દુનિયાની સૌથી મોંઘી ચા 'દા હોંગ પાઓ': 1 કિલોની કિંમત ₹10 લાખથી વધુ, જેને પીવાનું સામાન્ય માણસ માટે સપનું!
સ્પેશિયલ ફિચર્સ

દુનિયાની સૌથી મોંઘી ચા ‘દા હોંગ પાઓ’: 1 કિલોની કિંમત ₹10 લાખથી વધુ, જેને પીવાનું સામાન્ય માણસ માટે સપનું!

આપણે ભારતીય લોકો માટે ચા એક એક ડ્રિન્ક નહીં પણ જીવનનો અભિન્ન અંગ છે. મોટાભાગના લોકોના દિવસની શરૂઆત જ ચાથી થાય છે. ગમે એટલો થાક કેમ ના લાગ્યો હોય પણ ચાની એક ચૂસ્કીથી થાક દૂર થઈ જાય છે. પરંતુ જો તમને કોઈ પૂછે કે દુનિયાની સૌથી મોંઘી ચાય કઈ છે અને તેની ખેતી ક્યાં થાય છે તો? ચોક્કસ જ તમને આ સવાલનો જવાબ નહીં ખબર હોય, ચાલો આજે અમે અહીં તમને આ વિશે જણાવીએ…

આ છે દુનિયાની મોંઘી ચાય
વાત કરીએ દુનિયાની સૌથી મોંઘી ચાની તો તેનું નામ છે દાહોંગ પાઓ (Da Hong Pao) છે અને તેની કિંમત લાખો રૂપિયામાં છે. એટલું જ નહીં આ ચાની ગણતરી દુનિયાની સૌથી મોંઘી ચામાં કરવામાં આવે છે. આ ચાનો એક કિલોનો ભાવ છે તેમાં એક-બે નહીં 10 આઈફોન આવી જાય.

ક્યાં થાય છે આ ચાની ખેતી?
દાહોંગ પાઓ એ ઓલોન્ગ ચા છે અને તેની ખેતી ચીનના ફુજિયાન પ્રાંતના વૂઈ પર્વત પર કરવામાં આવે છે. આ ચાની ખાસિયત એવી છે કે તે એક ખૂબ જ જૂની અને નેચરલ મધર ટી ટ્રીઝમાંથી આવે છે, જે સેંકડો વર્ષ જૂના છે. આ ઝાડના પાંદડા હાથેથી તોડવામાં આવે છે અને એક ખાસ ટેક્નિકથી તેને સૂકાવવામાં આવે છે. જેને કારણે તે સ્વાદમાં એકદમ કડક, સુગંધિત અને લાંબા સમય સુધી ટકી રહે છે.

આ ચાની કિંમત સાંભળી તો…
દાહોંગ પાઓ ચાની કિંમત વિશે વાત કરીએ તો તે આશરે 10થી 12 લાખ રૂપિયા કિલોના ભાવે વેચાય છે. એટલું જ નહીં એક સમયે એક કિલો ચા 1.2 મિલિયન ડોલર એટલે કે 10 કરોડ રૂપિયામાં લીલામ થઈ હતી. આ જ કારણે આ ચા પીવી સામાન્ય નાગરિકો માટે સપનાની ચા કહેવામાં આવે છે.

કેમ છે આટલી મોંઘી?
આ ચા આટલી મોંઘી કેમ છે એની વાત કરીએ તો 2006માં ચીનની સરકારે આ જૂના મધર ટ્રીઝ પરથી પાંદડા વીણવાની મનાઈ ફરમાવી હતી. આજે માત્ર 6 મધર ટ્રી બચ્યા છે અને જેમના માટે સરકારે 100 મિલિયન આરએમબીનો વીમો પણ કરાવ્યો છે. આ જ કારણ છે કે અસલી દાહોંગ પાઓ ખૂબ જ દુર્લભ અને અનમોલ છે.

શું છે ચાનો ઈતિહાસ?
દાહોંગ પાઓના ઈતિહાસ વિશે વાત કરીએ તો જ્યારે એક વિદ્વાન બીમાર થઈ ગયા હતા અને એક સાધુએ તેને વૂઈ પર્વત પર ઉગાડવામાં આવેલી આ ચા પીવડાવી. ચા પીતા જ તેમની તબિયત સારી થઈ ગઈ અને બાદમાં તેમણે સમ્રાટને પણ આ ચા આપી. સમ્રાટે આભાર વ્યક્ત કરવા માટે વૃક્ષોને લાલ ચોગા પહેરાવ્યો અને ત્યારથી તેનું નામ પડ્યું બિગ રેડ રોબ.

કિંગ ઓફ ટી તરીકે ઓળખાય છે
દુર્લભતા અને ચાની સારી ગુણવત્તાને કારણે દા હોંગ પાઓને કિંગ ઓફ ટી તરીકે ઓળખવામાં આવે છે. ચીનના રાષ્ટ્રપતિ માઓત્સે તુંગે પણ એને ખાસ લોકો માટે સુરક્ષિત રાખી હતી. 1972માં ચીનની યાત્રાએ આવેલા રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સનને માઓત્સે તુંગે દાહોંગ પાઓ ગિફ્ટમાં આપી હતી.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button