર્વ ઉજવણીના મૂડમાં હતો. જોકે કૅમેરા સાથે ઊભેલો પેલો યુવાન બીજું કોઈ નહીં, પણ તેનો જૂનો મિત્ર હતો અને તેણે માર્કરમને બિયર (BEER)નો ગ્લાસ બતાવ્યો એટલે માર્કરમ તેની પાસે દોડી ગયો હતો, તેને ભેટ્યો હતો બિયરનો ગ્લાસ ગટગટાવી ગયો હતો અને તેને તેમ જ આસપાસના લોકોને ખુશ કરી દીધા હતા. ખુદ માર્કરમે પછીથી પત્રકારોને મિત્રવાળી ઘટના વિશે પૂછાતાં કહ્યું, હા, બહુ મજા પડી ગઈ. એ તો મારો વર્ષો જૂનો સ્કૂલ-ફ્રેન્ડ હતો. તે મને તેની પાસે આવીને જીત સેલિબ્રેટ કરવાનું કહેતો હતો એટલે મેં તેને કહ્યું કે હમણાં નહીં, અત્યારે અમે બધા અહીં જશનના મૂડમાં છીએ. જોકે એ મિત્રએ મને બિયરનો ગ્લાસ બતાવ્યો એટલે મેં તેને ઇશારાથી કહ્યું, ચલ…તો હું આવું જ છું. બસ, એ દિવસનો મારો એ પહેલો બિયરનો ગ્લાસ હતો અને પછી મેં નક્કી કર્યું કે હજી ઘણા ગ્લાસ એન્જૉય કરીશ.’

આ પણ વાંચો…સ્ટીવ સ્મિથની ટચલી આંગળી તૂટતાં બવુમાનો કૅચ છૂટ્યો ત્યારે જ ઑસ્ટ્રેલિયાના હાથમાંથી ટાઇટલ છીનવાઈ ગયું હતું

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button