World Tea Day: દેશમાં મળતી આ આ ચાની ચુસ્કી લીધી છે?

મહેમાન બનીને આજે પણ કોઈના ઘરે જાઓ અને જો તે ચાનું ન પૂછે તો આપણે તરત કહીએ કે એક કપ ચાનું પણ ન પૂછ્યું. ગમે તેટલા પીણાં આવે ને જાય, પણ ચા પોતાના પહેલા ક્રમાંકથી એક કાંકરી પણ હટી નથી, કારણ કે આપણા દેશમાં ચા માત્ર એક ગરમ પીણું નથી, પણ ઈમોશન છે. ઘર-પરિવારના સાથે મળી ચા પીવે, ઘણીવાર પડોશીઓ એકબીજાના ઘરે જઈ ચા પીવે, મિત્રો ચાની લારીએ મળે. આ બધામાં ચા માત્ર પીવાતી નથી, પણ જીવાય છે. ચા પીતા પીતા જે લાગણીઓની આપલે થાય અને મન મોકળું કરી વાતો થાય તે ચાને વધારે મજેદાર બનાવે છે. આજે આપણી આ વ્હાલી ચાનો જન્મદિવસ છે.
આજે વિશ્વ ચા દિવસ છે. (World tea Day) વિશ્વના ઘણા દેશોમાં ચા મોટી પ્રમાણમાં પીવાતું પીણું છે અને તેના દ્વારા લાખો લોકોને રોજગારી મળે છે. આ વાતને ધ્યાનમાં રાખી યુનાઈટેડ નેશન્સે (United Nations) 21 મે (21st May)ને ચા દિવસ તરીકે જાહેર કર્યો છે. ભારતમાં પણ ચા ગરમપીણા તરીકે લગભગ સૌથી વધારે પીવાતું પીણું છે.
ભારત ચા ઉત્પાદનમાં પણ અગ્રેસર છે અને વિશ્વમાં ભારતની ઘણી બ્રાન્ડ્સ ફેમસ છે. એક સમયે ગરમ પાણીમાં ચા પત્તી, ખાંડ અને મસાલો નાખી બનતી ચા પીવાતી, પણ હવે ચામાં પણ ઘણી વેરાયટી જોવા મળે છે. સામાન્ય રીતે મસાલા ચા, કડક ચા, ઈરાની ચા, કાશ્મીરી કાવા વગેરે પ્રકારની ચાની વરાઈટીથી આપણે વાકેફ છીએ, તો ચાલો આપણે દેશની લટાર મારીએ અને અલગ અલગ ખૂણે કેવી ચા મળે છે જાણીએ.

તડકે વાલી ચાઃ ચામાં વઘાર? હા ભઈ કેમ નહીં. પંજાબના અમૃતસરમાં તમને પિસ્તા, બદામ, એલચી, તજ, ખસખસ અને ગુલાબના પત્તાનો બટરમાં વઘાર કરવામાં આવે ને પછી તમને પીરસવામાં આવે તડકેવાલી ચાય

ગુલાબ ચાઃ કાશ્મીરી નૂન ચાને સ્વીટ ટેસ્ટ સાથે પીવી હોય તો તમારે ઉત્તર પ્રદેશના શેહર લખનઉ જવું પડશે. કેસર અને એલચીના કોમ્બિનેશન સાથે તમને આ ચા મળશે. આ ચા બનાવવાની પ્રોસેસ અલગ અને લાંબી છે.

ગુડ ગુડ ચાઃ આ ચા નામ પ્રમાણે સ્વાદમાં મીઠી નથી. પહેલા તે યાક મિલ્ક, સૉલ્ટ, યાક બટર અને ચાઈપત્તીથી બનાવવામાં આવતી. ઠંડા પ્રદેશ લડાખમાં મળતી આ ચા બ્રેડ સાથે બ્રેકફાસ્ટ ડ્રિંક તરીકે પણ પીવાય છે.

બિરયાની ચાઃ ઉત્તર પ્રદેશના આગ્રામાં મળતી આ ચા નામની જેમ લેયરમાં બનાવવામાં આવે છે. આ માટે કન્ડેન્સ્ડ મિલ્કનું એક લેયર બનાવવામાં આવે છે, તેના પર તજ અને એલચી ઉકાળી બનાવેલું ચાનું પાણી રેડવામાં આવે છે અને ઉપર ફરી મિલ્ક રેડવામાં આવે છે.

તંદુરી ચાઃ દેશની રાજધાની દિલ્હીમાં મળતી આ ચા આમ તો મસાલા ચા જ છે, પણ તેને કુલ્હડમાં રેડી તેને સ્મોક આપવામાં આવે છે.

લેબુ ચાઃ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાત્તામાં મળતી આ ચા આમ તો લેમન ટીનો જ સ્વાદ આપે છે. રૉક સૉલ્ટ, જીરું અને મરી પાવડર ઉમેરવામાં આવે છે. અમુક લોકો તજ, એલચી વગેરે પણ ઉમેરે છે.

સુલેમાની ચાઃ મોટે ભાગે ચા સવારે કે સાંજે પીવાતી હોય છે, પરંતુ સુલેમાની ચા ભોજન લીધા બાદ પીવામાં આવે છે. તજ, આદુ, લીંબુ, હર્બ્સ વગેરે સાથે પીવાય છે. મૂળ કેરળના કોચી શહેરનું પીણું છે.