અધધધ…ટેસ્ટના માત્ર પહેલા દાવમાં બન્યા 1,101 રન!: એક ડબલ સેન્ચુરી અને ચાર સેન્ચુરી ફટકારાઈ

બુલવૅયોઃ એક તરફ ટેસ્ટ-ક્રિકેટના દાયકાઓ જૂના દેશોના સારા-સારા બૅટર્સ સસ્તામાં આઉટ થઈને ટી-20ની મન પર થયેલી ઘેરી અસરનું પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે ઝિમ્બાબ્વે અને અફઘાનિસ્તાન જેવા પ્રમાણમાં નાના ટેસ્ટ-રાષ્ટ્રોની ટીમના બૅટર્સ લાંબી-લાંબી ઇનિંગ્સ રમીને રનનો ઢગલો કરી રહ્યા છે. જુઓને, બુલવૅયો શહેરમાં રમાતી સિરીઝની પહેલી ટેસ્ટમાં યજમાન ઝિમ્બાબ્વેને અફઘાનિસ્તાનની ટીમ બરાબર માથાની મળી અને ઝિમ્બાબ્વેએ બૅટિંગ લીધા પછી પહેલા દાવમાં 500-પ્લસ રન બનાવ્યા તો અફઘાનિસ્તાને પણ 500-પ્લસનો જુમલો ખડકી દીધો. બન્નેની પ્રથમ ઇનિંગ્સના રનનો સરવાળો 1,101 રન હતો.
આ પણ વાંચો: આ દેશ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં સૌથી પહેલાં પહોંચી ગયો…
એ તો ઠીક, પણ અફઘાનિસ્તાને હજી ત્રણ જ વિકેટ ગુમાવી છે અને મૅચનો છેલ્લો દિવસ આવી ગયો. સોમવાર, 30મી ડિસેમ્બરે આ મૅચ પૂરી થશે એટલે જરૂર રેકૉર્ડ-બુકમાં આવી જશે.
ઝિમ્બાબ્વેએ શૉન વિલિયમ્સ (154), કૅપ્ટન ક્રેગ ઇરવિન (101) અને બ્રાયન બેનેટ (113 અણનમ)ની સદી તેમ જ ઇંગ્લૅન્ડના સૅમ કરૅન અને ટૉમ કરૅનના ભાઈ બેન કરૅનના 68 રનની મદદથી 586 રન બનાવ્યા હતા. રવિવારના ચોથા દિવસને અંતે ઝિમ્બાબ્વેનો પ્રથમ દાવનો સ્કોર ત્રણ વિકેટે 515 રન હતો જેમાં રહમત શાહ (234), કૅપ્ટન હશમતુલ્લા શાહિદી (179 નૉટઆઉટ)નો સમાવેશ હતો. બન્ને ટીમના બાવીસમાંથી કુલ 13 બોલર બોલિંગ કરી ચૂક્યા છે.
આ ટેસ્ટનો સોમવારે છેલ્લો દિવસ છે. આટલા ઢગલાબંધ રન ધરાવતી આ મૅચ ડ્રૉમાં જશે એની રવિવારે પાકી સંભાવના હતી.