પાકિસ્તાની ક્રિકેટરની હેલ્મેટમાં બૉલ ઘૂસી ગયો, વીડિયો જોશો તો ચોંકી જશો…

માઉન્ટ મોન્ગેનુઇ: પાકિસ્તાને ગઈ કાલે ન્યૂ ઝીલેન્ડ સામેની ત્રીજી વન-ડે પણ હારી જતાં જે નાલેશી જોવી પડી એ પહેલાં મોહમ્મદ રિઝવાનની આ ટીમના એક ખેલાડીને એવી રીતે ઈજા થઈ કે એનો વીડિયો જોઈને ભલભલો ક્રિકેટપ્રેમી ચોંકી જાય. કોઈએ કદી આ રીતે કોઈ ખેલાડીને ઈજા પામતો નહીં જોયો હોય.
પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન ઇન્ઝમામ-ઉલ-હકનો ભત્રીજો ઇમામ-ઉલ-હક (Imam-Ul-Haq) બૅટિંગમાં હતો ત્યારે આ ગોઝારી ઘટના બની હતી.
ઓપનર ઇમામ એક રન દોડીને રન પૂરો કરી રહ્યો હતો ત્યારે ફીલ્ડરના થ્રોમાં આવેલો બૉલ ઇમામની હેલ્મેટની ગ્રિલમાં અંદર જતો રહ્યો હતો અને હેલ્મેટમાં અંદર જ અટકી ગયો હતો.

ફીલ્ડરનો થ્રો (Throw) એટલો જોરદાર હતો કે બૉલ (ball)ના વેગને લીધે ઇમામને જડબામાં અને નાક પર ઈજા થઈ હતી.
ઇમામ ઈજા છતાં ક્રીઝની અંદર આવી ગયો હતો, હેલ્મેટ (Helmet) કાઢી હતી અને બૅટ ફેંકીને નીચે પડ્યો હતો. ટીમના ફિઝિયોથેરપિસ્ટ તરત દોડી આવ્યા હતા. ઇમામની હાલત એટલી ખરાબ હતી કે તે સંતુલન નહોતો જાળવી શક્યો. દુખાવાને કારણે મોં પકડીને બેઠો રહ્યો હતો. તેને તરત જ એમ્બ્યૂલન્સમાં સૂવડાવીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
ઇમામ ઈજા પામ્યો ત્યારે તે એક રન પર રમી રહ્યો હતો.
કૉમેન્ટેટરે એવી દહેશત વ્યક્ત કરી હતી કે ઇમામ કદાચ કંકશન (માથાની ગંભીર ઈજા)નો શિકાર થયો છે.
પછીથી પાકિસ્તાન (Pakistan) ક્રિકેટ બોર્ડે બહાર પાડેલા નિવેદનમાં જણાવ્યું હતું કે ‘ઇમામને મોં પર થોડી ઈજા થઈ છે એટલે તેના ચાહકોએ ચિંતા કરવી નહીં. તે વિમાનમાં પ્રવાસ પણ કરી શકશે.’
પાકિસ્તાનનો ગઈ કાલે ત્રીજી વન-ડેમાં પણ પરાભવ થતાં એનો 0-3થી વાઈટ-વૉશ થયો હતો. એ પહેલાં, પાકિસ્તાનની કિવીઓ સામે સલમાન આગાના સુકાનમાં ટી-20 શ્રેણીમાં 1-4થી હાર થઈ હતી.
આપણવાંચો:NZ vs PAK: ત્રીજી ODIમાં હાર બાદ પાકિસ્તાનનો આ ખેલાડી દર્શકને મારવા દોડ્યો, જાણો શું છે મામલો