ઉત્સવસ્પેશિયલ ફિચર્સ

કોના છક્કા છૂટી ગયા….?!

ઊડતી વાત -ભરત વૈષ્ણવ

‘ગિરધરલાલ, ગરબડ થઇ ગઇ છે. માત્ર ગરબડ નહીં- બહુ મોટી ગરબડ થઇ હોય તેવું લાગે છે.’

રાજુ રદી ફૂલ કે હાફ મેરેથોન રેસમાં દોડી આવ્યો હોય તેમ એની છાતી ધમણની જેમ હાંફતી હતી. આંખમાં અમંગળ ઘટનાના ભણકારા રાસ લેતા હતા. રાજુ થરથર કાંપતો હતો.
‘રાજુ, ઠંડું પાણી પી. વિગતે વાત કર. શું થયું છે? ધડમાથા વગરની વાત ન કર. ભય કે આગે જીત હૈ.’ મેં મોટિવેશનલ સ્પિકર જેવો ફિલ્મી ડાયલોગ માર્યો, જેનાથી રાજુ પળ માટે શાંત થયો.
‘ગિરધરલાલ, યુ વોન્ટ બિલિવ. મને લાગે છે કે કોઇ મને ફોલો કરે છે. મારી રેકી કરે છે. મને ફસાવવા માટેની જાળ બિછાવી
રહ્યું છે. મારા ફોન પર બ્લેન્ક કોલ આવે છે. મારો ફોન ઇન્ટરસેપ્ટ થઇ રહ્યો છે.’ રાજુએ એની સમસ્યાને વાચા
આપી.

‘રાજુ, તને ફોલો કરીને શું કમાવવાનું? કંકોડા કે કારેલા? તું કયાં કોઇ તિસમારખાં છે કે કોઇ છોકરીના બાપે તારી માહિતી મેળવવા પ્રાઇવેટ ડિટેકટિવ હાયર કર્યો હોય? અને માની લે કે આવું કોઈ બાપ કરે તો તારી ચાલચલગત, ચારિત્ર્ય વિશે પોઝિટિવ રિપોર્ટ આપશે એટલે ક્ધયાનો બાપ તને જમાઇ બનાવશે… આ તો ખુશીના સમાચાર કહેવાય. આ તો સેલિબ્રેટ કરવા જેવી વાત છે.’ મેં રાજુની વાત સાંભળી મારી પ્રતિક્રિયા આપી.

‘ગિરધરલાલ, તમે સમજો એટલો સીધો મામલો નથી. જલેબી જેવો સીધો મામલો છે. કોઇ ગુપ્તા કરીને મારી શોપમાં આવી ઇન્કમટેકસ ઓફિસરની ઓળખાણ આપે છે. ગુપ્તા મને ઇન્કમટેકસની રેડ પાડવાની ધમકી આપે છે.’ રાજુએ ધીમે રહીને રાજ કી બાત કહી.

‘રાજુ, ગુપ્તા ઇન્કમટેકસનો અસલી કર્મચારી છે કે નકલી તે ચેક કર્યું કે નહીં?’

‘ગિરધરલાલ,ગુપ્તાએ ઓળખકાર્ડ દેખાડેલું.’
‘રાજુ, તો પેલા ગુપ્તાના છક્કા છોડાવવા પડશે. એક કામ કર. આપણે અત્યારે જ ઇન્કમટેકસ ઓફિસ જઇએ.’ મેં રાજુને કહ્યું.

‘અમે ઇન્કમટેકસ ઓફિસ ગયા. રાજુએ ગુપ્તાને મારી ઓળખાણ ‘બખડજંતર’ ચેનલના બોસ તરીકે આપી.

‘ગુપ્તાજી, પ્રોબ્લેમ શું છે?’ મે પૂછયું.

‘રાજુ રદી ધંધો કરે છે.’ ગુપ્તાએ કહ્યું.

‘તો શું ધંધો કરવો ગુનો છે?’ મેં ગુપ્તાને પૂછયું.

‘રાજુ જે ધંધો કરે છે તેની માહિતી ડિપાર્ટમેન્ટ મેળવવા માગે છે.’ ગુપ્તાએ કહ્યું.

‘ગુપ્તા, તમે રાજુભાઇની શોપની મુલાકાત એકથી વધારે વાર લીધી છે કે નહીં?’ મેં કડક અવાજે પૂછયું.

‘હા. હા સર.’ ગુપ્તા તતપપ થઇ ગયો.

‘તો તમારે શું જાણવું છે?’ મેં ગુપ્તાનો સ્ક્રૂ ટાઇટ કર્યો.

‘રાજુભાઇ, ધંધામાં કાળા-ધોળા કરે છે કે કેમ તે જાણવું છે.’ ગુપ્તાએ મગનું નામ મરી પાડ્યું .

‘ગુપ્તા કયો વેપારી કાળાધોળા કરતો નથી? રાજુનું કામ જ કાળા-ધોળા કરવાનું નહીં, પરંતુ ધોળા-કાળા કરવાનું છે. લોકો હોંશે હોંશે ધોળા-કાળા કરાવવા જાય છે.’ મે ગુપ્તાને ગૂંચવ્યો.

‘સર, મને એ જ શંકા છે એટલે તો હું તેની દુકાનની આજુબાજુ ફરું છું.’ ગુપ્તાએ વટાણા વેર્યા.

‘ગુપ્તા, રાજુની આવક વિશે તમારે શું જાણવું છે?’ મે ગુપ્તાની ઊલટતપાસ શરૂ કરી.

‘હા, સર. રાજુભાઇની આવક કેટલી છે? એક નંબરની છે કે બે નંબરની છે વગેરે જાણવું છે.’
‘જો ગુપ્તા, રાજુની આવક અંગે ગ્રાહક આવ્યા પછી રાજુને ખબર પડે. કોઇ ગ્રાહક હોય તો પચાસ ગ્રામ તો ક્યારેક ચારસો ગ્રામ થાય.’ મેં ગુપ્તાને કહ્યું.

‘શું કહો છો? રાજુભાઇ રૂપિયા પણ તોલીને કમાય છે.! મારો શક સાચો પડ્યો. હવે હું રાજુભાઇને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દઇશ. શું સમજે છે રાજુ એના મનમાં?’ ગુપ્તાના મનમાં રહેલી કડવાશ કાઢી.
‘ગુપ્તા, રાજુને ઇન્કમટેકસ રિટર્ન ભરવું પડે તેટલું ધંધાનું ટર્નઓવર નથી.’ મેં ગુપ્તાને કાયદો બતાવ્યો.

‘એ તો રાજુએ સાબિત કરવું જોઇએ ને? દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દઇશ!’ ગુપ્તા ઓવરકોન્ફિડન્સમાં બોલ્યો.

‘ગુપ્તા, તને ખબર છે કે રાજુને શેની શોપ છે?’ મેં ગુપ્તા પર આખરી પ્રહાર કર્યો.

Also Read – ક્લોઝ અપ: ‘ટનન …ટન’ના રૂપાની ઘંટડી જેવા રણકાર સાથે સરકતી કોલકાતાની ૧૫૧ વર્ષ જૂની ટ્રામ વિદાય લઈ રહી છે…

‘ના મને તેની જાણ નથી.’
‘ગુપ્તા, રાજુ રદીની દુકાનની મુલાકાત લીધી છે તો દુકાનનું બોર્ડ વાંચ્યું નથી? રાજુ રદી સોનાચાદીનો ધંધો કરતો નથી. રાજુ સટોડિયો પણ નથી. રાજુ, હેરકટિંગ સલૂન ચલાવે છે. તારે કાળી કમાણી જોઈતી હોય તો કાળા વાળની પેટી નહીં, પરંતુ ખોખા મળશે અને ધોળી કમાણી જોઈતી હોય તો ધોળા વાળના બોકસ વિનામૂલ્યે મળશે. આનીથી વધુ કમાણી જોઈતી હોય તો મારે તારી વિરુદ્ધ કમિશનર સાહેબને ફરિયાદ કરવી પડશે.’ મેં ગુપ્તા પર બ્રહ્માસ્ત્ર છોડ્યું.

પછી શું થયું?
ગુપ્તાએ અડધી પેટી રૂપિયા આપીને અમારાથી છાલ છોડાવી એમાં અમારી દિવાળી સુધરી ગઈ!

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button