પુણેમાં પહેલા દિવસે પડી 11 વિકેટ, બીજા દિવસે 14 અને ત્રીજા દિવસે 15…ખેલ ખતમ
બીજી ટેસ્ટમાં 40માંથી 37 વિકેટ સ્પિનર્સે લીધી: પરાજય વચ્ચે યશસ્વી અને જાડેજાના અનોખા વિક્રમ
પુણે: અહીં ભારતીય ટીમ શનિવારે 12 વર્ષ બાદ પહેલી વાર ઘરઆંગણાની ટેસ્ટ-સિરીઝ હારી એ સાથે ન્યૂ ઝીલૅન્ડે પણ અનોખો વિક્રમ નોંધાવ્યો. પાંચ વર્ષ પહેલાં વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)ની શરૂઆત થઈ ત્યાર બાદ ન્યૂ ઝીલૅન્ડની ટીમ ક્યારેય પણ વિદેશી ધરતી પર ટેસ્ટ-શ્રેણી નહોતી જીતી, પરંતુ રોહિતસેનાએ શનિવારે એને એ વિજય માટેનો સરસ માર્ગ કરી આપ્યો. કિવીઓ અગાઉ વિદેશમાં સાત સિરીઝમાં ક્યારેય નહોતા જીત્યા. પુણેની ટેસ્ટમાં પહેલા દિવસે કુલ 11 વિકેટ, બીજા દિવસે 14 અને શનિવારના ત્રીજા દિવસે 15 વિકેટ પડી અને એ સાથે મૅચ પોણાત્રણ દિવસમાં પૂરી થઈ ગઈ.
એક ટેસ્ટમાં 40માંથી સૌથી વધુ વિકેટ સ્પિનર્સે લીધી હોય એવી રેકૉર્ડ-બુકમાં પુણેની ટેસ્ટ બીજા નંબરે છે. આ પહેલાં, 2018માં શ્રીલંકા-ઇંગ્લૅન્ડની ટેસ્ટમાં કુલ 38 વિકેટ અને 2019માં બાંગ્લાદેશ-અફઘાનિસ્તાનની ટેસ્ટમાં કુલ 38 વિકેટ સ્પિનર્સે લીધી હતી.
પુણેની ટેસ્ટમાં મૅન ઑફ ધ મૅચ મિચલ સૅન્ટનરે કુલ 13 વિકેટ (સાત+છ), વૉશિંગ્ટન સુંદરે કુલ 11 વિકેટ (સાત+ચાર), ગ્લેન ફિલિપ્સે કુલ ત્રણ વિકેટ (બે+એક), આર. અશ્ર્વિને કુલ પાંચ વિકેટ (ત્રણ+બે), રવીન્દ્ર જાડેજાએ કુલ ત્રણ વિકેટ અને ઍજાઝ પટેલે કુલ બે વિકેટ લીધી. એ રીતે, સ્પિનર્સે કુલ 37 વિકેટ હાંસલ કરી.
ત્રણ મૅચની શ્રેણીમાં ટૉમ લેથમની ટીમે 2-0થી વિજયી સરસાઈ તો મેળવી જ છે, આગામી જૂનની ડબ્લ્યૂટીસીની ફાઇનલમાં પ્રવેશ મેળવવા માટેની તક પણ વધારી દીધી છે.
મૅન ઑફ ધ મૅચ લેફ્ટ-આર્મ સ્પિનર મિચલ સૅન્ટનર (53 રનમાં સાત, 104 રનમાં છ) એક ટેસ્ટના બન્ને દાવમાં છથી વધુ વિકેટ લેનાર ત્રીજો કિવી બોલર બન્યો છે. તેણે સર રિચર્ડ હેડલી અને ડેનિયલ વેટોરીની બરાબરી કરી છે. હેડલીએ 1985માં બ્રિસ્બેનમાં ઑસ્ટ્રેલિયા સામે અને વેટોરીએ 2004માં ચટગાંવમાં બાંગ્લાદેશ સામે આ સિદ્ધિ મેળવી હતી.
સૅન્ટનર એક જ ટેસ્ટમાં 13 કે વધુ વિકેટ લેનાર ત્રીજો કિવી બોલર છે. તેણે પુણેની ટેસ્ટમાં કુલ 13 વિકેટ લીધી. ફાસ્ટ બોલર હેડલીએ 1985માં ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં કુલ 123 રનમાં 15 વિકેટ અને સ્પિનર ઍજાઝ પટેલે 2021માં વાનખેડેમાં ભારત સામેની ટેસ્ટમાં 225 રનમાં 14 વિકેટ લીધી હતી.
ઘરઆંગણે રોહિત શર્માની કૅપ્ટન્સીમાં ભારત ચોથી ટેસ્ટ હાર્યું. એ સાતે, ઘરઆંગણે સૌથી વધુ ટેસ્ટ હારનાર ભારતીય સુકાનીઓમાં તેનું નામ હવે આ ભૂતપૂર્વ કૅપ્ટનો સાથે જોડાયું છે: મન્સૂર અલી ખાન પટૌડી (27માંથી નવ ટેસ્ટમાં હાર), કપિલ દેવ (20માંથી ચાર ટેસ્ટમાં હાર), મોહમ્મદ અઝહરુદ્દીન (20માંથી ચાર ટેસ્ટમાં હાર) અને રોહિત શર્મા (15માંથી ચાર ટેસ્ટમાં હાર).
ભારત સિરીઝ હાર્યું, પરંતુ યશસ્વી જયસ્વાલે એક રસપ્રદ વિક્રમ કર્યો. ઘરઆંગણે 2024માં તેણે કુલ 1,056 રન બનાવ્યા છે. ભારતમાં કોઈ એક બૅટરે એક કૅલેન્ડર યરમાં બનાવેલા આ સૌથી વધુ રન છે. તેણે ગુંડપ્પા વિશ્ર્વનાથ (1979માં 1,047 રન)નો રેકૉર્ડ તોડ્યો છે.
ઘરઆંગણે ટેસ્ટમાં 2000 રન + 200 વિકેટની સિદ્ધિ મેળવનાર રવીન્દ્ર જાડેજા ચોથો પ્લેયર છે. તેણે કપિલ દેવ, બૉથમ, સ્ટુઅર્ટ બ્રૉડની બરાબરી કરી છે.
0000000000000000
ઘરઆંગણે ભારતના રેકૉર્ડ-બ્રેક 18 સિરીઝ-વિજય પછીના પ્રથમ પરાજય પર એક નજર…
(1) 2012-’13માં ઑસ્ટ્રેલિયા સામે 4-0થી વિજય
(2) 2013-’14માં વેસ્ટ ઈન્ડિઝ સામે 2-0થી વિજય
(3) 2015-’16માં સાઉથ આફ્રિકા સામે 3-0થી વિજય
(4) 2016-’17માં ન્યૂ ઝીલૅન્ડ સામે 3-0થી વિજય
(5) 2016-’17માં ઈંગ્લૅન્ડ સામે 4-0થી વિજય
(6) 2016-’17માં બાંગ્લાદેશ સામે 1-0થી વિજય
(7) 2016-17માં ઑસ્ટ્રેલિયા સામે 2-1થી વિજય
(8) 2017-18માં શ્રીલંકા સામે 1-0થી વિજય
(9) 2018માં અફઘાનિસ્તાન સામે 1-0થી વિજય
(10) 2018-’19માં વેસ્ટ ઈન્ડિઝ સામે 2-0થી વિજય
(11) 2019-’20માં સાઉથ આફ્રિકા સામે 3-0થી વિજય
(12) 2019-’20માં બાંગ્લાદેશ સામે 2-0થી વિજય
(13) 2020-’21માં ઈંગ્લૅન્ડ સામે 3-1થી વિજય
(14) 2021-’22માં ન્યૂ ઝીલૅન્ડ સામે 1-0થી વિજય
(15) 2021-’22માં શ્રીલંકા સામે 2-0થી વિજય
(16) 2022’-23માં ઑસ્ટ્રેલિયા સામે 2-1થી વિજય
(17) 2023-’24માં ઈંગ્લૅન્ડ સામે 3-1થી વિજય
(18) 2024-’25માં બાંગ્લાદેશ સામે 2-0થી વિજય
(19) 2024-’25માં ન્યૂ ઝીલૅન્ડ સામે 0-2થી પરાજય
નોંધ: ઘરઆંગણે સૌથી વધુ સતત 18 ટેસ્ટ-સિરીઝ જીતવાનો વર્લ્ડ રેકૉર્ડ ભારતના નામે છે. જોકે એ વિક્રમ હવે ત્યાં જ અટકી ગયો છે. ઘરઆંગણે સતતપણે સૌથી વધુ ટેસ્ટ-શ્રેણીમાં અપરાજિત રહેવાનો વિશ્ર્વ વિક્રમ ઑસ્ટ્રેલિયાના નામે છે. કાંગારૂઓ 1992થી 2009 દરમ્યાન સતત 28 સિરીઝમાં અપરાજિત રહ્યા હતા.