
હરારે: રવિવારે અહીં ઝિમ્બાબ્વે સામેની સિરીઝની છેલ્લી ટી-20 હજી તો શરૂ થઈ હતી ત્યાં ઓપનર યશસ્વી જયસ્વાલે અનોખો વર્લ્ડ રેકૉર્ડ પોતાના નામે લખાવી દીધો હતો.
મેન્સ ટી-20માં પહેલા બે લીગલ બૉલમાં 12 રન ફટકારનાર યશસ્વી વિશ્ર્વનો પહેલો જ બૅટર બન્યો હતો.
ઝિમ્બાબ્વેના કૅપ્ટન સિકંદર રઝાએ પોતે જ દાવની શરૂઆત કરી હતી. તેનો પહેલો બૉલ નો-બૉલ હતો જેમાં યશસ્વીએ ફુલટૉસમાં બૉલને સ્લૉગ સ્વીપ શૉટમાં મિડ-વિકેટ પરથી સીધો બાઉન્ડરી લાઇનની બહાર મોકલ્યો હતો. નો-બૉલનો એક રન અને સિક્સરના છ રન એમ કુલ મળીને ભારતના સાત રન થયા હતા. રઝાના બીજા બૉલમાં યશસ્વીએ બીજી સિક્સર ફટકારી હતી. એમાં યશસ્વીએ બૉલ રઝાના જ માથા પરથી સીધો મેદાનની બહાર મોકલી દીધો હતો.
આમ, યશસ્વીએ પહેલા બે બૉલમાં બે સિક્સર ફટકારી દીધી હતી. પહેલા બે બૉલમાં 13 રન બન્યા અને નવો વિશ્ર્વવિક્રમ નોંધાઈ ગયો.
જોકે હવે વારો રઝાનો હતો. તેના બે ડૉટ-બૉલ રહ્યા હતા અને ચોથા બૉલમાં રઝાએ યશસ્વીનું લેગ સ્ટમ્પ ઉડાડી દીધું હતું. યશસ્વી ઑફ-સાઇડ લૉફ્ટેડ શૉટ મારવા ગયો અને મિસિંગ ધ લાઇન બદલ વિકેટ ગુમાવી દીધી હતી.
યશસ્વી શનિવારની અણનમ 93 રનની ઇનિંગ્સ બાદ રવિવારે પહેલા બે બૉલના છગ્ગા સાથે ધમાકેદાર શરૂઆત કરી શક્યો, પણ રઝાએ તેને ક્રીઝમાં રહેવાની લાંબી રજા ન આપી અને યશસ્વી નિરાશ હાલતમાં પૅવિલિયનમાં પાછો ગયો હતો. રઝાએ તેને આવેશમાં આવીને ઇશારાથી સેન્ડ-ઑફ પણ આપ્યું હતું.
જોકે રઝાનો જોશ અને જુસ્સો આખી મૅચમાં નહોતા ટકી શક્યા, કારણકે તેની ટીમે ફરી ફીલ્ડિંગમાં કચાશ બતાવી હતી અને બૅટિંગમાં પણ નબળી પુરવાર થઈ અને છેવટે ભારતે આ પાંચમી મૅચ જીતીને 4-1થી ટ્રોફી પર કબજો કરી લીધો હતો.