પૅરિસમાં ભારતનો ‘નારીશક્તિ દિવસ’: મનુનો મેડલ અને સિંધુ, નિખત, પ્રીતિ, મનિકા, શ્રીજાના વિજય
![Manu Bhakar's win celebration color break: Know, why managers have to send notices?](/wp-content/uploads/2024/07/Manu-Bhaker-Shooting-Paris-Olympics-2024-AP-Photo.jpg)
પૅરિસ: ફ્રાન્સના પાટનગર પૅરિસની ઑલિમ્પિક ગેમ્સમાં રવિવારે શૂટર મનુ ભાકર ભારત માટે ઐતિહાસિક મેડલ જીતી હતી, જ્યારે બૅડમિન્ટનમાં પી. વી. સિંધુ તથા પહેલી જ વાર ઑલિમ્પિક્સમાં ભાગ લેનાર બૉક્સર નિખત ઝરીને તેમ જ ટેબલ ટેનિસ પ્લેયર મનિકા બત્રાએ પોતપોતાના મુકાબલા જીતીને દેશને વધુ ચંદ્રકો અપાવવાની આશા જીવંત રાખી હતી.
શુક્રવારના શાનદાર ઓપનિંગ બાદ રવિવારનો દિવસ તમામ ઍથ્લીટો-ખેલાડીઓ માટે ખાસ કરીને હરીફાઈનો બીજો દિવસ હતો અને એમાં ભારતીય સ્પર્ધકો છવાઈ ગઈ હતી. 2021માં 19 વર્ષની ઉંમરે ટોક્યો ઑલિમ્પિક્સમાં પિસ્તોલ ખરાબ થઈ જવાને કારણે સ્પર્ધામાં ભાગ નહોતી લઈ શકી, પણ રવિવારે બાવીસ વર્ષની ઉંમરે તેનો બેડોપાર થયો હતો. તે શૂટિંગમાં ઑલિમ્પિક મેડલ જીતનારી પ્રથમ મહિલા શૂટર બની હતી.સિંધુએ બૅડમિન્ટનના પહેલા રાઉન્ડમાં ફાતિમા અબ્દુલ રઝાકને ફક્ત 29 મિનિટમાં 21-9, 21-6થી હરાવી દીધી હતી.
28 વર્ષની હૈદરાબાદી મુક્કાબાજ જર્મનીની મૅક્સી કૅરિના ક્લૉટ્ઝરને હરાવીને પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ હતી. ભારતની જ પ્રીતિ પવાર 54 કિલો વર્ગમાં વિયેટનામની વૉ થિ કિમને 5-0થી હરાવીને પ્રી-ક્વૉર્ટરમાં પહોંચી હતી.
ટેબલ ટેનિસમાં મનિકા બત્રા મહિલાઓના 64 ખેલાડીઓના રાઉન્ડમાં બ્રિટનની ઍના હર્સીને હરાવીને ઉપલા રાઉન્ડમાં પહોંચી હતી. મનિકાએ ઍનાને 11-8, 12-10, 11-9, 9-11, 11-5થી હરાવી દીધી હતી. તે ટોક્યો ઑલિમ્પિક્સમાં 32 પ્લેયરના રાઉન્ડમાં પહોંચનાર ભારતની પ્રથમ મહિલા ટેબલ ટેનિસ પ્લેયર બની હતી અને રવિવારે તેણે પોતાની એ સિદ્ધિની બરાબરી કરી હતી.ભારતની નંબર-વન રૅન્ક ધરાવતી શ્રીજા અકુલા પણ સ્વિડનની ક્રિસ્ટિના કાલબર્ગને 4-0થી હરાવીને 32 પ્લેયરના રાઉન્ડમાં પહોંચી ગઈ હતી.
જોકે પાંચમી વાર ઑલિમ્પિક્સમાં રમી રહેલો 42 વર્ષનો શરથ કમલ સ્લોવેનિયાના ડેની કૉઝુલ સામે 2-4 (12-10, 9-11, 6-11, 7-11, 11-8, 10-12)થી હારી ગયો હતો. જોકે કમલ ટીમ ઇવેન્ટમાં હજી આગળ જઈ શકે એમ છે.રોવિંગમાં બલરાજ પન્વાર મેન્સ સિંગલ સ્ક્લસ રેપશાઝ-2માં બીજા નંબરે આવતાં ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગયો હતો.
જોકે શનિવારે પહેલા દિવસે ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચેલી ભારતની તીરંદાજ મહિલાઓ રવિવારે નેધરલૅન્ડ્સ સામે હારી ગઈ હતી. ક્વૉર્ટરમાં ભારતની દીપિકા કુમારી, ભજન કૌર અને અંકિતા ભકતની ટીમ 0-6થી હારી ગઈ હતી.ટેનિસમાં ભારતનો સુમિત નાગલ ફ્રાન્સના કૉરેટિન સામે 2-6, 6-4, 5-7થી હારી ગયો હતો.