આખી દુનિયા જોતી રહી ને આ નાનકડા દેશે અડધે અડધું સોનું ખરીદી લીધું…

સોનાના ભાવ વિશે વિચારીને પણ ધબકારા વધી જાય તેવો માહોલ છે. છેલ્લા ઘણા મહિનાઓથી સોનાનો ભાવ થોડો ઓછો વધુ થાય છે, પરંતુ ઊંચો જ રહે છે. અત્યાર સુધીમા લગભગ 40 વાર સોનું ઓલ ટાઈમ હાઈ છે. આનું કારણ એ પણ માનવામાં આવે છે કે અમુક દેશો ટનબંધ સોનું ખરીદી રહ્યા છે. એક આંકડા પ્રમાણે છેલ્લા 28 મહિનામાં 27 વાર કેન્દ્રીય બેંકોએ સોનું ખરીદ્યું છે.
ઑગસ્ટ મહિનામાં સેન્ટ્રલ બેંક દ્વારા ખરીદાયેલા સોનાના આંકડા બહાર આવ્યા છે, તે પ્રમાણે 15 ટન સોનું ખરીદવામાં આવ્યું છે. હવે સવાલ એ છે કે ક્યા દેશની સેન્ટ્રલ બેંકોએ કેટલું સોનું ખરીદ્યું.
ક્યા દેશે સૌથી વધારે સોનું ખરીદ્યું
સોનું ખરીદનારા દેશોની યાદીમાં નાના દેશ આગળ છે. બલ્ગેરિયા, તુર્કી અને ચીનની મધ્યસ્થ બેંકોએ પણ બે-બે ટન સોનું ખરીદ્યું. ચીનની મધ્યસ્થ બેંકે સતત દસમા મહિને સોનું ખરીદ્યુ હોવાનું અહેવાલ જણાવે છે. ચીનની મધ્યસ્થ બેંકનો સોનાનો ભંડાર પહેલી વાર 2,300 ટનથી વધુ થયો છે. જોકે, સોનાના ભંડારમાં યુનાઇટેડ સ્ટેટ્સ અગ્રેસર છે. વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાની કહેવાતી બેંક 8,133 ટન સોનું ધરાવે છે. રસપ્રદ વાત એ છે કે, છેલ્લા 25 વર્ષમાં અમેરિકાના સોનાના ભંડારમાં કોઈ ફેરફાર થયો નથી.

અહેવાલનું માનીએ તો અમેરિકા પછી, જર્મની પાસે 3350 ટન સોનું છે. તે પછી ઇટાલી 2452 ટન, ફ્રાન્સ પાસે 2437 ટન અને રશિયા પાસે 2330 ટન આવે છે. ચીન 2301 ટન સાથે છઠ્ઠા સ્થાને છે. તે પછી સ્વિટ્ઝર્લૅન્ડ આવે છે. તેમની પાસે 1040 ટન સોનાનો ભંડાર છે. હવે વાત કરીએ આપણા ભારત દેશની તો આપણી પાસે 840 ટન સોનું છે. અમેરિકા, ચીન કરતા આપણે ઘણા પાછળ છીએ.
હવે વાત કરીએ ઑગસ્ટના અહેવાલની તો ઑગસ્ટ મહિનામાં વિવિધ દેશોની સેન્ટ્રલ બેંક દ્વારા ખરીદાયેલા 15 ટન સોનામાંથી 8 ટન સોનું નાનકડા એવા કઝાકિસ્તાનની બેંકે ખરીદ્યું છે. વિશ્વમાં બે વર્ષથી ચાલતા યુદ્ધો અને રાજકીય અસ્થિરતાના પગલે ડોલર પર ડિપેડન્ટ રહેવું પરવડે તેમ ન હોવાથી સોનાની ખરીદી થઈ રહી હોવાનું માનવામાં આવે છે અને તેથી જ ભાવ વધારે હોવાનું પણ કહેવાય છે.
આ પણ વાંચો…તહેવારોમાં સોનું ખરીદતા પહેલા જાણો નવા GST અને PAN-આધાર સંબંધિત નિયમો