પહેલી ટેસ્ટ જેવો જ માહોલ છેલ્લી ટેસ્ટમાંઃ લીડ્સમાં બ્રિટિશરોએ 371 રનનો લક્ષ્યાંક મેળવી લીધેલો | મુંબઈ સમાચાર

પહેલી ટેસ્ટ જેવો જ માહોલ છેલ્લી ટેસ્ટમાંઃ લીડ્સમાં બ્રિટિશરોએ 371 રનનો લક્ષ્યાંક મેળવી લીધેલો

લંડનઃ અહીં ઓવલની છેલ્લી ટેસ્ટમાં શનિવારના ત્રીજા દિવસે યશસ્વી જયસ્વાલ (118 રન, 164 બૉલ, 296 મિનિટ, બે સિક્સર, 14 ફોર)ની શાનદાર સેન્ચુરી તેમ જ નાઇટ-વૉચમૅન તરીકે રમેલા આકાશ દીપ (66 રન, 94 બૉલ, 109 મિનિટ, 12 ફોર), રવીન્દ્ર જાડેજા (53 રન, 77 બૉલ, 129 મિનિટ, પાંચ ફોર) તેમ જ આક્રમક ફટકાબાજીથી ઓવલનું સ્ટેડિયમ ગૂંજવી નાખનાર વૉશિંગ્ટન સુંદર (53 રન, 46 બૉલ, 58 મિનિટ, ચાર સિક્સર, ચાર ફોર)ની હાફ સેન્ચુરી અને વિકેટકીપર ધ્રુવ જુરેલ (34 રન, 46 બૉલ, પંચાવન મિનિટ, ચાર ફોર)ના યોગદાનની મદદથી ભારતે (India) બીજા દાવમાં 396 રન કર્યા હતા અને ઇંગ્લૅન્ડને જીતવા 374 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો હતો. બ્રિટિશ ટીમે (England) સારી શરૂઆત કરીને પહેલી 10 ઓવરમાં 42 રન કર્યા હતા.

જૂનમાં લીડ્સની પ્રથમ ટેસ્ટમાં ભારતે બ્રિટિશ ટીમને 371 રનનો લક્ષ્યાંક આપ્યો હતો અને તેમણે ઓપનર બેન ડકેટના 149 રન, જૉ રૂટના અણનમ 53 રન તથા જૅમી સ્મિથના અણનમ 44 રનની મદદથી પાંચ વિકેટના ભોગે 373 રન કરીને શ્રેણીમાં 1-0થી સરસાઈ મેળવી હતી.
ઇંગ્લૅન્ડના ફીલ્ડર્સે ભારતના બીજા દાવમાં કુલ છ છોડ્યા હતા. એમાં ત્રણ જીવતદાન યશસ્વીને મળ્યા હતાઃ (1) ઇનિંગ્સની શરૂઆતમાં યશસ્વીનો કૅચ ઍટક્નિસનના બૉલમાં બીજી સ્લિપમાં બ્રૂકના હાથે છૂટ્યો. (2) જૉશ ટન્ગના બૉલમાં ડીપ ફાઇન લેગ પર ડૉસનના મોં પર બૉલ વાગ્યો અને યશસ્વીનો કૅચ છૂટ્યો. (3) ઓવર્ટનના બૉલમાં સુદર્શનનો કૅચ થર્ડ સ્લિપમાં ક્રૉવ્લીએ છોડ્યો. (4) જૉશ ટન્ગના જ બૉલમાં સ્લિપમાં ક્રૉવ્લીએ આકાશ દીપનો કૅચ પડતો મૂક્યો. (5) ઑવર્ટનના બૉલમાં કરુણ નાયરના શૉટમાં બૉલ ક્રૉવ્લી-બ્રૂકની વચ્ચેથી પસાર થઈ જતાં છૂટેલો એ પાંચમો કૅચ હતો. (6) ઑવર્ટનના બૉલમાં યશસ્વીનો કૅચ લેગ ગલીમાં ડકેટના હાથે છૂટ્યો.
ઇંગ્લૅન્ડ વતી જૉશ ટન્ગે સૌથી વધુ પાંચ વિકેટ લીધી હતી. યોગાનુયોગ, ઇંગ્લૅન્ડના પાંચમાંથી (ગસ ઍટક્નિસનને બાદ કરતા) ચાર બોલરના નામ અંગે્રજીમાં ` J’ પરથી શરૂ થતા હતાઃ જૉશ ટન્ગ, જૅમી ઑવર્ટન, જૅકબ બેથેલ અને જૉ રૂટ. આ મૅચના પ્રથમ દાવમાં ભારતના 224 રન સામે ઇંગ્લૅન્ડે 247 રન કર્યા હતા.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button