ડિયર હની,
હેપ્પી બર્થ – ડે….!
જીવનમાં જન્મદિવસનું મહત્ત્વ અદકેરું હોય છે. એમાં ય જીવનસાથીનો જન્મદિન હોય તો એ વધુ ખાસ બની જાય છે. વળી,સાસરે એટલે કે મારા ઘેર જે હવે તારું જ છે તારો આ પહેલો જન્મદિન છે એટલે એનું મહત્ત્વ તો ઔર વધી જાય છે.
જન્મદિવસે ભેટ આપવાનો રિવાજ છે. કેક કાપીને ઉજવણી થાય છે. તેં ક્યારેય કહ્યું તો નથી કે,તને શું જોઈએ છે?પણ તારી આંખનો ભાવ હું વાંચી શકું છું. જોકે, હું વિચારું છું કે,તને શું આપું?
જે જે વિચારું છું એ સાવ ઓછું પડે છે. તને હજુ આપણા ઘેર ઝાઝો સમય પણ નથી થયો, પણ તું જાણે ઘણા સમયથી અહીં રહે છે એવું મને – સૌને લાગે છે. આપણે કોઈ બીજા ઘેર જઈએ કે ફરવા જઈએ ત્યારે હોટેલમાં મુકામ હોય તો રાત્રે ઊંઘ નથી આવતી, કારણ કે,વાતાવરણ બદલાય છે. અરે! ઘણાને તો પોતાનું ઓશીકું કે શાલ બદલાય તો પણ ઊંઘ નથી આવતી. તને ય એવી કોઈ સમસ્યા થતી જ હશે, પણ તેં એવી કોઈ ફરિયાદ કરી નથી.
સ્ત્રી એનું પિયર છોડી સાસરે આવે છે અને બધાને પોતીકા બનાવી લે છે. પોતાનું અસ્તિત્વ પરિવારમાં ઓગાળી દે છે. કોઈ પુરુષ એવું ના જ કરી શકે, કારણ કે પુરુષને એનો અંહકાર નડતો હોય છે. પુરુષપણું અને સ્ત્રીપણું એ બંનેમાં આ જ તો ફરક છે. તું ગમતાનો ઠીક, અણગમતાનો પણ ગુલાલ કરી શકે છે. તું ગુસ્સે નથી થતી કે,નારાજ નથી થતી એવું ય નથી. પણ તારો ગુસ્સો હોય કે નારાજગી એ લાંબો સમય ચાલતા નથી. દૂધના ઉફાળા જેવા છે. બહુ જલદી ઓસરી જાય છે. નવું નવું વાતાવરણ હોય અને ક્યારેક પરિસ્થિતિ વિપરીત પણ બનતી હોય છે, પણ તે કદી અણગમો વ્યક્ત કર્યો નથી. નારાજગી અને અણગમામાં અંતર છે.
સાચું કહું ને,તો તું ક્યારેક ગુસ્સે થઇ જાય અને મારી સાથે બોલવાનું બંધ કરે ત્યારે ક્યાંય સોરવતું નથી. અલબત, તારું આ રૂપ પણ માણવાલાયક હોય છે. અને એમાં તારા અજાણ પાસા બહાર આવે છે. હા, એ સારું એ છે કે એ સ્થિતિ લાંબો સમય રહેતી નથી.
તારી એક બીજી પણ એક ખાસિયત છે. તું પ્રેમનો ઇજહાર બહુ કરતી નથી-એને જલદી પ્રગટ થવા નથી દેતી… તારો પ્રેમ નદીના વહેતા પાણી જેવો છે. એ ખળખળ વહ્યા જ કરે છે અને એને સાંભળવા કાન માંડવાની જરૂર ક્યાં પડે છે. એનો અહેસાસ થતો રહે છે.
એક બીજી વાત પણ મારા માટે આશ્ર્ચર્ય છે. હું મારા વિશે જાણું એના કરતાં પણ તું કદાચ મને વધુ જાણે છે. અને એ ય આટલા ઓછા સમયમાં. એટલું જ નહીં, આપણે સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ અને થોડા દિવસમાં તેં બધાને શું ગમે છે અને શું ગમતું નથી એની ઓળખ કરી લીધી છે. આ સમજવું લેવું જરા મુશ્કેલ છે.
મને બરાબર યાદ છે કે,એકવાર મારા પપ્પા એટલે કે તારા સસરાને અસુખ હતું. તાવ – શરદીની સમસ્યા થઇ હતી. ત્યારે તેં એમની પળોજણ કરી’તી. કોઈ નવી વ્યક્તિ આવું કઈ રીતે કરી શકે?એવો પ્રશ્ર્ન મને ત્યારે ય થયો હતો. ત્યારે તેં પપ્પા માટે એમની જીભે લાગે એવી વાનગી બનાવી હતી. કદાચ મારા પિતામાં તને તારા પિતા જણાયા હશે. દીકરી અને પિતા વચ્ચેનો સંબંધ અનોખો હોય છે.
ઘણીવાર એવું બન્યું છે કે,હું કાઈ ના કહું તો ય તું કેમ સમજી જાય છે. અંદરનો અવાજ તારા કાને કઈ રીતે પડી જાય છે?હું પત્રકાર એટલે ખબરની ખબર રાખતો હોઉં પણ તું જે રીતે બધાની બધી ખબર રાખે છે એ તો બેમિસાલ છે. ‘અમે બીટવિન્સ ધી લાઈન’ લખતા પણ હોઈએ છીએ અને સમજીએ પણ છીએ, પણ તું તો કોરો કાગળ પણ ઉકેલી જાણે છે…!
ખબર નહિ તું મને કેમ પસ ંદ પડી, પણ હવે બધા કહે છે કે,મારી પસંદગી જરા ય ખોટી નથી. આટલા થોડા સમયમાં તેં પરિવારના બધા સભ્યોની લાગણી જીતી લેવાનો જે સહજ પ્રયાસ કર્યા છે એ અદભુત છે.
ઘણીવાર સંયુક્ત કુટુંબમાં કામકાજ વધારે રહેતું હોય છે. અને એમાં તને નવરાશ મળતી નથી અને હું રાહ જોતો રહું છું કે તું ક્યારે મારી પાસે આવશે, પણ તારા કોઈ વર્તનમાં શરત નથી હોતી. અને તું મને કોઈ શરત વિના સ્વીકારે છે અને આ સ્વીકાર્યતા જ આપણા દામ્પત્ય જીવનને સૌન્દર્ય બક્ષે છે. એ સદા બરકરાર રહે એવી મનોકામના કરું છું. બાકી બીજું શું તને આપું?તું મારા જીવનનું આધાર કાર્ડ છે. તું જેવી છે તેવી મને સ્વીકાર્ય છે. એવી જ રહેજે. ફરીથી હેપ્પી બર્થ- ડે.
તારો બન્ની