સ્પોર્ટસ

એક ઓવરમાં 39 રનનો વર્લ્ડ રેકોર્ડ, ટચૂકડા દેશનો બૅટર દિગ્ગજોની હરોળમાં

સમોઆના દારિયસ વિસ્સેરે 14 સિક્સર, પાંચ ફોરની મદદથી બનાવ્યા 132 રન

નવી દિલ્હી: સમોઆ નામના નાનકડા ટાપુના દારિયસ વિસ્સેર નામના 28 વર્ષના બૅટર મંગળવારે મેન્સ ટી-20 ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં હલચલ મચાવી દીધી હતી. તેણે વાનુઆટુ નામના બીજા નાના ટાપુની ટીમ સામેની મૅચમાં એક ઓવરમાં 39 રન બનાવ્યા હતા તેમ જ બીજા બે વિક્રમ પણ બનાવ્યા હતા.

ઍપિયા નામના શહેરમાં આઇસીસી મેન્સ ટી-20 વર્લ્ડ કપ ઈસ્ટ એશિયા-પેસિફિક રીજન ક્વૉલિફાયર-એ નામની ઇન્ટરનૅશનલ ટી-20 ટૂર્નામેન્ટ ચાલી રહી છે જેમાં દારિયસે ટી-20 આંતરરાષ્ટ્રીય મૅચમાં એક ઓવરમાં સૌથી વધુ રન બનાવવાનો વર્લ્ડ રેકૉર્ડ તોડ્યો હતો.

ચોથા નંબરે બૅટિંગ કરનાર દારિયસે 62 બૉલમાં 14 સિક્સર અને પાંચ ફોર સાથે 132 રન બનાવ્યા હતા. ટીમમાં તેના પછીનો હાઇએસ્ટ સ્કોર 16 રન હતો. એ 16 રન કૅપ્ટન કૅલબ જસ્મતે બનાવ્યા હતા. સમોઆએ 174 રન બનાવ્યા બાદ વાનુઆટુની ટીમ 20 ઓવરમાં નવ વિકેટે 164 રન બનાવી શકતા સમોઆનો 10 રનથી વિજય થયો હતો.

વાનુઆટુના 164 રનમાં ઓપનર નલિન નિપિકોના 73 રન સૌથી વધુ હતા. જોકે એ પહેલાં, સમોઆની ઇનિંગ્સમાં દારિયસે પેસ બોલર નલિન નિપિકોની જ ઓવરમાં અભૂતપૂર્વ ધુલાઈ કરી હતી. ત્રીજી જ ટી-20 રમતા દારિયસે એ ઓવરમાં છ સિક્સર તો ફટકારી જ હતી, ટી-20 ઇન્ટરનૅશનલની મૅચમાં કોઈ એક ઓવરમાં 36થી વધુ રન બન્યા હોય એવો આ પહેલો કિસ્સો હતો. 15મી ઓવરમાં પહેલા ત્રણ લીગલ બૉલની ત્રણ સિક્સર બાદ ચોથો ફ્રન્ટ-ફૂટ નો બૉલ હતો. ફ્રી હિટમાં દારિયસે છગ્ગો માર્યો હતો. એ પછી પાંચમો બૉલ ડૉટ-બૉલ હતો જેમાં દારિયસના સ્ટ્રેઇટ શૉટમાં બૉલ સીધો નૉન-સ્ટ્રાઇકર્સ એન્ડના સ્ટમ્પ્સને વાગ્યો હતો.

નલિને ત્યાર બાદ છઠ્ઠો બૉલ નો બૉલ હતો જેના ફ્રી હિટવાળા બૉલમાં દારિયસે સિક્સર ફટકારી જ હતી, એ બૉલ પણ નો બૉલ પડ્યો એટલે એમાં દારિયસે ફરી સિક્સર ફટકારી હતી. એ રીતે કુલ છ સિક્સર અને નો બૉલના ત્રણ રન મળીને કુલ 39 રન એ ઓવરમાં બન્યા હતા. 14મી ઓવરને અંતે સમોઆનો સ્કોર પાંચ વિકેટે 77 રન હતો જે 15મી ઓવર પૂરી થઈ ત્યારે પાંચ વિકેટે 116 રન પર પહોંચી ગયો હતો. દારિયસે ઑસ્ટ્રેલિયાના સિડની શહેરમાં ક્રિકેટની તાલીમ મેળવી છે અને કરીઅરની શરૂઆતમાં તે ફાસ્ટ બોલર હતો. મંગળવારની મૅચમાં તેણે એક વિકેટ પણ લીધી હતી. તેની ટીમે ઓવરમાં 39 રનનો વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો એની તેને કે સાથીઓને ખબર જ નહોતી. ઇનિંગ્સ બ્રેક દરમ્યાન તેમને જણાવવામાં આવ્યું હતું કે તેમણે પોતાના નામે વિશ્ર્વ વિક્રમ નોંધાવ્યો છે.

સમોઆએ છેલ્લા આઠ બૉલમાં પાંચ વિકેટ ગુમાવી હતી એ વાત અલગ છે, પરંતુ એણે આપેલો 175 રનનો લક્ષ્યાંક વાનુઆટુને મોટો લાગ્યો હતો અને સમોઆનો વિજય થયો હતો.

ઓવરમાં 36 રન બન્યાના હવે કુલ છ કિસ્સા

રન બૅટર અને રનની વિગત બોલર વર્ષ
39 દારિયસ-6,6,6,1(નો બૉલ), 6, 0, 1 (નો બૉલ), 6 (+1 નો બૉલ), 6 નલિન 2024
36 યુવરાજ-6, 6, 6, 6, 6, 6 બ્રૉડ 2007
36 પોલાર્ડ-6, 6, 6, 6, 6, 6 ધનંજયા 2021
36 રોહિત-5 (નો બૉલ), 6, 6, 1, રિંકુ-6, 6, 6 કરીમ 2024
36 દીપેન્દ્ર એઇરી-6, 6, 6, 6, 6, 6 કામરાન 2024
36 પૂરન-6, 5 નો બૉલ, 5 વાઇડ, 0, 4 લેગ બાય, 4, 6, 6 ઓમરઝાઇ 2024

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button