
અમદાવાદ: બુધવારે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કૅપિટલ્સ વચ્ચેની મૅચ જોવા આવવા માટે બીસીસીઆઇના સેક્રેટરી જય શાહ તરફથી કૅન્સર તથા થેલેસેમિયાના 12,000 દર્દીઓને આમંત્રણ અપાયું હતું અને તમામ પૅશન્ટ્સે આ મૅચ ખૂબ માણી હતી.
ફોર અને સિક્સર તેમ જ વિકેટ વખતે આ સ્પેશિયલ પ્રેક્ષકોની બૂમોથી સ્ટેડિયમ ગૂંજી ઉઠ્યું હતું. રક્ત દાતાઓ તેમ જ બ્લડ ડોનેશન કૅમ્પ્સના આયોજકોને પણ આમંત્રણ અપાયું હતું અને તેમણે પણ ગુજરાત-દિલ્હીનો મુકાબલો માણ્યો હતો.
આ હજારો સ્પેશિયલ આમંત્રિતોને આઇપીએલની મૅચ જોવા માટે બોલાવવા પાછળનો આશય કૅન્સર તથા થેલેસેમિયા પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનો હતો.
દિલ્હીએ આ મૅચમાં ગુજરાતને છ વિકેટે હરાવી દીધું હતું. મૅચ લો-સ્કોરિંગ હતી, પણ થોડી રસાકસી થઈ હતી. ગુજરાતની ટીમ 89 રને ઑલઆઉટ થયા બાદ દિલ્હીએ 90 રનનો લક્ષ્યાંક મેળવવામાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. તેમણે 8.5 ઓવરમાં ચાર વિકેટે 92 રન બનાવ્યા હતા.