ક્યારે બાંધશો તમારા વ્હાલા વીરાને રાખડી, જાણી શુભમૂહુર્ત

આજથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થયો છે. આ મહિનો તહેવારોનો મહિનો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સાતમ આઠમનું ઘણું મહત્વ છે. જોકે આખો દેશ જે તહેવાર ધામધૂમથી મનાવે છે તે રક્ષાબંધન પણ આ મહિનામાં જ છે. રક્ષાબંધન સાથે રાખડી બાંધવાનો શુભસમય કયો તે પણ બહેનો જાણવા માગતી હોય છે તો ચાલો તમને જમાવી દઈએ કે ક્યારે તમારા વ્હાલા ભાઈને રાખડી બાંધશો.
હિન્દુ ધર્મમાં રક્ષાબંધનનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. ભાઈ અને બહેનના પવિત્ર સંબંધનું પ્રતીક રાખડીનો તહેવાર દેશભરમાં ઉજવવામાં આવે છે. આ દિવસે, બહેનો તેમના ભાઈઓના કાંડા પર રાખડી બાંધે છે અને તેમના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની કામના કરે છે. આ સાથે ભાઈઓ તેમની બહેનોને રક્ષાના વચન સાથે ભેટ આપે છે. હિંદુ કેલેન્ડર મુજબ, રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિએ ઉજવવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધન પર અનેક શુભ ઘટનાઓ બની રહી છે. પરંતુ તેની સાથે ભદ્રાનો પડછાયો પણ રહેશે, તેમ પંડિતો જણાવે છે.
પંચાંગ અનુસાર આ વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમાની તિથિ 19 ઓગસ્ટના રોજ સવારે 3.04 વાગ્યાથી શરૂ થઈ રહી છે, જે રાત્રે 11.55 વાગ્યે સમાપ્ત થઈ રહી છે. આવી સ્થિતિમાં રક્ષાબંધન સોમવાર, 19 ઓગસ્ટ 2024ના રોજ હશે.
હિંદુ કેલેન્ડર મુજબ આ વર્ષે રક્ષાબંધન પર અનેક શુભ ઘટનાઓ બની રહી છે. આ દિવસે શ્રાવણ પૂર્ણિમા સાથે રાજ પંચકનો છેલ્લો સોમવાર, સર્વાર્થ સિદ્ધિ યોગ, રવિ યોગ, શોભન યોગ રચાઈ રહ્યો છે. આ સાથે ગ્રહો અને નક્ષત્રોના ઘણા શુભ રાજયોગ પણ બની રહ્યા છે.
કેલેન્ડર મુજબ, આ વર્ષે રક્ષાબંધન પર, ભદ્રા સવારે 05:53 વાગ્યે શરૂ થશે, જે બપોરે 01:32 વાગ્યે સમાપ્ત થશે. આ સમય દરમિયાન ભદ્રા પાતાળમાં રહેશે. જ્યોતિષના મતે પૃથ્વી પર તેની વધારે અસર નહીં થાય. પણ લોકો ભદ્રાની આસપાસ કોઈ પણ કામ કરતા નથી.
આથી જો તમે મૂહુર્ત જોઈને રાખડી બાંધવામાં માનતા હો તો આ વર્ષે રાખડી બાંધવાનો શુભ સમય બપોરે 01:30 થી રાત્રે 09:07 સુધીનો રહેશે. કુલ સમયગાળો 07 કલાક 37 મિનિટનો રહેશે. તેમ છતાં તમારા પંડિતની સલાહ લઈ શકો છો.
રક્ષાબંધન માટે બપોરનો સમય – બપોરે 1:46 થી 4:19 સુધી
અવધિ – 02 કલાક 37 મિનિટ
રક્ષાબંધન માટે પ્રદોષ કાલ મુહૂર્ત – સાંજે 06:56 થી 09:07 PM
અવધિ – 02 કલાક 11 મિનિટ