રિષભ પંતે રવિ શાસ્ત્રીને કહ્યું, ‘ તૂટા ભી હોતા તો ભી ખેલતા…' | મુંબઈ સમાચાર

રિષભ પંતે રવિ શાસ્ત્રીને કહ્યું, ‘ તૂટા ભી હોતા તો ભી ખેલતા…’

મૅન્ચેસ્ટર : વાઇસ કેપ્ટન રિષભ પંત (Rishabh Pant) ઇંગ્લૅન્ડ સામેની ચોથી ટેસ્ટમાં જમણા પગનો અંગૂઠો તૂટી જવા છતાં લડાયક મિજાજ અને દ્રઢતા સાથે પાછો બૅટિંગમાં આવ્યો અને યાદગાર હાફ સેન્ચુરી ફટકારી એ ક્ષણોને ક્રિકેટ પ્રેમીઓ ક્યારેય નહીં ભૂલે, પણ એ પહેલાં તેણે લોર્ડ્સની ત્રીજી ટેસ્ટમાં ડાબા હાથની પહેલી આંગળીમાં થયેલી ગંભીર ઈજા વિશે થોડી વાતચીતમાં ભૂતપૂર્વ હેડ-કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri)ને કહ્યું હતું કે ‘ તૂટા ભી હોતા તો ભી ખેલતા.’

રિષભ પંતને લોર્ડ્સની ત્રીજી ટેસ્ટમાં આંગળીમાં ઈજા થઈ હોવા છતાં તેણે ઘણા સમય સુધી બૅટિંગ કરી હતી.

https://twitter.com/mufaddal_vohra/status/1948349914104398202

ભૂતપૂર્વ કેપ્ટન રવિ શાસ્ત્રીએ એક વીડિયોમાં કહ્યું છે કે ‘ મૅન્ચેસ્ટરની ચોથી ટેસ્ટ પહેલાં મેં પંતને પૂછ્યું કે હવે તને આંગળીમાં કેમ છે? સારું છે? તૂટી તો નથી ગઈ ને?’
પંતે ત્યારે શાસ્ત્રીને જવાબમાં કહ્યું હતું કે ‘ હું આ મૅચ (લોર્ડ્સ)માં બૅટિંગ કરીશ જ. તૂટા ભી હોતા તો ભી ખેલતા.’

ગુરુવારે ચોથી ટેસ્ટમાં ભારતને બૅટિંગમાં ખાસ જરૂર હતી ત્યારે પંત પગમાં ફ્રેક્ચર (fracture) હોવા છતાં અને ડોક્ટરે તેને છ અઠવાડિયાનો આરામ કરવાની સલાહ આપી હોવા છતાં ડ્રેસિંગ રૂમમાંથી બહાર આવીને ધીમે-ધીમે નીચે ઉતરીને મેદાન પર આવ્યો હતો અને ધરતીને વંદન કર્યા બાદ ધીમે-ધીમે પિચ સુધી પહોંચ્યો હતો. એ દરમ્યાન હજારો પ્રેક્ષકોએ તેમ જ ખેલાડીઓ અને સ્ટેડિયમમાં ઉપસ્થિત મહાનુભાવોએ ઊભા થઈને પંતનું સ્વાગત કર્યું હતું. પંત ફાઈટિંગ સ્પિરીટ સાથે રમ્યો હતો અને હાફ સેન્ચુરી ફટકારી હતી. તેણે પગમાં ગંભીર ઇજા હોવા છતાં ચોક્કા-છગ્ગા ફટકાર્યા હતા.

રવિ શાસ્ત્રીએ વીડિયો (video)માં આ ઘટના વિશે કહ્યું છે કે ‘ પંત પગમાં ફ્રેક્ચર હોવા છતાં પાછો રમવા આવ્યો એનાથી ટીમનો નૈતિક જુસ્સો ખૂબ વધી ગયો હશે. પ્રેક્ષકોનું સ્ટેન્ડિંગ ઑવેશન મળે અને હરીફ ખેલાડીઓ પણ તાળી પાડીને ફાઈટિંગ સ્પિરીટનું સન્માન કરે એ ખેલાડીની કારકિર્દીની અસાધારણ પળો કહેવાય. આવી અપ્રતિમ ઘટનાઓથી જ ખેલાડી તેના ચાહકોમાં હીરો બની જતો હોય છે.’

આ પણ વાંચો…રિષભ પંત 90મી સિકસર ફટકારતાં જ રેકૉર્ડ-બુકમાં, આ ભારતીય બૅટ્સમૅનની બરાબરી કરી…

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button