બહુચર્ચિત બિશ્નોઇ સમુદાયનો યુવાન સ્પિનર રવિ ભારતીય ક્રિકેટનું ભાવિ
અજય મોતીવાલા
બિશ્ર્નોઈ અટક થોડા દિવસોથી ખૂબ ચર્ચામાં છે. નૅશનાલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (એનસીપી)ના વિધાનસભ્ય બાબા સિદ્દિકીની હત્યામાં બિશ્ર્નોઈ ગૅન્ગનો હાથ હોવાની શંકા બાદ હવે ઍક્ટર સલમાન ખાન (જેણે રાજસ્થાનમાં કાળિયારનો વધ કર્યો હતો તેના) જાનના ખતરા સાથે પણ બિશ્ર્નોઈનું જ કનેક્શન ચર્ચામાં છે. એ જે કંઈ હોય, આપણે એના વિશે વધુ ચર્ચા નથી કરવી, પણ આજે આપણે એક એવા ક્રિકેટર વિશે જાણીશું જેની અટક બિશ્ર્નોઈ છે અને તે ભારતીય ક્રિકેટના રત્નમાંનો એક છે.
આમ તો ચર્ચાસ્પદ બિશ્ર્નોઈ ગૅન્ગના ટોચના મેમ્બર લૉરેન્સ બિશ્ર્નોઈને રાજસ્થાન અને પંજાબ સાથે સંબંધ છે એમ સ્પિનર રવિ બિશ્ર્નોઈનું પણ આ બે રાજ્ય સાથે કનેક્શન છે. હરિયાણા ઉપરાંત રાજસ્થાન અને પંજાબમાં (હવે તો મુંબઈમાં પણ) લૉરેન્સ બિશ્ર્નોઈની ગૅન્ગનો ખોફ છે. રાઇટ-આર્મ લેગ-બ્રેક ગૂગલી સ્પેશિયલિસ્ટ રવિ બિશ્ર્નોઈની વાત કરીએ તો રણજી ટ્રોફીમાં તે ગુજરાત ઉપરાંંત રાજસ્થાન વતી રમી ચૂક્યો છે અને આઇપીએલમાં લખનઊ ઉપરાંત પંજાબની ટીમનું પણ પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે. પાર્ટ-ટાઇમ આર્કિટેક્ટ તેમ જ સાઇક્લિસ્ટ, પરંતુ ફુલ-ટાઇમ ક્રિકેટર તરીકે પ્રખ્યાત ૨૪ વર્ષીય રવિ બિશ્ર્નોઈનું રાજસ્થાનના જોધપુરમાં બહુ મોટું નામ છે. તેણે જોધપુરમાં ક્રિકેટ ઍકેડેમી શરૂ કરી છે. આ ક્રિકેટ-સ્કૂલ ઊભી કરવામાં રવિ બિશ્ર્નોઈનું માત્ર માર્ગદર્શન નહોતું, તેણે મિત્રો અને કોચ સાથે મળીને મજૂરો જેવું કામ પણ કર્યું હતું. ખુદ રવિ બિશ્ર્નોઈએ થોડા સમય પહેલાં આ વિશે એક મુલાકાતમાં પોતાની સ્પાર્ટન્સ ક્રિકેટ ઍકેડેમીના પ્રારંભિક તબક્કાની વાત કરતા કહ્યું હતું, ‘અમારું મેદાન સાવ ઉજ્જડ હતું. મેદાનમાં ઘણા પથ્થરો પણ હતા જેને હટાવીને અમારે મેદાનને સમથળ બનાવવાનું હતું.
અમારી પાસે જેસીબી ટ્રકની મદદ લેવા જેટલા પૈસા નહોતા એટલે અમે બધા પોતે કામે લાગી ગયા હતા. જ્યાં જરૂર લાગી ત્યાં અમે ખોદકામ કર્યું અને મેદાનના એ ભાગને રમવાલાયક બનાવ્યો. ત્યાર પછી અમે જાતે મેદાન પર ઘાસ ઉગાડ્યું હતું. પિચ માટે ખાસ પ્રકારનો લાલ કાદવ જરૂરી હતો એટલે અમે એની પણ વ્યવસ્થા કરી લીધી હતી.’ રવિ બિશ્ર્નોઈએ આ ઍકેડેમી ઊભી કરવામાં જે યોગદાન આપ્યું છે એની વધુ ઝલક આપતા કહ્યું, ‘જોધપુરમાં મારા ઘરથી ઍકેડેમીનું મેદાન ૨૦ કિલોમીટર દૂર છે. મારા કોચે મને એક સાઇકલ ભેટ આપી હતી. હું રોજ સવારે પાંચ વાગ્યે ઊઠી જતો અને રૂટિન કાર્ય બાદ સાઇકલ પર બેસીને ગ્રાઉન્ડ પર પહોંચી જતો હતો. ઍકેડેમીનું કામ પૂરું થયા બાદ દિવસમાં દરરોજ બે વાર ત્યાં જઈને ફિટનેસના ડ્રિલ્સ અને ક્રિકેટની પ્રૅક્ટિસને મેં રેગ્યુલર શેડ્યૂલમાં મૂકી દીધું હતું.’ રવિ બિશ્ર્નોઈનો જન્મ ફેબ્રુઆરી, ૨૦૦૦માં જોધપુરમાં બિશ્ર્નોઈ પરિવારમાં થયો હતો. તે આ જ સમુદાયમાં ઉછર્યો હતો. જોકે પશ્ર્ચિમ રાજસ્થાનમાં ક્રિકેટને લગતી સગવડોનો અભાવ હોવાથી તેણે પોતે યુવાન ક્રિકેટર્સ તૈયાર કરવાના આશયથી જોધપુરમાં ઍકેડેમી શરૂ કરી હતી.
૨૦૨૦ના અન્ડર-૧૯ વર્લ્ડ કપમાં રવિ બિશ્ર્નોઈએ દમદાર પર્ફોર્મ કર્યું એ સાથે તે ભારતીય ક્રિકેટમાં છવાઈ ગયો હતો. રવિ બિશ્ર્નોઈના પિતા માંગીલાલ બિશ્ર્નોઈ રાજસ્થાનની એક સરકારી સ્કૂલમાં હેડમાસ્ટર હતા. તેઓ નહોતા ઇચ્છતા કે તેમનો દીકરો ક્રિકેટર બને. તેમને તેના માટે ક્રિકેટની કરીઅર જરાય પસંદ નહોતી. જોકે રવિને મમ્મી સોહની દેવીનો બહુ સારો સપોર્ટ મળ્યો હતો. માંગીલાલ સ્કૂલમાં જતા ત્યારે સોહની દેવી પુત્ર રવિ સાથે બેસીને ટીવી પર ક્રિકેટ મૅચ માણતાં હતાં. રવિ બિશ્ર્નોઈ રાજસ્થાનનો છે, પણ આઇપીએલમાં તેને ક્યારેય રાજસ્થાન રૉયલ્સ (આર.આર.) વતી રમવાનો મોકો નથી મળ્યો. જોકે ૨૦૧૮માં રાજસ્થાન રૉયલ્સે પોતાના પ્રૅક્ટિસ-કૅમ્પમાં રવિ બિશ્ર્નોઈની મદદ લીધી હતી અને ત્યારે રવિને આર.આર.ના મુખ્ય બૅટર જૉસ બટલર સામે બોલિંગ કરવાની તક મળી હતી. રવિ બિશ્ર્નોઈએ ફેબ્રુઆરી, ૨૦૨૨માં (બાવીસ વર્ષની ઉંમરે) ભારત વતી ડેબ્યૂ કર્યું હતું. ત્યારે તેણે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં વેસ્ટ ઇન્ડિઝ સામેની મૅચમાં એક જ ઓવરમાં રૉસ્ટન ચેઝ (ચાર રન) અને રૉવમૅન પોવેલ (બે રન)ની મહત્ત્વની વિકેટ લઈને ભારત માટે વિજયનો માર્ગ મોકળો કરી આપ્યો હતો. ભારત છ વિકેટથી એ ટી-૨૦ જીત્યું હતું અને ડેબ્યૂમાં જ મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ જીતીને રવિ બિશ્ર્નોઈએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ધમાકેદાર શરૂઆત કરી હતી.
ત્યાર બાદ તેને એ જ વર્ષમાં વન-ડેમાં પણ કરીઅર શરૂ કરવાની તક મળી હતી. સાઉથ આફ્રિકા સામેની મૅચમાં તેણે ક્વિન્ટન ડિકૉકની મુખ્ય વિકેટ પણ લીધી હતી, પરંતુ ભારત એ મૅચ જીતી નહોતું શક્યું અને રવિ બિશ્ર્નોઈને ફરી એકેય વન-ડે નથી રમવા મળી. હા, આઇપીએલમાં તેણે ચમકીને ટી-૨૦ ઇન્ટરનૅશનલ માટેની ભારતીય ટીમમાં સ્થાન જરૂર મજબૂત કર્યું છે. તે ભારત વતી કુલ ૩૪ મૅચ રમી ચૂક્યો છે અને આઇપીએલમાં કિંગ્સ ઇલેવન પંજાબ ઉપરાંત લખનઊ સુપર જાયન્ટ્સ વતી રમ્યો છે. રવીન્દ્ર જાડેજા, રવિચન્દ્રન અશ્ર્વિન, કુલદીપ યાદવ વગેરે પીઢ સ્પિનર્સ ભારતીય ટીમમાં કંઈ કાયમ સ્થાન નથી જાળવી શકવાના. એક પછી એક વર્લ્ડ કપ આવતો જ હોય છે એટલે યુવાન સ્પિનર્સને અજમાવતા રહેવાની સિલેક્ટર્સની નીતિ રહી છે જે એકદમ યોગ્ય છે.
જુઓને, ગયા અઠવાડિયે રવિ બિશ્ર્નોઈને ત્રણ મહિને ફરી ટી-૨૦ ઇન્ટરનૅશનલ રમવાનો મોકો મળ્યો અને ભારતને વિજય અપાવ્યો હતો. હૈદરાબાદમાં બાંગ્લાદેશ સામેની છેલ્લી ટી-૨૦માં બિશ્ર્નોઈએ બાંગ્લાદેશના કૅપ્ટન નજમુલ શૅન્ટો, વિકેટકીપર લિટન દાસ અને રિશાદ હોસૈનની વિકેટ લીધી હતી. આખી મૅચમાં તેનો બોલિંગ પર્ફોર્મન્સ (૪-૧-૩૦-૩) સર્વશ્રેષ્ઠ હતો. ભારતીય ટીમમાં જમાવટ કરવા યુવા સ્પિનર્સ વચ્ચે તીવ્ર હરીફાઈ ચાલે છે, પણ રવિ બિશ્ર્નોઈએ ટીમમાં સ્થાન નિશ્ર્ચિત કરી લીધું એવું કહીએ તો ખોટું નથી. આશા રાખીએ, ૨૦૨૬માં ભારત-શ્રીલંકામાં રમાનારા ટી-૨૦ વર્લ્ડ કપમાં રવિ બિશ્ર્નોઈને રમવા મળશે અને એમાં તેનો તરખાટ પણ જોવા મળશે.
Also Read –