સ્પોર્ટસ

34 વર્ષના ‘છોટા ધોની’એ ક્રિકેટને અલવિદા કહી નાખ્યું

નવી દિલ્હી: મહેન્દ્ર સિંહ ધોનીની જેવા લાંબા વાળ, બેટીંગ કરવાની સ્ટાઇલ પણ ધોની જેવી જ આક્રમક અને ધોનીના જ રાજ્યનો ક્રિકેટર, જેને ‘છોટા ધોની’ તરીકે પ્રેમથી બોલાવતા તેવા સૌરભ તિવારીએ ક્રિકેટને અલવિદા કહી દીધું છે.

ફક્ત 34 વર્ષના સૌરભ તિવારીએ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી છે. એક સમયે જેની તુલના ધોની સાથે થતી હતી તેણે આટલી જલદી ક્રિકેટમાંથી નિવૃત્તિ કેમ લઇ લીધી એવો સવાલ થવો સ્વાભાવિક છે.

ડાબોડી બેટ્સમેન સૌરભ તિવારીએ 10 ઓક્ટોબર, 2010ના રોજ સૌરભે ભારત વતી વન-ડે ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ઑસ્ટ્રેલિયા સામે રમાયેલી વન-ડેમાં ડેબ્યુ કરનારા સૌરભે એ જ વર્ષે ન્યૂ ઝીલૅન્ડ વિરુદ્ધ પોતાની છેલ્લી વન-ડે ઇન્ટરનેશનલ રમી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌરભ માત્ર ત્રણ જ વન-ડે મેચ રમ્યો છે.

જેમાં બે ઇનિંગ્સમાં તેણે કુલ 49 રન બનાવ્યા છે. તેનો શ્રેષ્ઠ સ્કોર 37 નોટ-આઉટ રહ્યો છે. ઇન્ટરનેશનલ કરિઅર ભલે નાનું રહ્યું હોય, પણ સૌરભના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટનો રેકોર્ડ ખૂબ જ શાનદાર રહ્યો છે.

ઝારખંડ વતી સૌરભ 115 ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યો છે, જેમાં 47.51ની એવરેજ સાથે તેણે કુલ 8030 રન બનાવ્યા છે, જેમાં બાવીસ સેન્ચુરી અને 34 હાફ-સેન્ચુરીનો સમાવેશ થાય છે. સૌરભ લિસ્ટ-એની 116 અને 181 ટી-20 મેચ પણ રમ્યો છે.

જોકે, છેલ્લાં ઘણા વખથથી તે ઘૂંટણની ઇજાથી ત્રસ્ત છે અને જાહેરાત કરી છે કે 16 ફેબ્રુઆરીએ રાજસ્થાન વિરુદ્ધ રમાનારી રણજી મેચમાં તે છેલ્લી વખત ઝારખંડ વતી રમતો જોવા મળશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button