સ્પોર્ટસ

વર્લ્ડ કપમાં રોહિત-વિરાટને પૅવિલિયનમાં પાછા મોકલનાર ખેલાડી સામે મૅચ-ફિક્સિંગનું તહોમત મુકાયું

શ્રીલંકાનો ભૂતપૂર્વ સ્પિનર દુબઈથી ફોન પર ક્રિકેટરોને ફિક્સિંગની લાલચ આપતો હતો

કોલંબોઃ શ્રીલંકા વતી 2012થી 2016 દરમ્યાન કુલ 74 આંતરરાષ્ટ્રીય મૅચ રમનાર ઑફ-સ્પિનર સચિથ્રા સેનાનાયકે (Sachithra Senanayke) પર હમ્બનટોટા હાઈ કોર્ટે મૅચ-ફિક્સિંગને લગતા આરોપો સંબંધમાં તહોમત મૂક્યું છે. થારિન્ડુ રત્નાયકે નામના સાથી ખેલાડીને મૅચ-ફિક્સિંગ તરફ વાળવાનો પ્રયત્ન કર્યો હોવાનો સેનાનાયકે પર આરોપ છે. 40 વર્ષીય સેનાનાયકેએ 2014ના ટી-20 વર્લ્ડ કપની ઢાકાની ફાઇનલમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીને પૅવિલિયનમાં મોકલવા માટે કારણભૂત હતો.

ચાર વર્ષની ટૂંકી આંતરરાષ્ટ્રીય કારકિર્દી દરમ્યાન કુલ 78 આંતરરાષ્ટ્રીય વિકેટ લેનાર સેનાનાયકેનો 2020ની લંકા પ્રીમિયર લીગ (LPL) સંબંધિત કેસ જૂનો છે અને તેને 2023ની સાલમાં ધરપકડ બાદ જામીન મળ્યા હતા.

શ્રીલંકા 2014ના વિશ્વ કપમાં ભારતને ફાઇનલમાં હરાવીને ચૅમ્પિયન બન્યું હતું. એ ફાઇનલમાં સેનાનાયકેને વિકેટ નહોતી મળી, પરંતુ રંગાના હેરાથના બૉલમાં તેણે રોહિતનો કૅચ ઝીલ્યો હતો. રોહિત 29 રન કરી શક્યો હતો. કોહલી 77 રન પર હતો ત્યારે તેને રનઆઉટ પણ સેનાનાયકેએ જ કર્યો હતો. ભારતીય ટીમ ચાર વિકેટે માત્ર 130 રન બનાવી શકી હતી અને શ્રીલંકાએ 17.5 ઓવરમાં ચાર વિકેટે 134 રન બનાવીને વિજય મેળવીને ચૅમ્પિયનપદ હાંસલ કર્યું હતું.

સેનાનાયકેએ વન-ડે અને ટી-20માં ભારતીય ખેલાડીઓમાં ગૌતમ ગંભીર, અજિંક્ય રહાણે, રવીન્દ્ર જાડેજા, સ્ટુઅર્ટ બિન્નીની વિકેટ લીધી હતી. તેણે ક્વિન્ટન ડિકૉક, જેપી ડુમિની, શાહિદ આફ્રિદી, ડ્વેઇન બ્રાવો, ઓઇન મૉર્ગન, ઍલિસ્ટર કૂક વગેરે જાણીતા બૅટ્સમેનની પણ વિકેટ લીધી હતી.

આ પણ વાંચો – IND vs ENG: પહેલી ટેસ્ટ માટે ઇંગ્લેન્ડની ટીમની જાહેરાત, આ 2 ઘાતક બોલર્સ ટીમમાં સામેલ

હમ્બનટોટાના ઍટર્ની જનરલના વિભાગે જણાવ્યું છે કે શ્રીલંકામાં તાજેતરમાં જ ક્રિકેટલક્ષી ભ્રષ્ટાચાર (ખાસ કરીને મૅચ-ફિક્સિંગ, સ્પૉટ-ફિક્સિંગ) વિશેનો કાનૂન લાવવામાં આવ્યો ત્યાર બાદ દેશમાં કોઈ રાષ્ટ્રીય સ્તરના ખેલાડી પર તહોમતનામું (INDICTED) મૂકવામાં આવ્યું હોવાનો આ પહેલો જ કિસ્સો છે.
સેનાનાયકેએ 2020ની એલપીએલમાં દુબઈથી ફોન પર અન્ય બે ક્રિકેટરોને પણ મૅચ-ફિક્સિંગની લાલચ આપી હોવાનો આરોપ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button