4 કે 5? જાણો કઈ તારીખે છે દેવ દિવાળી, જાણો દેવ દિવાળીનું ધાર્મિક મહત્વ અને પૂજનનું શુભ મુહૂર્ત

હિંદુ ધર્મમાં અત્યંત વિશેષ મહત્વ ધરાવતા દેવ દિવાળીનું (Dev Diwali) પર્વ આ વર્ષે ૫ નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે. આ પર્વ કારતક માસની પૂનમ તિથિએ, દિવાળીના બરાબર ૧૫ દિવસ પછી આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, આ દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર નામના મહાન રાક્ષસનો વધ કર્યો હતો. તેથી આ તહેવારને ત્રિપુરોત્સવ અથવા ત્રિપુરારી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે દેવતાઓ પોતાના ભક્તોના તમામ કષ્ટો દૂર કરવા માટે સ્વર્ગમાંથી પૃથ્વી પર અવતરણ કરે છે. સાથે જ, આ દિવસને ભગવાન શિવના પુત્ર કાર્તિક મહારાજના જન્મદિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે.
પૂજન મુહૂર્ત અને પૂજા વિધિ
દેવ દિવાળીના તહેવારની પૂનમ તિથિ ૪ નવેમ્બરે રાત્રે ૧૦:૩૬ વાગ્યે શરૂ થશે અને ૫ નવેમ્બરે સાંજે ૫:૪૮ વાગ્યે સમાપ્ત થશે. દેવ દિવાળીનું પૂજન મુખ્યત્વે પ્રદોષ કાળમાં કરવામાં આવે છે. પૂજન માટેનો શુભ મુહૂર્ત ૫ નવેમ્બરે સાંજે ૫ વાગ્યેને ૧૫ મિનિટથી શરૂ થશે અને સાંજે ૭ વાગ્યેને ૫૦ મિનિટે સમાપ્ત થશે. આ રીતે ભક્તોને પૂજન માટે કુલ ૨ કલાક અને ૩૭ મિનિટનો સમય મળશે.
પૂજન વિધિ અનુસાર, દેવ દિવાળીના દિવસે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઊઠીને સ્નાનાદિ કરવું. ત્યારબાદ ઘી અથવા તલના તેલનો દીવો પ્રગટાવીને ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુનું વિધિ-વિધાનથી પૂજન કરવું. સંધ્યાકાળે ઘરના વિશેષ ખૂણાઓમાં અને ખાસ કરીને ધાર્મિક સ્થળોએ દીપ પ્રજ્વલિત કરવા. આ સમયે શિવ ચાલીસા અને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરીને અંતમાં આરતી કરવાથી ભક્તોની દરેક ઇચ્છા પૂરી થાય છે.
દેવ દિવાળીનું ધાર્મિક મહત્વ
દેવ દિવાળીના દિવસે ભગવાન શિવની પૂજા અને મંત્રોના જાપ કરવાથી દરેક ઈચ્છા પૂરી થતી હોવાનું માનવામાં આવે છે. આ પર્વ પવિત્ર નગરી વારાણસી (કાશી)માં ખૂબ જ ધામધૂમથી અને ભવ્ય રીતે ઉજવવામાં આવે છે.
દેવ દિવાળી પર, ભક્તો કારતક પૂનમના આ શુભ દિવસે ગંગા નદીમાં પવિત્ર ડૂબકી લગાવે છે.સાંજના સમયે, ગંગાના તમામ ઘાટ લાખો દીવડાઓથી ઝગમગી ઊઠે છે, જે એક અદ્ભુત અને અલૌકિક દૃશ્ય સર્જે છે. કરોડો દીવાઓની રોશનીમાં વારાણસીના ઘાટ ‘દેવોની દિવાળી’નું પ્રત્યક્ષ પ્રમાણ આપે છે. આ ઉત્સવ પવિત્રતા, શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક છે.



