સ્પોર્ટસ

એક હાથમાં કૉફીનો ગ્લાસ અને બીજા હાથે પકડ્યો કૅચ!

પર્થ: ઑસ્ટ્રેલિયાના ક્રિકેટ-ક્રેઝી શહેર પર્થમાં મંગળવારે વેસ્ટ ઇન્ડિઝ સામે રમાયેલી ત્રીજી અને છેલ્લી ટી-20માં યજમાન ટીમ ભલે હારી ગઈ અને ડેવિડ વૉર્નર ભલે ફટકાબાજી કરીને આખા સ્ટેડિયમમાં છવાઈ ગયો, પણ એક ક્ષણ એવી આવી હતી જેમાં એક પ્રૌઢ પ્રેક્ષકે બધાના દિલ જીતી લીધાં હતાં. તેણે માત્ર સ્ટેડિયમમાં બેઠેલા હજારો પ્રેક્ષકોના જ નહીં, પરંતુ કરોડો ટીવી-દર્શકોના ચહેરા પર સ્મિત લાવી દીધું હતું.

બન્યું એવું કે ઑસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર સ્પેન્સર જૉનસનના એક બૉલમાં કૅરિબિયન બૅટર શેરફેન રુધરફર્ડે ડીપ ફાઇન લેગ તરફ ફટકો માર્યો હતો. એમાં સિક્સર ગઈ હતી. બૉલ જે સ્ટૅન્ડમાં ગયો ત્યાં આધેડ વયના ક્રિકેટલવર ઊભા હતા. તેમના હાથમાં કૉફીનો ગ્લાસ હતો. જેવો બૉલ તેમની દિશામાં આવ્યો ત્યારે તેમણે (પાછળ ઊભેલા યુવા પ્રેક્ષકની પહેલાં પોતે જ) બીજા હાથે બૉલ ઝીલી લીધો હતો. તેમણે કૅચ પકડ્યો ત્યારે તેમના કૉફીના ગ્લાસમાંથી એક ટીપું પણ કૉફી ઢોળાઈ નહોતી. આસપાસ ઊભેલા સૌ કોઈએ તેમના પર વાહ-વાહની વર્ષા વરસાવી હતી.

ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડના સત્તાવાર ટ્વિટર હૅન્ડલ પર આ અનોખી ઘટનાનો વીડિયો શૅર કરવામાં આવ્યો હતો. નેટ યુઝર્સે તેની વાહ-વાહ તો કરી, ઘણાએ કમેન્ટ પણ લખી હતી. એક જણે લખ્યું, ‘જુઓ, પેલાની કૉફી પણ જરાય ઢોળાઈ નહીં’. બીજાએ લખ્યું, ‘તેમને મેડલ જ આપી દો.’ ત્રીજાએ લખ્યું, ‘કાશ, મારા હાથ પણ આટલા સ્ટ્રૉન્ગ હોત તો કેવું સારું થાત.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button