મેસી અને માયામી મોટા ટાઇટલથી ત્રણ જ ડગલાં દૂર

ફોર્ટ લૉડરડેલ (અમેરિકા): ડિસેમ્બરમાં ભારતની મુલાકાતે આવતાં પહેલાં લિયોનેલ મેસી (MESSI) અમેરિકામાં ઇન્ટર માયામી (INTER MIAMI) ટીમને મોટી સિદ્ધિ અપાવવાની દિશામાં આગળ વધી રહ્યો છે. આર્જેન્ટિનાના આ સુપરસ્ટાર ફૂટબોલરે શનિવારે મેજર લીગ સૉકર (એમએલએસ)માં પ્રથમ રાઉન્ડ ઈસ્ટર્ન કૉન્ફરન્સ પ્લે-ઑફ સિરીઝની એક મૅચમાં બે ગોલ કર્યા હતા અને પછી સાથી ખેલાડીને બે ગોલ કરવામાં મદદ કરી હતી. આમ, બે ગોલ કરીને બે ગોલમાં આસિસ્ટ કરવા બદલ કુલ ચારેય ગોલમાં મેસીનું યોગદાન હતું.
એમએલએસમાં ઇન્ટર માયામી થર્ડ-સીડેડ છે અને એણે શનિવારે છઠ્ઠા ક્રમની નૅશવિલ એસસી સામે 4-0થી વિજય મેળવ્યો હતો. પહેલા બે ગોલ મેસીએ ફર્સ્ટ હાફમાં (10મી અને 39મી મિનિટમાં) કર્યા હતા. ત્યાર બાદ તેણે 73મી મિનિટમાં ટૅડીઓ ઑલેન્ડેને ગોલ કરવામાં મદદ કરી હતી. 76મી મિનિટમાં ફરી ટૅડીઓને મેસીએ ગોલ કરવામાં સહાય કરીને નૅશવિલ ટીમને સંપૂર્ણપણે અંકુશમાં લાવી દીધી હતી. ટૅડીઓને આ બન્ને ગોલ કરવા માટેની સુવર્ણ તક મેસીએ જ અપાવી હતી.
આ પણ વાંચો: મેસીની ગોલની ફરી હૅટ-ટ્રિક, ગોલ્ડન બૂટ અવૉર્ડ માટે દાવેદાર
હવે ઇન્ટર માયામીની ટીમ ઈસ્ટ સેમિ ફાઇનલ મૅચ માટે સિનસિનાટી જશે જ્યાં એફસી સિનસિનાટી સામે મૅચ રમાશે જ્યાં માયામીની ટીમે મોટા પડકારનો સામનો કરવો પડશે.
દરમ્યાન, મેસી સતત બીજી સીઝનમાં એમએલએસનો મોસ્ટ વૅલ્યૂએબલ પ્લેયરનો પુરસ્કાર જીતવા માટે ફેવરિટ છે. જો તે એમાં સફળ થશે તો એમએલએસના ઇતિહાસમાં તે આ પુરસ્કાર બૅક-ટુ-બૅક જીતનારો પ્રથમ ખેલાડી બનશે.



