હાર્દિકની ફિટનેસ પર નજર, સૂર્યા હજી પૂરો સાજો નથી થયો

મુંબઈઃ યુએઇમાં યોજાનારા ટી-20ના એશિયા કપને આડે એક મહિનો બાકી છે અને એ માટેની ટીમ જાહેર થવાની ઘડી ગણાઈ રહી છે ત્યારે ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને કૅપ્ટન સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav)ની ફિટનેસ ચર્ચામાં છે.
હાર્દિક હાલમાં મુંબઈમાં રિહૅબિલિટેશનની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે અને વધુ સારવાર માટે તે બેંગલૂરુની નૅશનલ ક્રિકેટ ઍકેડેમી (એનસીએ)માં જશે. સૂર્યાએ જૂનમાં સ્પોર્ટ્સ હર્નિયાની સર્જરી કરાવી હતી અને તે હજી પૂરેપૂરો સાજો નથી થયો.
આપણ વાંચો: રિષભ પંત વિશે મોટી અટકળઃ એશિયા કપમાં અને વેસ્ટ ઇન્ડિઝ સામેની સિરીઝમાં…
એશિયા કપ નવમી સપ્ટેમ્બરે શરૂ થશે અને એમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની પ્રથમ મૅચ 14મી સપ્ટેમ્બરે દુબઈમાં રમાશે. ભારતની આ ટૂર્નામેન્ટમાં પ્રથમ મૅચ 10મી સપ્ટેમ્બરે યજમાન યુએઇ સામે રમાશે.
હાર્દિકની ફિટનેસ (fitness)નું અવલોકન થાય એ પહેલાં મિડલ-ઑર્ડર બૅટ્સમૅન શ્રેયસ ઐયરની ફિટનેસનું 27-29 જુલાઈ દરમ્યાન અવલોકન થઈ ગયું છે.
શ્રેયસના સુકાનમાં 2024ની આઇપીએલમાં કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ ચૅમ્પિયન બની હતી અને 2025માં તેણે પંજાબ કિંગ્સનું સુકાન સંભાળ્યું હતું અને એ ટીમ રનર-અપ થઈ હતી. જોકે શ્રેયસ ડિસેમ્બર, 2023 પછી ટી-20 ઇન્ટરનૅશનલ નથી રમ્યો.
દરમ્યાન સૂર્યકુમાર બેંગલૂરુની એનસીએમાં છે અને હજી એક અઠવાડિયું ત્યાં રોકાશે અને ફિટનેસને લગતી પ્રક્રિયા પૂર્ણ કરશે. તેણે એનસીએમાં બૅટિંગ પ્રૅક્ટિસને લગતો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો.