ઝબાન સંભાલ કે : આજ રે સપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો
-હેન્રી શાસ્ત્રી
ગુરુવારથી નવરાત્રીનો પ્રારંભ થયો છે. આજે ચોથું નોરતું છે. અંબા માતાની આરતીમાં ચોથે નોરતે ગવાતી પંક્તિ છે ’ચોથે ચતુરા મહાલક્ષ્મી મા સચરાચર વ્યાપ્યાં, ચાર ભુજા ચૌદિશા, પ્રગટયાં દક્ષિણમાં અંબે જયો જયો મા જગદંબે.’ એનો ભાવાર્થ એવો છે કે માતા મહાલક્ષ્મી સૌથી વધારે ચતુર ગણાય છે. આ મહાલક્ષ્મી વિવિધ સ્વરૂપે સચરાચરમાં વ્યાપેલાં છે. એટલે કે તેઓ સર્વત્ર ફેલાયેલાં છે, સર્વ વ્યાપક છે. તેમની ચારભૂજા ચાર દિશા સમાન છે અને તેમનો ભક્તિપંથ દક્ષિણમાં પ્રગટ થયેલો છે.
નવરાત્રીમાં અનેક ગરબા ગવાતા હોય છે જેમાં કેટલીક વાર સ્ત્રી ભાવનાનું વિશિષ્ટ પ્રતિબિંબ ઝીલાયું છે. આજ રે સપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો જો ખળખળતી નદીયું રે, સાહેલી, મારા સપનામાં રે ગરબામાં સ્ત્રી સાસુ – સસરા, જેઠ – જેઠાણી, દેર – દેરાણી, નણંદ – નણદોઈ તેમજ ગોર – ગોરાણી અને અંતમાં ભરથાર – પતિની વાત મજેદાર શૈલીથી સહેલી સમક્ષ કરે છે. ડોલતો ડુંગર ઈ તો અમારો સસરો જો, ખળખળતી નદીએ રે સાસુજી મારાં ના’તાં’તાં રે પંક્તિ દ્વારા સાસુ – સસરા પર કટાક્ષ વ્યક્ત થયો છે, કારણ કે ડુંગર ક્યારેય ડોલતો નથી અને નદીમાં સાસુ તો ભરાઈ રહેલા પાણીમાં નાહતાં હોય, એ પાણી ખળખળ થોડું વહેતુ હોય. પછીની પંક્તિઓ છે આજ રે સપનામાં મેં તો ઘમ્મર વલોણું દીઠું જો, દહીં – દૂધના વાટકા રે, સાહેલી, મારા સપનામાં રે. ઘમ્મર વલોણું ઇ તો અમારો જેઠ જો, દહીં – દૂધના વાટકા રે જેઠાણી મારાં જમતાં’તાં રે. સપનામાં દેખાયેલા ઘમ્મર વલોણુંને જેઠ સાથે અને દહીં – દૂધના વાટકાને જેઠાણી સાથે જોડી આ બધું પોતે નથી પામતી એવી વ્યથા આડકતરી રીતે વ્યક્ત કરે છે. પછીની પંક્તિઓ છે આજ રે સપનામાં મેં તો લવિંગ લાકડી દીઠી જો,ઢીંગલાં ને પોતિયાં રે, સાહેલી, મારા સપનામાં રે. લવિંગ – લાકડી ઈ તો અમારો દેર જો, ઢીંગલે ને પોતિયે રે દેરાણી મારાં રમતાં’તાં રે. અસલના સામાજિક માળખામાં નવી પરણેતર સાસુ – સસરા અને જેઠ – જેઠાણી સામે મર્યાદામાં રહેવું પડતું, પણ દેર – દેરાણી સાથે હસી મજાક, ટીખળ થઈ શકતાં હતાં. દેરને લવિંગ લાકડી સાથે સરખાવી ક્યારેક મેણાં ટોણાં તો ક્યારેક હસી મજાકના ખટમીઠા સંબંધ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. ઢીંગલી સાથે રમતી દેરાણીનું વર્ણન કરી એની બાળક બુદ્ધિની વાત કરે છે.
આજ રે સપનામાં મેં તો જટાળો જોગી દીઠો જો, સોનાની થાળી રે, સાહેલી, મારા સપનામાં રે. જટાળો જોગી ઇ તો અમારો નણદોઈ જો, સોનાની થાળીએ રે નણદી મારાં ખાતાં’તાં રે. નણદોઈને જટાળો જોગી સાથે સરખાવી એના અક્કડ સ્વાભવ પર કટાક્ષ કરે છે. પછી વારો આવે છે ગોર – ગોરાણીનો. આજ રે સપનામાં મેં તો પારસ પીપળો દીઠો જો, તુળસીનો ક્યારો રે, સાહેલી, મારા સપનામાં રે. પારસ પીપળો ઈ તો અમારો ગોર જો, તુળસીનો ક્યારો રે ગોરાણી મારાં પૂજતાં’તાં રે. પારસ પીપળો પવિત્ર ઔષધિ વૃક્ષ છે અને ગોરને એની સાથે સરખાવી તેમની પવિત્ર પ્રતિમાનું વર્ણન કરે છે. ગોરાણીને તુલસી ક્યારો સાથે સરખાવી એમના પણ ગુણગાન ગાય છે. અંતે વાત વાલમની, સાહ્યબાની, ભરથાર – કંથ – પતિની આવે છે. પરણેતર ગાય છે આજ રે સપનામાં મે તો ગુલાબી ગોટો દીઠો જો, ફૂલડિયાંની ફોરમ રે, સાહેલી, મારા સપનામાં રે. ગુલાબી ગોટો ઇ તો અમારો પરણ્યો જો, ફૂલડિયાંની ફોરમ, સાહેલી, મારી ચૂંદડીમાં રે. પરણ્યો એટલે પતિ. એને ગુલાબી ગોટો સાથે સરખાવ્યો છે.
પત્નીને જોઈ મલકાઈ ઉઠતા મઘમઘતા પતિનું પ્રતીક ગુલાબી ગોટો છે. એની ફોરમ (સુગંધ) એટલે સાજનનો સ્નેહ પોતાને ઘેરી વાળ્યો છે એમ પોતાની સહેલીને કહે છે. એક વાત પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે કે આ બધું પોતે સપનામાં જોયું એમ પરણેતર પોતાની સહેલીને કહે છે. હકીકત તો સાવ અલગ હોય છે. સાસુ – સસરા લાગણી વિહીન, જેઠ – જેઠાણી દાબમાં રાખનારાં, દેર – દેરાણી અને નણદોઈ – નણંદ પજવનારા અને પતિ કોઈ કારણસર આઘો રહેતો હોય એવું પણ હોય. આ અભિવ્યક્તિ ઉપરથી સ્નેહની સરવાણી લાગે છે, પણ છે તો એ ધારદાર કટાક્ષ. ગરબામાં નારીનું કલ્પના જગત કેવું ખીલ્યું છે, નહીં!
માતાજીનો ‘મોડર્ન’ થાળ
ગણેશોત્સવ દરમિયાન ધૂન બોલાવતી વખતે ‘ચાઈના હો યા કોરિયા, ગણપતિ બાપ્પા મોરયા’ જેવી પંક્તિઓ સાંભળવા મળી એ જ રીતે સોશિયલ મીડિયામાં નવરાત્રીના ‘મોડર્ન’ થાળ પ્રચલિત થઈ રહ્યા છે.
થાળ એટલે દેવદેવીઓને ધરાવવામાં આવતો ભોગ જેમાં મુક્યો હોય તે થાળી જે નૈવેદ્યની થાળી પણ કહેવાય છે. થાળની કેટલીક પંક્તિઓ રજૂ કરી છે વાંચી દરેકે પોતાના અભિપ્રાય નક્કી કરી લેવા.
થાળ શરૂ તો પરંપરાગત રીતે થાય છે: પડતા મૂકીને સૌ કામ, મા તમે જમવાને આવજો.
બાજોઠનો મોહ તમે મૂકી દો માવડી, ડાઇનિંગ ટેબલ છે તૈયાર, મા તમે જમવાને આવજો.
ખીર – પૂરીનો મોહ તમે મૂકી દો માવડી, ઈડલી – ઢોસા છે તૈયાર, મા તમે જમવાને આવજો.
ભૂલી જાઓ જળ ગંગા – જમનાના, બિસલેરી બોટલ છે તૈયાર, માં તમે જમવાને આવજો.
નવા નવા જમાનાનો નવો નવો થાળ છે, ભાવે તો આવજો ફરીવાર, મા તમે જમવાને આવજો.