એરપોર્ટ પર લેપટોપ બહાર કાઢવાનું કેમ કહેવામાં આવે છે? જાણો આ પાછળનું કારણ…

આપણામાંથી અનેક લોકોએ ક્યારેકને ક્યારેક તો હવાઈ મુસાફરી કરી જ હશે અને જો તમે ધ્યાન આપ્યું હશે તો તમને ખ્યાલ હશે કે એરપોર્ટ પર સિક્યોરિટી ચેક સમયે તમારી બેગમાં લેપટોપ હોય કે પાણીની બોટલ હોય તો તે પણ કઢાવવામાં આવે છે. હવે આવું કેમ થાય છે એવું વિચાર્યું છે ખરું? ચાલો તમને આજે આ વિશે જણાવીએ…
હવાઈ મુસાફરી દરમિયાન જ્યારે તમે સિક્યોરિટી ચેકિંગ સુધી પહોંચો એટલે તમે ગમે એટલી માવજતથી રાખેલા ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ જેવા કે લેપટોપ, કેમેરા, કેમેરાની લેન્સ વગેરે કઢાવવામાં આવે છે. આ પ્રોસેસ આપણામાંથી અનેક લોકોને કંટાળાજનક, રિપીટેટિવ કે પછી બિનજરૂરી લાગી શકે છે. પણ આ કોઈ ફોર્માલિટી નથી, આની પાછળ ખૂબ જ મહત્ત્વનું કારણ છે. લેપટોપ કે અન્ય ઈલેક્ટ્રોનિક ગેજેટ્સને તમારા જેકેટ અને શૂઝની જેમ ટ્રીટ ન કરવા પાછળનું કારણ વિજ્ઞાન અને સુરક્ષા છે, જેના વિશે આપણે આગળ વાત કરીશું.
વાત જાણે એમ છે કે જ્યારે તમે બેગમાં લેપટોપ નાખીને તેને એક્સ-રે મશીનમાં મોકલાવો છો ત્યારે તે એક્સ-રે મશીન માટે એક જાડી દિવાલ જેવું કામ કરે છે. તેમાં રહેલી બેટરી અને મેટલના કેસિંગનો એક ગાઢ પડછાયો બને છે. આ પડછાયો જ ચાર્જર, પેન કે સિક્કા જેવી નાની વસ્તુઓને છુપાવી દે છે.
સિક્યોરિટી ઓફિસર માટે આ પડછાયો હંમેશા એક શંકાસ્પદ વસ્તુ હોય છે. આ જ કારણ છે કે એરપોર્ટ પર હંમેશા તમને લેપટોપ કે અન્ય મોટા ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ બહાર કાઢવાનું જણાવવામાં આવે છે, જેથી આ દિવાર હટી જાય છે અને સ્કેનરને એક સાફ ઈમેજ મળે છે. જેને કારણે તમારી બેગની મેન્યુઅલ તપાસ માટે રોકવામાં આવે એની શક્યતાઓ ઘટી જાય છે.
દાણચોરો કરે છે દુરુપયોગ
બેટરીની જોખમ સિવાય અનેક વખત અસામાજિક તત્વો દ્વારા લેપટોપનો મિસ યુઝ પણ કરવામાં આવ્યો હોવાના દાખલા છે. અનેક કિસ્સામાં દાણચોરોએ નશીલા પદાર્થો આ લેપટોપમાં છુપાવ્યા હોવાની ઘટનાઓ પણ બની છે.
લેપટોપની બેટરી હોય છે સેન્સેટિવ
લેપટોપને તમારા શૂઝ અને જેકેટની જેમ એટલે પણ નથી ટ્રીટ કરવામાં આવતા કારણ કે આ બંનેમાં બેટરી નથી હોતી. લેપટોપની બેટરી ખૂબ જ સંવેદનશીલ હોય છે,જેમાં પાવરફૂલ લિથિયમ અને આયન બેટરી હોય છે. આ બેટરી ખૂબ જ સંવેદનશીલ હોય છે અને તેના ગરમ થવાને કારણે ફ્લાઈટમાં આગ લાગવાનું જોખમ વધી જાય છે. જ્યારે એરપોર્ટ પર ઓફિસર લેપટોપ બહાર કઢાવે છે ત્યારે અધિકારી બેટરીમાં કો ખરાબી તો નથી ને એ પણ તપાસી લે છે, જે લેપટોપ બેગમાં હોય ત્યારે શક્ય નથી.
દુનિયાભરમાં લાગુ થાય છે આ નિયમ
એરપોર્ટ ઓથોરિટી પોતાના મન પ્રમાણે નિયમો નથી બનાવતી આ એક વૈશ્વિક સ્તરે લાગુ કરવામાં આવેલો નિયમ છે. 2022માં વર્જિનિયામાં લેપટોપ કેસિંગની અંદર એક ચાકુ છુપાયેલું મળી આવ્યું હતું. આવી ઘટનાઓ બાદ દુનિયાભરની એજન્સીઓએ લેપટોપની અલગથી તપાસ પર ભાર મક્યો હતો અને ત્યારથી તમામ એરપોર્ટ માટે આ નિયમ બનાવવામાં આવ્યો છે.