લારા શનિવારે ડ્રેસિંગ-રૂમમાં ગયો અને રવિવારે વેસ્ટ ઇન્ડિઝની બૅટિંગ સુધરી ગઈ!

કૅરિબિયનોના પ્રથમ દાવમાં 248 રન બાદ ફૉલો-ઑન બાદ બે વિકેટે 173 રનઃ સોમવારે ભારત જીતી શકે
નવી દિલ્હીઃ કૅરિબિયન ક્રિકેટના બે દિગ્ગજ વિવ રિચર્ડ્સ અને બ્રાયન લારા (Brian Lara) વેસ્ટ ઇન્ડિઝનો ટેસ્ટ-ક્રિકેટનો પર્ફોર્મન્સ સુધારવા તેમ જ પોતાના ક્રિકેટ બોર્ડને વધુ ભંડોળ અપાવવાના હેતુથી મિશન ઇન્ડિયા’ને ધ્યાનમાં રાખીને ભારતની ખાસ મુલાકાતે આવ્યા છે, પરંતુ અહીં તેમણે ભારત સામેની બીજી ટેસ્ટમાં બીજા દિવસે કૅરિબિયન બૅટ્સમેનોની કંગાળ બૅટિંગ જોવી પડી એટલે આ બે મહારથીઓ ચિંતામાં મૂકાઈ ગયા અને સૌથી પહેલાં તો તેમણે મિશન વેસ્ટ ઇન્ડિયન બૅટિંગ’ હાથ ધર્યું અને એમાં રવિવારના ત્રીજા દિવસે થોડી સફળતા જોઈ. વિશેષ કરીને બ્રાયન લારાએ ભારત સામેની વર્તમાન ટેસ્ટમાં કૅરિબિયન બૅટ્સમેનોની બૅટિંગ સુધારવાનું બીડું ઝડપ્યું છે.
કૅરિબિયનો હજીયે 97 રનથી પાછળ
વર્તમાન ટેસ્ટમાં ભારતના પ્રથમ દાવના 5/518ના જવાબમાં વેસ્ટ ઇન્ડિઝ (West Indies)ની ટીમ 248 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ જતાં ભારતે 270 રનની સરસાઈ લઈને પ્રવાસી ટીમને ફૉલો-ઑન આપી હતી. બીજા દાવમાં વેસ્ટ ઇન્ડિઝની બૅટિંગમાં સુધારો આવ્યો અને રવિવારના ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં તેમણે ફક્ત બે વિકેટના ભોગે 173 રન કર્યા હતા. જોકે કૅરિબિયનો હજી પણ ભારતથી 97 રનથી પાછળ છે. જો સોમવારના ચોથા દિવસે તેઓ આ સરસાઈ ઉતારી નહીં શકે તો ભારતને સતત બીજી ટેસ્ટ એક દાવથી જીતવા મળી જશે. જોકે આ મૅચ જીતીને ભારત 2-0થી ક્લીન સ્વીપ કરશે એ નક્કી જણાય છે.

વિવ અને લારાએ ઢગલો રન કર્યા હતા
વિવ રિચર્ડ્સ 73 વર્ષના છે. તેઓ 1974થી 1991 દરમ્યાન વેસ્ટ ઇન્ડિઝ વતી 121 ટેસ્ટ તથા 187 વન-ડે રમ્યા હતા. તેમણે કુલ 35 સેન્ચુરી અને 90 હાફ સેન્ચુરીની મદદથી કુલ 15,000થી પણ વધુ રન કર્યા હતા. બ્રાયન લારા 56 વર્ષનો છે. તે વેસ્ટ ઇન્ડિઝ વતી 1990થી 2007 દરમ્યાન 131 ટેસ્ટ અને 299 વન-ડે રમ્યો હતો. તેણે કુલ 53 સેન્ચુરી તથા 111 હાફ સેન્ચુરીની મદદથી કુલ 22,000થી પણ વધુ રન કર્યા હતા.

લારાએ ડ્રેસિંગ-રૂમમાં શું કર્યું?
શનિવારે વર્તમાન ટેસ્ટના બીજા દિવસે ભારતના 5/518ના જવાબમાં વેસ્ટ ઇન્ડિઝે માત્ર 140 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. પ્રથમ ટેસ્ટ માત્ર અઢી દિવસમાં હારી જનાર રૉસ્ટન ચેઝની ટીમને બૅટિંગની નિષ્ફળતાથી ચિંતામાં મૂકાઈને લારા શનિવારના બીજા દિવસની રમત બાદ વેસ્ટ ઇન્ડિઝના ડ્રેસિંગ-રૂમમાં ગયો હતો અને કૅપ્ટન રૉસ્ટન ચેઝ તથા હેડ-કોચ ડૅરેન સૅમી અને કેટલાક ખેલાડીઓ સાથે અલગથી વાતચીત કરી હતી. લારા 20 મિનિટ સુધી ડ્રેસિંગ-રૂમમાં હતો અને વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટની કથળેલી હાલત તથા વિકાસ વિશે ચર્ચા કરી હતી. લારાએ થોડા દિવસ પહેલાં જ કૅરિબિયન ટીમ માટે એક મુલાકાતમાં કહ્યું હતું કે ` શું તેઓ દિલથી રમે છે ખરા? તેમને ખરેખર વેસ્ટ ઇન્ડિઝ વતી રમવામાં રસ છે ખરો? આ બધું ધ્યાનમાં રાખશો તો તમને પર્ફોર્મન્સમાં સુધારો કરવાનો ઉકેલ મળી જશે.’
આ પણ વાંચો: કૅરિબિયન કૅપ્ટને કૅચ આપ્યો એટલે સ્ટૅન્ડમાં બેઠેલા રિચર્ડ્સ-લારા થયા ગુસ્સે!
કુલદીપની પાંચ, જાડેજાની ત્રણ વિકેટ
વેસ્ટ ઇન્ડિઝના પ્રથમ દાવમાં કુલદીપ યાદવે 82 રનમાં પાંચ અને રવીન્દ્ર જાડેજાએ 46 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. એક-એક વિકેટ મોહમ્મદ સિરાજ તથા જસપ્રીત બુમરાહે મેળવી હતી. કૅરિબિયનો 248 રનમાં ઑલઆઉટ થયા બાદ ફૉલો-ઑન પછીના બીજા દાવમાં તેમણે 173 રનમાં જે વિકેટ ગુમાવી એમાંથી એક વિકેટ સિરાજે અને એક વિકેટ વૉશિંગ્ટન સુંદરે લીધી છે.

કૅમ્પબેલ-હોપ વચ્ચે 138 રનની ભાગીદારી
વેસ્ટ ઇન્ડિઝના બીજા દાવમાં ઓપનર જૉન કૅમ્પબેલ (87 નૉટઆઉટ, 145 બૉલ, બે સિક્સર, નવ ફોર) અને શેઇ હોપ (66 નૉટઆઉટ, 103 બૉલ, બે સિક્સર, આઠ ફોર) વચ્ચે 138 રનની અતૂટ અને વિક્રમી ભાગીદારી થઈ છે.
આ પણ વાંચો: યશસ્વી-ગિલના ઢગલો રન પછી જાડેજા-કુલદીપની કરામતઃ ભારત ફરી એક દાવથી જીતી શકે…