સ્પેશિયલ ફિચર્સ

દુનિયાનો એકમાત્ર દેશ જેની પાસે નથી પોતાનું રાષ્ટ્રગીત, જાણો શું છે તેની પાછળનું કારણ…

દરેક દેશના રાષ્ટ્રગીતને જે તે દેશની એકતા, અખંડિતતા અને ગૌરવનું પ્રતીક માનવામાં છે. ભારતની વાત કરીએ તો 24મી જાન્યુઆરી, 1950ના રોજ ‘જન ગણ મન’ને ઓફિશિયલી ભારતના રાષ્ટ્રગાન તરીકે સ્વીકારવામાં આવ્યું હતું. પરંતુ, શું તમે જાણો છો કે દુનિયામાં એક એવો પણ દેશ છે જેની પાસે પોતાનું કોઈ અલગ રાષ્ટ્રગીત નથી? ચોંકી ઉઠ્યા ને? ચાલો તમને આ અનોખા દેશ વિશે જણાવીએ…

અમે અહીં જે દેશની વાત કરીએ રહ્યા છીએ એ દેશનું નામ છે સાયપ્રસ (Cyprus). ભૂમધ્ય સમુદ્રમાં સ્થિત આ નાનકડો અને સુંદર દેશ તેના ઈતિહાસ અને આ વિચિત્ર તથ્યને કારણે દુનિયાભરમાં જાણીતો છે. આઈ નો તમને એ જાણવાની તાલાવેલી થઈ ગઈ હશે કે આખરે સાયપ્રસ પાસે પોતાનું રાષ્ટ્રગીત કેમ નથી? તો તમારી જાણ માટે કે સાયપ્રસ એ યુરોપ, એશિયા અને આફ્રિકાના જંક્શન પર વસેલો એક ટાપુ દેશ છે. જે તેના કુદરતી સુંદરતા અને દરિયાકિનારા માટે પ્રખ્યાત છે, પરંતુ રાષ્ટ્રીય પ્રતિકોની બાબતમાં તે દુનિયાના અન્ય દેશો કરતા અલગ પડે છે.

આ પણ વાંચો : સંસદના શિયાળુ સત્રમાં યોજાશે રાષ્ટ્રગીત “વંદે માતરમ” પર વિશેષ ચર્ચા, પીએમ મોદી સામેલ થશે

આઝાદી તો મળી પણ રાષ્ટ્રગીત નહીં…

1960માં જ્યારે સાયપ્રસને ગ્રેટ બ્રિટનથી આઝાદી મળી, ત્યારે દેશના નવા બંધારણમાં રાષ્ટ્રધ્વજ જેવા પ્રતીકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જોકે, નવાઈની વાત એ છે કે તેમાં રાષ્ટ્રગીતનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. આ મુદ્દે સાયપ્રસના બે મુખ્ય સમુદાયો—યુનાની (ગ્રીક) અને તુર્કી—વચ્ચે લાંબી ચર્ચાઓ થઈ, પરંતુ કોઈ એક ચોક્કસ નિર્ણય પર પહોંચી શકાયું નહીં.

બે ભાગમાં વહેંચાયેલો છે આ દેશ

સાયપ્રસ મુખ્યત્વે બે હિસ્સામાં વહેંચાયેલું છે- દક્ષિણ સાયપ્રસ અને ઉત્તર સાયપ્રસ. દક્ષિણ સાયપ્રસમાં ગ્રીક સાયપ્રસ સરકારનું શાસન છે, જેને આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત છે અને તે યુરોપિયન યુનિયનનો સભ્ય પણ છે. ઉત્તર સાયપ્રસમાં તુર્કી સમર્થિત વહીવટ છે, જે 1974માં તુર્કીના હસ્તક્ષેપ બાદ અસ્તિત્વમાં આવ્યું હતું.

આ પણ વાંચો : વંદે માતરમની 150મી વર્ષગાંઠ: શુક્રવારે મહારાષ્ટ્ર સચિવાલય ખાતે રાષ્ટ્રગીતનું સમૂહ પઠન…

શા માટે ગ્રીસનું રાષ્ટ્રગીત ગવાય છે?

વાત કરીએ અહીં કેમ ગ્રીસનું રાષ્ટ્રગીત ગવાય છે એની તો દક્ષિણ સાયપ્રસની વસ્તીનો મોટો ભાગ ગ્રીક સાયપ્રિયોટ્સ છે. જેને કારણે અહીંની ભાષા, સંસ્કૃતિ અને ધર્મ ગ્રીસ (યુનાન) સાથે મળતા આવે છે. 16મી નવેમ્બર, 1966ના રોજ સરકારના ગ્રીક સભ્યોએ એકતરફી નિર્ણય લીધો કે સાયપ્રસમાં ગ્રીસના રાષ્ટ્રગીત ‘Hymn to Liberty’ નો ઉપયોગ કરવામાં આવશે. બીજી તરફ, ઉત્તર સાયપ્રસના લોકો તુર્કીના રાષ્ટ્રગીતનો ઉપયોગ કરે છે. આમ, એક જ ટાપુ પર બે અલગ-અલગ દેશોના રાષ્ટ્રગીતો ગવાય છે.

2004માં જ્યારે સાયપ્રસ યુરોપિયન યુનિયનમાં જોડાવાની તૈયારી કરતું હતું, ત્યારે સંયુક્ત રાષ્ટ્રના તત્કાલીન મહાસચિવ કોફી અન્નાન દ્વારા એક શાંતિ યોજના પ્રસ્તાવિત કરવામાં આવી હતી. આ યોજનામાં બંને સમુદાયોને સ્વીકાર્ય હોય તેવા નવા રાષ્ટ્રીય પ્રતીકો અને રાષ્ટ્રગીત લાવવાનો પ્રયાસ થયો હતો, પરંતુ તે યોજના પર પણ કોઈ મજબૂત સમજૂતી સધાઈ શકી નહીં.

આજે પણ સાયપ્રસ સત્તાવાર રીતે પોતાનું સ્વતંત્ર રાષ્ટ્રગીત ધરાવતું નથી. દક્ષિણ સાયપ્રસમાં ગ્રીસનું રાષ્ટ્રગીત ગવાય છે, જે દર્શાવે છે કે આ દેશ પર ગ્રીસનો સાંસ્કૃતિક અને ઐતિહાસિક પ્રભાવ કેટલો ઊંડો છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button