સ્પેશિયલ ફિચર્સ

ઝીરો મ્યુઝિક ફેસ્ટિવલ… નામ તો સુના હોગા? અરુણાચલ પ્રદેશના સંગીત જલસાનું અથથી ઈતિ…

કહેવાય છે કે સંગીતને કોઈ સીમા નથી નડતી અને આ જ કારણ છે કે દેશ-વિદેશનાં કળાપ્રેમીઓ અરુણાચલ પ્રદેશમાં આયોજિત થનાર ‘ઝીરો મ્યુઝિક ફેસ્ટિવલ’ની આતુરતાથી રાહ જોતા હોય છે. આ વર્ષે પણ એની ઉત્સાહપૂર્વક ઉજવણી થવાની છે. ચાર દિવસીય આ ફેસ્ટિવલ ૨૬થી ૨૯ સપ્ટેમ્બર સુધી અરુણાચલ પ્રદેશની ઝીરો ઘાટીમાં યોજાવાનો છે. આ ફેસ્ટિવલને સ્વદેશી અપતાની જનજાતિ દ્વારા યોજવામાં આવે છે.

આ પણ વાંચો : મોબાઈલની દુનિયામાં થશે પાર વગરના ફેરફાર……..સિમકાર્ડ અને ચાર્જરની ઝંઝટ જ ખતમ !

આ એક મ્યુઝિક પૂરતો જ સીમિત ઉત્સવ નથી, પરંતુ એ સ્થિરતા, સાંસ્કૃતિક વિવિધતા અને સામુદાયિક સમરસતાનું ઉદાહરણ પૂરું પાડે છે. આ ઉત્સવમાં અનેક પ્રસિદ્ધ કલાકારો સામેલ થાય છે. એમાં કોલકાતાના ફકીરા, અરુણાચલ પ્રદેશના ડોબોમ ડોજી કલેક્ટિવ, સ્વિડનથી હૉલો શિપ, કેરળથી ગૌવલી, દિલ્હીથી પરિક્રમા, ગોવાથી પિંક મૉસ અને બેન્ગ્લુરુથી હનુમાનકાઇંડ જેવા ગ્રૂપ પર્ફોર્મ કરવાના છે.

કર્ણપ્રિય સંગીતની સાથે ખૂલ્લા આકાશ નીચે બેસીને તારાઓને જોવા એ કાંઈ અલગ જ આનંદ આપે છે. આ ઉત્સવની શરૂઆત ૨૦૧૨માં બૉબી હાનો, મેનહોપૉઝ અને ગિટારવાદક અનુપ કુટ્ટીએ કરી હતી. આ સંગીત મહોત્સવમાં અત્યાર સુધી એક એકથી ચડિયાતા કલાકારોએ ભાગ લીધો છે. એમાં અત્યાર સુધી લી રોનાલ્ડો, સ્ટીવ શેલી, દામો સુઝુકી, શાય બેન તજુર, મોનો ડિવાઇન, એસિડ મધર્સ ટેમ્પલ, લૂવ મઝૉ, શાયર એન ફંક જેવા આંતરરાષ્ટ્રીય કલાકારોએ લોકોને પોતાની ધૂન પર નચાવ્યા હતાં.

આ ફેસ્ટિવલની તૈયારીમાં મોટા ભાગે સ્થાનિક સામગ્રીઓનો ઉપયોગ કરવામાં આવે છે. એને પર્યાવરણને ધ્યાનમાં રાખીને ઉજવવામાં આવે છે. ભારત સરકારના પર્યટન મંત્રાલય અને અરુણાચલ પ્રદેશના પર્યટન મંત્રાલયનો આ ઉત્સવને ટેકો હોય છે. આ ઉત્સવમાં ત્રણ સ્ટેજ હોય છે. એકનું નામ ડોની એટલે કે સૂર્ય, બીજાનું નામ પિઇલો એટલે કે ચન્દ્ર અને ત્રીજા સ્ટેજનું નામ તાકર એટલે કે તારા થાય છે. આ ત્રણેય મંચને સ્થાનિક કારીગરો દ્વારા બનાવવામાં આવે છે. જેમાં સંપૂર્ણરીતે વાંસનો ઉપયોગ કરવામાં આવે છે. સાથે જ એમાં પ્લાસ્ટિકનો ઉપયોગ જરાપણ નથી કરવામાં આવતો. સાથે જ આ ફેસ્ટિવલમાં સામેલ લોકોને પણ ગંદકી ન કરવાનો સંદેશ આપવામાં આવે છે.

આ સંગીત સમારોહમાં રૉકથી માંડીને લોક સુધીની અનેક સંગીતની શૈલીને રજૂ કરવામાં આવે છે. આ મંચ દ્વારા પૂર્વોત્તરના ઊભરતા કલાકારોને પણ પ્લૅટફૉર્મ આપવામાં આવે છે. આ ફેસ્ટિવલની લોકપ્રિયતા દિવસે ને દિવસે વધી રહી છે. આ જ કારણ છે કે આ ઉત્સવમાં પંડિત વિશ્ર્વ મોહન ભટ્ટ, જ્યોતિ હેગડે, સુક્ધયા રામગોપાલ અને ડૉ. કમલા શંકર જેવા શાસ્ત્રીય સંગીતકારોએ પણ ભાગ લીધો હતો.

આ શાનદાર કાર્યક્રમમાં ભાગ લેવા માટે ભારતીયોને ઇનર પરમિટ અને વિદેશીઓને સંરક્ષિત પરમિટ લેવાની જરૂર હોય છે. આ તમામ પરમિટ ભારતના તમામ પ્રમુખ પર્યટન કાર્યાલયમાંથી મળી રહે છે. અહીં આવવા માટે પ્લેનથી આવવું હોય તો ઇટાનગર ઍરપોર્ટ પર ઊતરવાનું હોય છે. જો ટ્રેનથી આવો તો ઇટાનગરના નાહરલાગુન રેલવે સ્ટેશન પર ઊતરવાનું જે આ ફેસ્ટિવલના આયોજન સ્થળની એકદમ નજીક છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button