19 વર્ષના બૅટરે સચિન તેન્ડુલકરનો રેકૉર્ડ સ્કોર ઓળંગી લીધો
બેન્ગલૂરુ: દુલીપ ટ્રોફીની ચાર દિવસીય મૅચમાં ઇન્ડિયા-બી ટીમનો મુશીર ખાન ગુરુવારના પ્રથમ દિવસે સદી ફટકાર્યા પછી શુક્રવારના બીજા દિવસે પણ છવાઈ ગયો હતો. સૌથી મોટું કારણ એ હતું કે તેણે ક્રિકેટિંગ-ગૉડ સચિન તેન્ડુલકરનો 33 વર્ષ જૂનો ઐતિહાસિક સ્કોર પાર કર્યો હતો. ઇન્ડિયા-એ સામે ઇન્ડિયા-બી ટીમે 321 રન બનાવ્યા એમાં 181 રન 19 વર્ષીંય મુશીર ખાનના હતા જે તેણે 373 બૉલમાં પાંચ સિક્સર અને સોળ ફોરની મદદથી બનાવ્યા હતા.
તાજેતરમાં જ ભારત વતી ડેબ્યૂ કરનાર સરફરાઝ ખાનનો નાનો ભાઈ મુશીર ખાન દુલીપ ટ્રોફીમાં ડબલ સેન્ચુરીની સિદ્ધિ મેળવવાની તૈયારીમાં જ હતો ત્યાં કુલદીપ યાદવે તેને રિયાન પરાગના હાથમાં કૅચઆઉટ કરાવી દીધો હતો. મુશીર ભલે ડબલ સેન્ચુરી ન ફટકારી શક્યો, પરંતુ તેણે સચિનના લગભગ સાડાત્રણ દાયકા પહેલાંના રેકૉર્ડને ઓળંગી લીધો હતો. દુલીપ ટ્રોફીમાં ડેબ્યૂ મૅચમાં સૌથી વધુ રન બનાવવાનો રેકૉર્ડ અગાઉ સચિનના નામે હતો. તેણે 1991ના જાન્યુઆરી મહિનાની એ મૅચમાં 159 રન બનાવ્યા હતા.
દુલીપ ટ્રોફીની ડેબ્યૂ મૅચમાં સૌથી વધુ રન બનાવનારાઓમાં હાલમાં ટીનેજર બાબા અપરાજિતના નામે છે. બાબાએ 212 રન બનાવ્યા હતા. તેના પછી બીજા નંબરે યશ ધુલ છે. તેણે 193 રન બનાવ્યા હતા. ત્રીજા નંબરે હવે મુશીર છે અને સચિન ચોથા નંબરે છે.
ગુરુવારે બેન્ગલૂરુમાં મુશીર અને નવદીપ સૈની વચ્ચે આઠમી વિકેટ માટે 108 રનની અતૂટ ભાગીદારી કરી હતી અને શુક્રવારે એ પાર્ટનરશિપ આગળ વધી હતી અને 205 રનની ભાગીદારી સાથે મુશીરની વિકેટ પડી હતી. સૈનીએ 144 બૉલમાં એક સિક્સર અને આઠ ફોર સાથે 56 રન બનાવીને ઇન્ડિયા-બીને સવાત્રણસો આસપાસનો સ્કોર અપાવવામાં મોટું યોગદાન આપ્યું હતું. ઇન્ડિયા-એ વતી આકાશ દીપે ચાર વિકેટ તેમ જ આવેશ ખાન અને ખલીલ અહમદે બે-બે વિકેટ લીધી હતી.