1996 વર્લ્ડ કપ સેમિ ફાઇનલ…ભારત હાર્યું એટલે પ્રેક્ષકોએ સ્ટેડિયમમાં આગ લગાડી અને…વિનોદ કાંબળી રડી પડ્યો

કોલકાતા: તાજેતરમાં જ એક વર્લ્ડ કપ ત્રણ મહિના પહેલાં રમાઈ ગયો અને બીજો વર્લ્ડ કપ ત્રણ મહિના પછી રમાવાનો છે. હવે તો વન-ડેનો અને ટી-20નો તેમ જ ટેસ્ટનો પણ વર્લ્ડ કપ (વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ) રમાતો હોવાથી ક્રિકેટનો મહોત્સવ વારંવાર જોવા મળતો હોય છે. ટી-20ની આઇપીએલ દર વર્ષે એપ્રિલ-મેમાં રમાતી હોય છે એ પાછી અલગ. જોકે 1990ના દાયકા સુધી એવું નહોતું. ત્યારે માત્ર વન-ડેનો જ વિશ્વ કપ રમાતો એટલે લોકો જીત હોય કે હાર, ખૂબ ભાવુક થઈ જતા હતા.
જુઓને, 1996ના વર્લ્ડ કપમાં કેવી આઘાતમય અને ચોંકાવનારી ઘટના કોલકતાના ઈડન ગાર્ડન્સમાં બની ગઈ હતી. એ વર્ષે આ જ દિવસે (13 માર્ચે) ઈડનમાં ભારત અને શ્રીલંકા વચ્ચે વર્લ્ડ કપની સેમિ ફાઇનલ રમાઈ હતી. એમાં બનેલી ઘટના યાદ આવે છે તો પ્રેક્ષકોની નારાજગી અને વિનોદ કાંબળીના ચહેરા પરની ઉદાસીનતા તરત યાદ આવી જાય છે.
252 રનના લક્ષ્યાંક સામે (સચિન તેન્ડુલકરના 65 રન બાદ) ભારતીય બૅટર્સ સાવ પાણીમાં બેસી ગયા એટલે પ્રેક્ષકોનો પિત્તો ગયો હતો જેમના ખરાબ વર્તનને કારણે મૅચ પૂરી નહોતી રમાઈ અને (35મી ઓવરમાં સ્થિતિ કાબૂ બહાર થઈ જતાં ભારતનો સ્કોર ત્યારે આઠ વિકેટે 120 રન હતો ત્યારે) શ્રીલંકાને વિજેતા જાહેર કરી દેવાતાં એને ફાઇનલમાં સીધા પ્રવેશની મંજૂરી મળી ગઈ હતી.
આ એ જ વર્ષ હતું ત્યારે ભારતે સંયુક્ત રીતે યજમાનપદ માણ્યું હતું. મોહમ્મદ અઝહરુદ્દીનના સુકાનમાં ભારતીય ટીમે બહુ સારું પર્ફોર્મ કરીને અર્જુન રણતુંગાની કૅપ્ટન્સીવાળી શ્રીલંકાની ટીમ સામેની સેમિ ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. જોકે ભારતે એમાં આઘાતજનક હાર સહન કરવી પડી હતી.
ભારતે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. રણતુંગાના નેતૃત્વવાળી ટીમે આઠ વિકેટે 251 રન બનાવ્યા હતા જેમાં અરવિંદ ડિસિલ્વા (66 રન) અને રોશન મહાનામા (58)ની હાફ સેન્ચુરી સામેલ હતી. જાવાગલ શ્રીનાથે ત્રણ અને સચિને બે વિકેટ લીધી હતી.

ભારતીય ટીમે 252 રનના જવાબમાં શરૂઆત ખરાબ કરી હતી, કારણકે નવજોત સિંહ સિધુ ફક્ત ત્રણ રન બનાવીને ચામિન્ડા વાસને વિકેટ આપી બેઠો હતો. 98 રન સુધી ભારતની સ્થિતિ સારી હતી, પણ એ સ્કોર પર સનથ જયસૂર્યાના બૉલમાં સચિન વિકેટકીપર કાલુવિથરણાના હાથે સ્ટમ્પ-આઉટ થયો એ સાથે ભારતનો ધબડકો શરૂ થયો હતો. 120 રન સુધીમાં આઠ વિકેટ પડી ચૂકી હતી. પાંચમા ક્રમે રમવા આવેલો વિનોદ કાંબળી (29 બૉલમાં 10 રન) રમી રહ્યો હતો અને અનિલ કુંબલે (0) સામા છેડા પર હતો. એ તબક્કે ભારતની સંભવિત હાર સહન ન થતાં કેટલાક પ્રેક્ષકોએ મેદાન પર બૉટલ તેમ જ ચપ્પલ-બૂટ ફેંકવાની શરૂ કરી દીધી હતી અને આગ પણ લગાડી હતી.
ત્યાર બાદ છેવટે એ મૅચ ત્યાં જ રોકવી પડી હતી અને મૅચ રેફરી ક્લાઇવ લૉઇડે શ્રીલંકાને વિજેતા જાહેર કર્યું હતું. ક્રિકેટમાં અનિશ્ચિતતા રહેલી હોય છે, એમ છતાં શ્રીલંકા આમેય જીતવાનું જ હતું, પણ એને વિજય વહેલો મળી ગયો હતો. જયસૂર્યાએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. જોકે 66 રન બનાવવા ઉપરાંત એક વિકેટ પણ લેનાર ડિસિલ્વાને ગંભીર સ્થિતિ વચ્ચે મૅન ઑફ ધ મૅચ અવૉર્ડ વિજેતા જાહેર કરાયો હતો. 17 માર્ચે લાહોરમાં શ્રીલંકાએ ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાને સાત વિકેટે હરાવીને ચૅમ્પિયનપદ મેળવવાની સાથે એ વર્લ્ડ કપને યાદગાર બનાવી દીધો હતો.