અફઘાનિસ્તાનના 56 રન સાથે મેન્સ ક્રિકેટનો અનોખો વિક્રમ તૂટ્યો, જાણો કયો રેકોર્ડ…

ટારૌબા (ટ્રિનિદાદ): સાઉથ આફ્રિકાએ અફઘાનિસ્તાનને ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં 56 રનમાં તંબૂ ભેગું કરીને એને મેન્સ ટી-20 ઇન્ટરનેશનલ્સની અનિચ્છનીય રેકોર્ડ-બૂકમાં લાવી દીધું હતું. રાશિદ ખાનની ટીમના 56 રન મેન્સ ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટની ટૂર્નામેન્ટના નૉકઆઉટ રાઉન્ડનો નવો લોએસ્ટ ટીમ-સ્કોર છે.
અગાઉનું લોએસ્ટ ટોટલ ક્રિકેટની નવી ટીમ બોટ્સવાનાના નામે હતું. આફ્રિકા ખંડની બોટ્સવાનાની ટીમ ડિસેમ્બર, 2023માં આફ્રિકા ક્રિકેટ અસોસિયેસન કપની સેમિ ફાઈનલમાં યુગાન્ડા સામે 62 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
યુગાન્ડા એ મૅચ 10 વિકેટથી જીતી ગયું હતું.
સાઉથ આફ્રિકા સામેના 56 રન ટી-20માં અફઘાનિસ્તાનનું સૌથી નીચું ટોટલ પણ છે. ત્રણ અફઘાન બૅટર્સ ઝીરોમાં આઉટ થયા હતા, સાતના સિંગલ ડિજિટમાં રન હતા અને ઓમરઝાઇના 10 રન ટીમમાં હાઈએસ્ટ હતા. અફઘાનિસ્તાનને 13 રન એક્સ્ટ્રામાં મળ્યા હતા.