T20 World Cupમાં ભારતના 15માંથી 10 ખેલાડી ‘ઘરડા’: રોહિત-કોહલીનો છેલ્લો ટી-20 વિશ્ર્વકપ?

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ખેલાડી જો 30 વર્ષનો થાય કે 30 વર્ષ પાર કરે તો તેને ‘ઘરડો’ માનવામાં આવે છે. એના બે કારણ છે. જો કોઈ ખેલાડી 30 વર્ષની ઉંમરે કરીઅર શરૂ કરે તો એવું મનાય કે તે બહુ-બહુ તો પાંચ-સાત વર્ષ રમશે અને જો ચાલુ કારકિર્દીએ તે 30ની ઉંમર વટાવી ગયો હોય તો પણ એવું કહેવાય કે લાંબી કરીઅર બદલ તે થાકી ગયો હશે અને વધુમાં વધુ 38થી 40 વર્ષ સુધી રમશે. એમએસ ધોનીનું જ ઉદાહરણ લઈએ. તે 42 વર્ષનો છે અને ગુરુવાર સાંજ સુધીમાં તેણે આઇપીએલમાંથી નિવૃત્તિ જાહેર નહોતી કરી, પરંતુ ઇન્ટરનૅશનલ કરીઅરને તેણે (2020માં) 38મા વર્ષની ઉંમરે ગુડબાય કરી હતી. અહીં મુખ્ય મુદ્દો એ છે કે પહેલી જૂને અમેરિકામાં (ભારતીય સમય મુજબ બીજી જૂનથી) શરૂ થનારા ટી-20 વર્લ્ડ કપમાં રમનારા 10 ખેલાડીઓ એવા છે જેઓ જિંદગીના 30 વર્ષ પાર કરી ચૂક્યા છે.
યુગાન્ડાનો ફ્રૅન્ક એન્સુબુગા 43 વર્ષનો છે અને તે આ વર્લ્ડ કપનો ઑલ્ડેસ્ટ પ્લેયર છે.
આગામી વિશ્ર્વકપમાં 20 દેશની ટીમ ભાગ લેવાની છે, પરંતુ ભારતીય ટીમની જ વાત કરીએ તો 15માંથી 10 પ્લેયર 30 કે 30થી વધુ ઉંમરના છે.
રોહિત શર્મા (Rohit Sharma) કૅપ્ટન છે અને ટીમમાં તે સૌથી મોટો છે. તે 37 વર્ષનો છે. વિરાટ કોહલી (Virat Kohli) બહુ સારા ફૉર્મમાં છે, પરંતુ તે પણ 35 વર્ષની ઉંમર પાર કરી ચૂક્યો છે. ફક્ત પાંચ ખેલાડી એવા છે જેમની ઉંમર 30 વર્ષથી ઓછી છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી સૌથી સિનિયર છે અને તેમનો આ છેલ્લો ટી-20 વર્લ્ડ કપ હોઈ શકે. રોહિત 2007ના પ્રથમ ટી-20 વર્લ્ડ કપમાં રમ્યો હતો, જ્યારે કોહલીની ટી-20 કરીઅર 2010માં શરૂ થઈ હતી.
વર્લ્ડ કપ માટેના ચારેય રિઝર્વ ખેલાડીની ઉંમર પણ 30થી ઓછી છે.
વિશ્ર્વકપમાં ભારતની પ્રથમ મૅચ પાંચમી જૂને આયરલૅન્ડ સામે અને બીજી મૅચ નવમી જૂને પાકિસ્તાન સામે રમાશે. ભારતના ગ્રૂપમાં અમેરિકા અને કૅનેડા પણ છે.
ભારતીય ટીમના ખેલાડીઓ અને તેમની ઉંમર: રોહિત શર્મા (37 વર્ષ), વિરાટ કોહલી (35), યશસ્વી જયસ્વાલ (22), રિષભ પંત (26), સંજુ સૅમસન (29), સૂર્યકુમાર યાદવ (33), હાર્દિક પંડ્યા (30), રવીન્દ્ર જાડેજા (35), શિવમ દુબે (30), અક્ષર પટેલ (30), અર્શદીપ સિંહ (25), જસપ્રીત બુમરાહ (30), યુઝવેન્દ્ર ચહલ (33), કુલદીપ યાદવ (29) અને મોહમ્મદ સિરાજ (30).
રિઝર્વ પ્લેયર્સ: શુભમન ગિલ (24 વર્ષ), રિન્કુ સિંહ (26), ખલીલ અહમદ (26), આવેશ ખાન (27).