સ્પેશિયલ ફિચર્સ

શિવલિંગને પાણી અને દૂધની જરૂર કેમ પડે છે?

શિવવિજ્ઞાન – મુકેશ પંડ્યા

આજે આપણે શિવલિંગની વાત આગળ વધારીએ.

આ શિવલિંગનો આકાર ઓવેલ શેપ અર્થાત અંડાકાર છે. શિવલિંગનો અને બ્રહ્માંડનો આકાર સરખો છે. શિવ જ બ્રહ્માંડના સર્જક અને બ્રહ્માંડના સંહારક છે. શિવનું પ્રતીક એટલે લિંગ. શિવ એટલે કલ્યાણ અને શિવલિંગ એટલે કલ્યાણનું પ્રતીક. જગતનો હેતુ છે કલ્યાણકારી કાર્યો કરવાનો. આ કલ્યાણકારી કરવા ઇન્દ્ર (વર્ષા), સૂર્ય, અગ્નિ, ચંદ્ર જેવા દેવોનો જન્મ થયો. જોકે તેમના કામમાં બાધા ઉત્પન્ન કરવા દાનવો પણ ઉદ્ભવ્યા. દેવ અને દાનવ વચ્ચેની લડાઇ યુગો પુરાણી છે. ત્રેતાયુગમાં રામ અને રાવણ હતા તો મહાભારત યુગમાં કૃષ્ણ અને કંસ હતા.
અગાઉના યુગમાં પણ હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ જેવા રાક્ષસો હતાં. દેવ અને દાનવો વચ્ચે સમાધાન કરાવવા સમુદ્રમંથન કરવામાં આવ્યું તો એમાં પણ મતભેદ થતા હતા. સારી સારી અમૃત સમાન ચીજો દેવ-દાનવ વચ્ચે વહેંચાવા લાગી, પણ એક સમય એવો આવ્યો કે સમુદ્રમાંથી હળાહળ વિષ નીકળ્યું. હવે આ વિષ લેવા કોઇ આગળ ન આવ્યું. બધા આઘાપાછી કરવા લાગ્યા. આ વિષને ઝીલવું જરૂરી હતું જો એ પૃથ્વી પર પડે તો પ્રલય સર્જાય. અંતે શિવ જે અનંતરૂપા છે એ સાકારરૂપમાં પ્રગટ થઇને સૃષ્ટિના કલ્યાણ માટે આ વિષ ગ્રહણ કરે છે. વિષથી બળતરાં ઉત્પન્ન થાય. આ બળતરાં ઓછી કરવા શિવલિંગ પર જળાભિષેક કરવામાં આવે છે. દૂધ પણ ઠંડક આપનાર પ્રવાહી છે. એટલે દુગ્ધાભિષેક પણ કરવામાં આવે છે. જે શિવજીની વેદના ઓછી કરે તેના પર આ કલ્યાણકારી દેવતા. દેવોના દેવ- મહાદેવ અતિ પ્રસન્ન થાય છે એવી ભાવના અને શ્રદ્ધાથી પછી શિવલિંગના અભિષેકની શરૂઆત થઇ.

હવે કળિયુગમાં માણસના મન વધારે વિષાયુક્ત થતાં જાય છે ત્યારે શરીર-મનની સુખાકારી જાળવવા પોતાના મન કે તન પર પણ પાણી કે દૂધના પ્રયોગ કરવા જરૂરી છે. શિવલિંગ પર પ્રતીક સમાન નાની લોટી જેટલું દૂધ કે પાણી ચઢાવવું જેની વેડફાટ ન થાય. પરંતુ આ જ પાણી અને દૂધથી સ્નાન કરીને તમે તમારી અંદર બેઠેલા શિવને પણ પ્રસન્ન કરી શકો છો. શ્રાવણ- ભાદરવામાં ઘણી ગરમી પડતી હોય છે. આ ગરમીમાં શીતળતા પ્રાપ્ત કરવા સ્નાન કરવું જરૂરી છે. માથાબોળ સ્નાન કે પાણી અને દૂધનો અભિષેક ન કેવળ શરીરને પરંતુ મનને પણ ઠંડક આપે છે. ઘણા લોકો પાણીમાં દૂધ નાખી પછી સ્નાન કરે છે. આપણે ત્યાં દૂધની રેલમછેલ હતી ત્યારે એક આશીર્વચન સાંભળવા મળતું. ‘દૂધો ન્હાવ, પુતો ફલો.’

શરીરની સાથે મનના વિષ જ્યારે દૂર થાય ત્યારે અંદરના જીવને શિવના દર્શન થાય. શિવના ગળામાં અટકેલા વિષની અસર દૂર કરવાની છે પણ સાથે માનવમનમાં પ્રસરેલા વિષને આ પવિત્ર શ્રાવણમાં દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઇએ. આ વિષરૂપી અશુદ્ધિઓ પાણી કે દૂધથી કેવી રીતે દૂર થાય તે આવતી કાલે જોઇશું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બિકિની નહીં પણ આ કપડાંમાં બોલ્ડ ફોટોશૂટ કરાવી અભિનેત્રીઓએ મચાવ્યો તહેલકો… શું તમે પણ પ્લાસ્ટિક ટૂથબ્રશ વાપરો છો? 38ની કમરને બનાવવી છે 28ની? બસ ફોલો કરો આ ધાસ્સુ ટિપ્સ… ઑલિમ્પિક્સમાં વિશ્ર્વના પાંચ ફાસ્ટેસ્ટ પુરુષ દોડવીરો કોણ? ચાલો ઝડપથી એક નજર કરી લઈએ..