સર્વ કષ્ટ હરશે મા મહાગૌરી! અષ્ટમી પર દુર્ગાના આ સ્વરૂપની પૂજા અને હવનથી ભક્તોને મળે છે અખૂટ ધન-વૈભવ

શારદીય નવરાત્રીનો આજે નવમો દિવસ છે પરંતુ આજે આઠમની તિથી છે. આઠમા નોરતે માતા મહાગૌરી સ્વરૂપની પૂજા-અર્ચના કરવામાં આવે છે. એવી માન્યતા છે કે તેમની પૂજા કરવાથી ભક્તોના બધા મનોરથ પૂર્ણ થાય છે. આજના દિવસને દુર્ગાઅષ્ટમી તરીકે ઓળખવામાં આવે છે. આજના દિવસે માતાજીના મંદિરોમાં યજ્ઞ કરવામા આવે છે અને તે ઉપરાંત કન્યાની પૂજા પણ કરે છે. ચાલો જાણીએ મા મહાગૌરીની વ્રત કથા અને આરતી…
હિન્દુ ધર્મમાં નવરાત્રીની આઠમની તિથિનું વિશેષ મહત્વ છે, આજના દિવસને દુર્ગાઅષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે હવનની સાથે કન્યાની પૂજા પણ કરે છે. જો આપણે માતા મહાગૌરીના સ્વરૂપની વાત કરીએ તો માતા મહાગૌરીનો રંગ ખૂબ જ ગોરો છે. તેને ચાર ભુજા છે. માતા વૃષભ પર સવારી કરે છે. દેવીનો શાંત સ્વભાવ છે. હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર, દેવી મહાગૌરીની પૂજા કરવાથી વ્યક્તિને પાપોથી મુક્તિ મળે છે અને મુશ્કેલીઓથી રક્ષણ મળે છે.
દેવી છે અન્નપૂર્ણાનું સ્વરૂપ
માતા મહાગૌરી શિવ પરિવારના દેવી છે, જે શારીરિક, માનસિક અને સાંસારિક દુઃખોને દૂર કરે છે. તેમનું ધ્યાન, સ્મરણ અને પૂજા કરવાથી બધાં પાપ ધોવાઈ જાય છે અને વ્યક્તિ પવિત્ર બની જાય છે. તેમની કૃપાથી ભક્તોના કષ્ટો ઝડપથી દૂર થાય છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે. માતા મહાગૌરીને અન્નપૂર્ણાનું સ્વરૂપ પણ માનવામાં આવે છે, તેથી અષ્ટમીના દિવસે કન્યા પૂજન કરવામાં આવે છે. તેઓ ધન, વૈભવ અને સુખ-શાંતિના દેવી છે.
જાણો દેવી મહાગૌરીની કથા….
પૌરાણિક માન્યતા અનુસાર, માતા પાર્વતીએ ભગવાન શિવને પતિના રૂપમાં મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી. તપસ્યાને કારણે તેમનું શરીર કાળું પડી ગયું હતું, પરંતુ ભગવાન શંકર તેમની પૂજાથી પ્રસન્ન થયા અને તેમના શરીર પર ગંગાજળ છાંટ્યું. ત્યાર પછી તેમનું સુંદર અને ગોરું સ્વરૂપ પ્રગટ થયું, અને ત્યારથી જ તેઓ ગૌરી કહેવાયા. આથી, મહાઅષ્ટમીનો દિવસ માતા મહાગૌરીની પૂજા અને કન્યા પૂજન માટે ઘણો ખાસ માનવામાં આવે છે. આ તહેવાર શક્તિનો ઉત્સવ અને સાધનાનું મહાપર્વ છે, જે આપણા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે.
મા મહાગૌરી પૂજાવિધિ
સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કર્યા બાદ સ્વચ્છ કપડાં પહેરો. ગંગાજળથી દેવી માતાની મૂર્તિને સ્નાન કરાવ્યા બાદ સફેદ રંગના કપડાં અર્પણ કરો. એવી માન્યતા છે કે માતા મહાગૌરીને સફેદ રંગ ખૂબ જ પ્રિય છે. માતાએ રોલી, કુમકુમ વગેરે અર્પણ કરવું જોઈએ. માતાને કાળા ચણા, પંચ મેવા, ફળો અને મીઠાઈઓ સાથે અર્પણ કરવા જોઈએ. માતાની આરતી કરો. અષ્ટમીના દિવસે કન્યાઓની પૂજા કરવી શુભ માનવામાં આવે છે.
આ પણ વાંચો…આજે મહાસપ્તમી: મા કાલરાત્રિનું છે રૌદ્ર સ્વરૂપ, કરો આ વિધિથી પૂજા; કાળ અને અકાળ મૃત્યુનો ભય થશે દૂર!