સ્પોર્ટસ

ભારતીય મહિલાઓ એશિયા કપની સેમિ ફાઇનલમાં લગભગ પહોંચી જ ગઈ

યુએઇ સામે 78 રનથી વિજય, હરમન-રિચાની હાફ સેન્ચુરી પછી પાંચેય બોલરે લીધી વિકેટ

દામ્બુલા: મહિલાઓની ટી-20 એશિયા કપ ટૂર્નામેન્ટમાં આજે ભારતીય ટીમે મોટા ભાગની ભારતીય મૂળની ખેલાડીઓનો સમાવેશ ધરાવતી યુનાઇટેડ આરબ અમિરાત (યુએઇ)ની ટીમને 78 રનથી હરાવીને સેમિ ફાઇનલમાં એન્ટ્રી ઑલમોસ્ટ કરી લીધી હતી. ભારતીય ટીમે ઑલરાઉન્ડ પર્ફોર્મન્સથી આ વિજયને આસાન બનાવી નાખ્યો હતો.

પહેલાં ત્રણ બૅટરે નાનું-મોટું યોગદાન આપીને ભારતને પાંચ વિકેટે 201 રનનો તોતિંગ સ્કોર અપાવ્યો હતો અને પછી પાંચ બોલરે વારાફરતી આક્રમણ ચાલુ રાખીને તેમ જ સમયાંતરે વિકેટ લઈને યુએઇની ટીમને ખૂબ મર્યાદિત રાખી હતી. 202 રનના લક્ષ્યાંક સામે યુએઇની ટીમે 20 ઓવર પૂરી કરી હતી, પરંતુ સાત વિકેટે ફક્ત 123 રન બનાવી શકી હતી.

કૅપ્ટન હરમનપ્રીત કૌર (66 રન, 47 બૉલ, એક સિક્સર, સાત ફોર) અને રિચા ઘોષ (64 અણનમ, 29 બૉલ, એક સિક્સર, બાર ફોર) આ મૅચની બે સ્ટાર-બૅટર હતી. ઓપનર શેફાલી વર્મા (37 રન, 18 બૉલ, એક સિક્સર, પાંચ ફોર)નું પણ જીતમાં મહત્ત્વનું યોગદાન હતું.

પાકિસ્તાન સામેની શુક્રવારની મૅચની અવૉર્ડ-વિજેતા દીપ્તિ શર્માએ યુએઇની સૌથી વધુ બે વિકેટ લીધી હતી, જ્યારે રેણુકા સિંહ, તનુજા કંવર, પૂજા વસ્ત્રાકર અને રાધા યાદવને એક-એક વિકેટ મળી હતી.

આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાને એશિયા કપમાં લાગ્યો મોટો ફટકો, આ સ્ટાર ખેલાડી આખી ટૂર્નામેન્ટમાંથી બહાર

યુએઇની 21 વર્ષીય ઑલરાઉન્ડર કવિશા એગૉડાગેએ 32 બૉલમાં અણનમ 40 રન અને કૅપ્ટન ઇશા ઓઝાએ 36 બૉલમાં 38 રન બનાવ્યા હતા, પરંતુ તેમને કોઈ જ સાથી બૅટરનો લાંબા સમય સુધી સાથ ન મળતાં યુએઇની ટીમ ભારતીય બોલર્સ માટે ક્યારેય પડકારરૂપ થઈ જ નહોતી શકી. ઈશાને રિચાએ સ્ટમ્પ-આઉટ કરી હતી અને રિતિકા રજિથને રનઆઉટ કરી હતી.

રિચાને પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો.

યુએઇએ પહેલા 36 રનમાં જ ત્રણ વિકેટ ગુમાવી દીધી ત્યારે જ નક્કી થઈ ગયું હતું કે ભારતીય ટીમ હવે આસાનીથી જીતી જશે.

એ પહેલાં, ભારતે બૅટિંગ મળ્યા પછી સાધારણ શરૂઆત બાદ છેવટે 20 ઓવરમાં પાંચ વિકેટના ભોગે 201 રનના સ્કોર સાથે દાવ પૂરો કર્યો હતો. ભારતે 23 રનના સ્કોરે પર સ્મૃતિ મંધાના (13 રન) અને બાવન રનના સ્કોર પર શેફાલી વર્મા (37 રન)ની વિકેટ ગુમાવીને સાધારણ આરંભ કર્યો હતો. વનડાઉન બૅટર દયાલન હેમલત્તા (બે રન) પણ સસ્તામાં આઉટ થઈ ગઈ હતી. જેમાઇમા રૉડ્રિગ્સ પણ ફક્ત 14 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.

જોકે હરમનપ્રીત અને રિચાની જોડી વચ્ચેની પાંચમી વિકેટ માટેની 75 રનની ભાગીદારીએ ભારતને મોટી મુશ્કેલીથી બચાવ્યું હતું. તેમણે આ 75 રન 7.3 ઓવરમાં બનાવ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે