તમે બર્ફીલા વિસ્તારમાં ફરવા જઇ રહ્યા છો તો આટલું ધ્યાનમાં રાખજો નહીં તો….
દેશભરમાં શિયાળાની મસ્ત મસ્ત મોસમ ચાલી રહી છે. મુંબઇગરાઓ તો ગુલાબી ગુલાબી ઠઁડીની મજા માણી રહ્યા છે, પણ ઉત્તર ભારતના અનેક સ્થળે તાપમાન ઘણું નીચું જતું રહ્યું છે અને ત્યાં હાડ થિજાવતી ઠંડી પડી રહી છે.
શિયાળામાં બરફવર્ષા જોવાની કંઇક અલગ જ મજા છે. આવા ઠંડા હવામાનમાં, મોટાભાગના લોકો શિમલા-મનાલી-લદ્દાખ અથવા શ્રીનગર જવાનું આયોજન કરે છે, જ્યાં ઘણી હિમવર્ષા થાય છે. જોકે, જે સ્થળે હિમ વર્ષા થાય છે, ત્યારે તે જગ્યા ઘણી લપસણી બની જાય છે. લપસવાના કારણે પ્રવાસીઓ પડીને ઘાયલ થતા હોય છે. તેમના હાથ, કરોડરજ્જુ, એડી અને ઘૂંટણના હાડકા પણ તૂટી શકે છે. જો તમે પણ હિમ વર્ષા માણવા હિલ સ્ટેશનની મુલાકાત લેવાના હો તો કેટલીક બાબતો ધ્યાનમાં રાખજો.
જો તમે સ્નો ટ્રેકિંગ માટે જતા હો તો ગાઇડ અને સ્ટીક વિના મુસાફરી કરતા જ નહીં. પ્રવાસ પર નીકળતા પહેલા તમારી જરૂરી દવાઓ અને ખઆદ્ય પદાર્થો પણ સાથે રાખજો. રહેવા માટે શહેરની ભીડભાડથી દૂર હોટેલમાં બુકિંગ કરાવજો. હિમવર્ષામાં બહાર જતા પહેલા સ્વેટર, જેકેટ અને વૂલન કપડાં પણ અવશ્ય સાથે લઇ જજો.
જો તમે કાર અને બાઇક દ્વારા બર્ફિલા હિલ સ્ટેશન પર જઇ રહ્યા છો તો કેટલીક બાબતની સાવચેતી જરૂરથી રાખજો
આવા સ્થળ જતા પહેલા પોલીસની એડવાઇઝરી જરૂરથી જાણી લેજો, જેથી તમને કોઇ તકલીફ ના પડે.
આ પણ વાંચો : વિશેષઃ શિયાળામાં ઉપવાસ કરતી અદ્દભુત ને અકલ્પનીય ટ્રાઉટ માછલી!
તમારી બેગમાં સાથે થોડુ ઘણું ખાવાનું, ફર્સ્ટ એઇડ કીટ, વધારાની બેટરી, ટોર્ચ, ચાર્જ કરેલો ફોન, પાવરબેંક, ગરમ કપડાં વગેરે જરૂરથી સાથે રાખો.
જ્યાં જવાના હો ત્યાંના હવામાન વિશે પહેલેથી જાણકારી મેળવી લો, જેથી કશે અટવાઇ ના જવાય.
હાથ અને પગને થીજી જવાથી બચાવવા માટે પહેલા પ્લાસ્ટીક પોલીથિનથી ઢાંકો અને પછી મોજા પહેરો.
બર્ફિલા વિસ્તારમાં કાર, બાઇક ધીમેથી ચલાવો, કારણ કે સ્કીડ થવાનો ભય હોય છે. અન્ય વાહનોથી અંતર જાળવો અને ઢોળાવવાળી જગ્યા પર ગિયરનો ઉપયોગ કરો.
બરફવાળા વિસ્તારમાં જાવ તો આટલું જરૂરથી ધ્યાન આપજો
1) બરફવાળા વિસ્તારમાં હિમપ્રપાતની શક્યતા હોય છે, જે ખતરનાક હોય છે. એનાથી બચવું જરૂરી છે. હિમપ્રપાતમાં દટાઇ જવાથી હાડકાં ય તૂટી શકે છે અને જાનહાનિ પણ થઇ શકે છે, તેથી તમારે તુરંત એવી જગ્યા પર જતા રહેવું જોઇએ, જ્યાં તમારો જીવ બચી શકે. સાથે એકાદ લાકડી પણ રાખો
2) બરફવાળા વિસ્તારોમાં ફરવા જતી વખતે રસ્તો ખોવાઇ જવાનો ભય હોય છે. ઠંડીને કારણે હાઈપોથર્મિયા થઈ શકે છે. આવા સમયે શરીરને ગરમ રાખવા માટે તમે તાપણું સળગાવી શકો છો. એટલે તમારી સાથે કેટલીક એવી વસ્તુઓ રાખો કે અગ્નિ પ્રગટાવવામાં કામ લાગે.
3) તમે બરફમાં રહેવાના અનુભવી નથી. તેથી સ્નોબોર્ડિંગ, આઈસ સ્કેટિંગ, આઈસ ક્લાઈમ્બિંગ અને સ્નો સ્લેડિંગ જેવી રમતોને બની શકે તો ટાળો, કારણ કે તમારા હાડકા તૂટવાનો ભય રહે છે.
4)ભીના કપડાં નહીં પહેરો. ભીના કપડાં તરત કાઢી નાખો, કારણ કે એનાથી શરીરને ગંભીર નુક્સાન થઇ શકે છે.