મેં તો રૂટના વખાણ કર્યા, પણ તે મને ગાળ આપવા લાગ્યો: પ્રસિદ્ધ ક્રિષ્ના | મુંબઈ સમાચાર

મેં તો રૂટના વખાણ કર્યા, પણ તે મને ગાળ આપવા લાગ્યો: પ્રસિદ્ધ ક્રિષ્ના

લંડન: શુક્રવારે અહીં ધ ઓવલ (Oval) ગ્રાઉન્ડ પર ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની છેલ્લી ટેસ્ટમાં બપોરે 3:30 વાગ્યાથી મધરાત 12:00 વાગ્યા સુધીમાં ઘણું બની ગયું અને એમાં ભારતીય પેસ બોલર પ્રસિદ્ધ ક્રિષ્ના (PRASIDDH KRISHNA) અને ઇંગ્લૅન્ડના પ્રતિભાશાળી નંબર-વન બૅટ્સમૅન જૉ રૂટ (Joe Root) વચ્ચેની ખટપટ સૌથી વધુ ચર્ચામાં છે.

આખા દિવસમાં કુલ 13 વિકેટ પડી

સાડાઆઠ કલાક દરમ્યાન 75 ઓવરની રમતમાં કુલ ૧૫ વિકેટ પડી, 340થી વધુ રન થયા, વરસાદ પણ પડ્યો, સૂરજદાદાએ પણ વારંવાર વાદળોમાંથી ડોકિયું કર્યું, ખેલાડીઓ વચ્ચે થોડી મજાક તેમ જ હળવી તકરાર પણ થઈ અને એકંદરે હજારો પ્રેક્ષકોએ બીજા દિવસની રમત ખૂબ માણી હતી.

ભારત 2/75, બાવન રનથી આગળ

શુક્રવારે બીજા દાવમાં બીજા દિવસની રમતના અંતે ભારતનો સ્કોર બે વિકેટે 75 રન હતો. ઓપનર યશસ્વી જયસ્વાલ 51 રને અને નાઈટ-વૉચમૅન આકાશ દીપ ચાર રને દાવમાં હતા. પહેલી ઇનિંગ્સમાં ભારતના 224 રનના જવાબમાં ઇંગ્લૅન્ડે 247 રન કરીને 23 રનની સરસાઈ લીધી હતી.

અંતિમ તબક્કામાં ચકમક થવી સંભવ છે

યજમાન ઇંગ્લૅન્ડ સિરીઝમાં 2-1થી આગળ છે અને શ્રેણી જીતવા એણે કમર કસી છે ત્યારે બીજી બાજુ ભારતની મહેમાન ટીમ આ અંતિમ ટેસ્ટ જીતીને શ્રેણી 2-2થી બરાબરીમાં કોઈ કસર બાકી ન રાખવાનું હોવાથી સ્વાભાવિક છે કે શ્રેણીના આ આખરી તબક્કામાં હરીફ ખેલાડીઓ વચ્ચે થોડુંઘણું ઘર્ષણ તો થાય જ.

ઈંટનો જવાબ પથ્થરથી

ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડના ખેલાડીઓ મૅચ પહેલાંની માઈન્ડ-ગેમ રમ્યા બાદ મેદાન પર કારણ વિના ભારતીયોને ઉશ્કેરવા માટે તેમ જ તેમની સામે સ્લેજિંગ કરવા માટે માહિર છે. પહેલી ચાર ટેસ્ટમાં બ્રિટિશરોએ સિરીઝને પોતાના કબજામાં કરવા મોટા ભાગે એ જ કામ કર્યું હતું. હવે છેલ્લી ટેસ્ટમાં જ્યારે ભારતના પેસબોલર પ્રસિદ્ધ ક્રિષ્નાએ બ્રિટિશ બૅટ્સમૅનને કંઈક કહ્યું તો તે મગજ પરથી કાબૂ ગુમાવી બેઠો હતો.

રૂટ શાંત અને નિર્વિવાદ ખેલાડી છે

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન કરનાર સચિન તેન્ડુલકર પછી બીજું સ્થાન ધરાવતો ઇંગ્લૅન્ડનો સર્વોત્તમ બૅટ્સમૅન જો રૂટ હરીફ ખેલાડીઓ સાથે ક્યારેય કોઈ પ્રકારની ખટપટમાં ઊતરે એવો તો નથી અને માનસિકતાની વાત કરીએ તો તે રિકી પૉન્ટિંગ કરતાં સચિન તેન્ડુલકર જેવો શાંત અને ઠરેલ મગજનો છે એવું પણ કહી શકાય.

રૂટે સસ્તામાં વિકેટ ગુમાવી

જોકે શુક્રવારે ક્રિષ્નાએ એવું કંઈક કહ્યું કે જેનાથી રૂટને ગુસ્સો આવી ગયો હતો. શુક્રવારે 4 વિકેટ લેનાર ક્રિષ્ના રૂટની એકાગ્રતા તોડવા તેને કંઈક કહેવા માગતો હતો કે જેથી તે ખોટા શૉટમાં વિકેટ ગુમાવી બેસે.
ખરેખર એવું જ બન્યું હતું. આ ઘટના પછી સિરાજના બૉલમાં રૂટ તેના 29 રનના સ્કોર પર એલબીડબલ્યૂ થઈ ગયો હતો.

મેદાન પર શું શાબ્દિક ટપાટપી થઈ?

ક્રિષ્નાએ રમત પછીની પત્રકાર પરિષદમાં કહ્યું કે ‘ મેં રૂટને એટલું જ કહ્યું કે વાહ, તું બહુ ફિટ અને સારા ફોર્મમાં લાગે છે. જોકે એ સાંભળીને રૂટ મારા પર ગુસ્સે થઈ ગયો હતો. મેં તો તેના વખાણ કર્યા, પણ તે મને ગાળ આપવા લાગ્યો હતો. મને તેના એ વર્તનથી ખૂબ નવાઈ લાગી હતી.’

મારો પ્લાન હતો જ: ક્રિષ્ના

ક્રિષ્નાએ જર્નલિસ્ટોને એવું પણ કહ્યું હતું કે ‘ રૂટની એકાગ્રતા ભંગ કરવાનો મારો પ્લાન હતો. જોકે તે આવી પ્રતિક્રિયાથી આંચકો આપશે એવું મેં ધાર્યું જ નહોતું. જે કંઈ હોય, રૂટ ગ્રેટ પ્લેયર છે. મેદાનની બહાર અમારી વચ્ચે બહુ સારી દોસ્તી છે. એટલું તો હું જરૂર કહીશ કે રૂટ બૅટિંગ-લેજન્ડ છે.’

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button