ધર્મતેજસ્પેશિયલ ફિચર્સ

મુશ્કેલીઓ હોય ત્યારે…

જીવનનું અમૃત -ભાણદેવ

આશ્રમે એક બહેન સત્સંગભાવે અવારનવાર આવે છે. બહેન સુશીલ, સમજુ અને સાધિકા છે.

હમણાં તેમના કુટુંબમાં કાંઈક મુશ્કેલી આવી પડી છે. તેથી કાંઈક વેદનાપૂર્વક કહે છે:
“હમણાં સાધના થતી નથી. મુશ્કેલી આવી પડી છે. આ મુશ્કેલી દૂર થઈ જાય પછી સાધના કરીશ.
આ બહેનને હું સમજાવું છું:
“મુશ્કેલી દૂર થઈ જાય ત્યારપછી સાધના કરવાની કે મુશ્કેલી હોય ત્યારે સાધના કરવાની? મારાં બહેન! મુશ્કેલી હોય ત્યારે સાધના કરવાની! મુશ્કેલી વખતે સાધના વધુ તીવ્ર અને વધુ ગહન ને છે. મીરાંબાઈએ સાધના ક્યારે શરૂ કરી હતી? ક્યારે ચાલુ રાખી હતી? મીરાંબાઈની સાધના મુશ્કેલીઓ વચ્ચે જ ચાલી છે. મીરાંબાઈ માટે તો જીવનભર મુશ્કેલીઓ અને સાથેસાથે જીવનભર સાધના-આમ જ ક્રમ રહ્યો છે.
તદનુસાર મુશ્કેલીઓ પછી સાધના નહીં, મુશ્કેલીઓ સાથે જ સાધના!

‘શ્રીમદ્ ભાગવત’માં એક સુંદર પ્રસંગ છે:
મહાભારતનો ઘોર સંગ્રામ પૂરો થયો છે. મૃત સ્વજનોની શ્રાદ્ધ-તર્પણ આદિ ક્રિયાઓ પણ પૂરી થઈ છે. શ્રીકૃણ હવે દ્વારિકા જવા માટે તત્પર થયા છે. સાત્યકિ અને ઉદ્ધવને લઈને ભગવાન રથ પર સવાર થયા છે. રથ ચાલવાની તૈયારીમાં જ છે તે જ સમયે ‘પાહિ પાહિ’ના પુકારો કરતી-કરતી ઉત્તરા ભગવાન સમ્ર દોડતી-દોડતી આવી રહી છે. ઉત્તરા કરગરીને કહે છે:
कामं दहतुं मां नाथ मा मे गर्भो निपात्यताम् ॥
-श्रीमद भागवत : ૧-૮

“હે નાથ! (આ શસ્ત્ર) મને ભલે સળગાવી નાખે, પરંતુ મારા ગર્ભને નષ્ટ ન કરે.
ભગવાન શ્રીકૃષ્ણે સુદર્શનચક્ર દ્વારા પાંડવોની અને ઉત્તરાના ગર્ભની રક્ષા કરી છે.

તદનંતર પાંડવો અને દ્રૌપદીને સાથે રાખીને કુંતાજી ભગવાન શ્રીકૃષ્ણની સ્તુતિ કરે છે. આ સ્તુતિ કરતી વખતે કુંતાજી ભગવાન શ્રીકૃષ્ણ પાસે એક યાચના પણ કરે છે:
विपदः सन्तु नः शश्वतत्र तत्र जगदगुरो
भवतो दर्शनं यत्य्स्यादपुनर्भवदर्शनम 11
-श्रीमद भागवत : ૧-૮-૨૫

“હે જગદ્ગુરુ! અમારા જીવનમાં સર્વત્ર, ડગલે ને પગલે વિપત્તિઓ આવતી રહે; કારણ કે વિપત્તિઓમાં જ આપનાં દર્શન થાય છે અને આપનાં દર્શન દ્વારા જન્મમરણના ચક્કરમાંથી મુક્તિ મળે છે.
વિપત્તિઓ આવે અને વિપત્તિ ચાલુ હોય ત્યારે સાધન-ભજન કરવું કે વિપત્તિઓ દૂર થાય તેની વાટ જોઈને બેસવું અને વિપત્તિ દૂર થયા પછી સાધન-ભજન કરવું?

કુંતાજી તો સ્પષ્ટત: માગણી કરે છે: પ્રભુ! વિપત્તિઓ આપતો જ રહેજે. ક્વચિત્-ક્વચિત્ નહીં, પરંતુ વારંવાર, ડગલે ને પગલે! કુંતાજી વિપત્તિઓની માગણી શા માટે કરે છે? કારણ પણ તરત આપે છે: વિપત્તિઓમાં જ આપના દર્શન થાય છે! વિપત્તિઓ હોય ત્યારે ભગવાનનું સ્મરણ થાય છે. વિપત્તિઓ હોય છે ત્યારે ભગવાન માટેનો પુકાર તીવ્રતાપૂર્વક ઊઠે છે અને સતત ચાલે છે. વિપત્તિયુક્ત કાળ ભગવત્સાધના માટેનો ઉત્તમકાળ છે.

મીરા, કુંતાજી અને અન્ય અનેક સંતોએ આમ જ કહ્યું છે અને આમ જ કર્યું છે.

સુખ માનવીને સુવાડી દે છે, દુ:ખ વિપત્તિઓ, મુશ્કેલીઓ માનવીને જગાડે છે. વિપત્તિઓ સાધકને ભગવાન તરફ ગતિ કરવાની પ્રેરણા આપે છે. દુ:ખ, વિપત્તિઓ, મુશ્કેલીઓ સદુપયોગ કરી લો ધ ભગવાન તરફ ગતિ કરવા માટે!

તેથી મુશ્કેલીઓનો ગાળો પૂરો થાય પછી નહીં, પરંતુ મુશ્કેલીઓ હોય ત્યારે, હા, ત્યારે સાધનામાં તન્મય બની જાઓ. તેમ કરવાથી સાધના વધુ ગહન બનશે અને મુશ્કેલીઓ રવાના થઈ જશે!

વૃંદાવનના પ્રજ્ઞાચક્ષુ સંત સ્વામી શરણાનંદજી વારંવાર કહેતા: “અરે! દુ:ખ તો મારા પ્રભુના સંદેશવાહક છે. દુ:ખ આવે ત્યારે તેઓ કહેતા:
“આવો! આવો! મારા વહાલાં દુ:ખો! તમે જરૂર આવો! તમે તો પ્રભુના છડીદાર છો. તમે આવ્યા, તેનો અર્થ એમ કે હવે મારા પ્રભુની કૃપા થઈ. તમે આવ્યા તો હવે પ્રભુ પણ આવશે. દુ:ખ મારા પ્રભુનું વરદાન છે. દુ:ખ આવ્યા એટલે હવે પ્રભુ પણ આવશે.
તો હવે કહો! મુશ્કેલીઓમાં સાધના કરવી કે મુશ્કેલીઓ જાય તેની વાટ જોવી અને મુશ્કેલીઓ જાય પછી જ સાધનાનો પ્રારંભ કરવો?

માનવીનું મન લુચ્ચાઈ કરે છે, સાધના ન કરવાના, સાધનાને ટાળવાના બહાના શોધે છે: આટલું પૂરું થાય, આટલું કરી લઉં-પછી સાધના કરીશ! પરંતુ હકીકત એ છે કે એટલું કદી કોઈનું પૂરું થતું જ નથી. કોઈનું પૂરું થયું છે કે તમારું પૂરું થઈ જશે?

તો હવે શું કરવાનું છે?

જ્યાં છીએ ત્યાં, જેવા છીએ તેવા, સારા-માઠા જેવા પ્રસંગો હોય તેવા-આ જ દિવસથી, આ જ ક્ષણથી સાધનાનો પ્રારંભ કરો. શ્રેષ્ઠ મુહૂર્ત કયું? આજ, આ ક્ષણનું મુહૂર્ત સર્વશ્રેષ્ઠ મુહૂર્ત છે!

અધ્યાત્મસાધનાના પ્રારંભ માટે અને અધ્યાત્મસાધનાનો ક્રમ અનવરત ચાલુ રાખવા માટે આ એક સોનેરી નિયમ છે.

અધ્યાત્મસાધનાનો પ્રારંભ ન કરવાના, પ્રારંભ કર્યા પછી મુલતવી રાખવાના, અધ્યાત્મસાધના છોડી દેવાના, અપવાદ કરવાના અનેક બહાના મળી રહેશે. આ એક પણ બહાનાને સાંભળશો નહીં. માટે અધ્યાત્મસાધના તરત ચાલુ કરો અને સતત ચાલુ રાખો. અધ્યાત્મસાધન ન કરવાના કોઈ બહાનાને માનશો જ નહીં. ભગવાન ઈશુનું વચન છે:
“જે ચાલશે તે પહોંચશે. જે દ્વાર ખખડાવશે તેના માટે દ્વાર ખોલવામાં આવશે.
માટે આજે જ, આ ક્ષણે જ ચાલુ કરો અને અનવરત ચાલુ જ રાખો.

ઋષિનો આદેશ છે:
उत्तिष्ठत जाग्रत प्राप्य वरान्निबोधत

  • कठोपनिषद: ૧-૩-૧૪
    “હે મનુષ્યો! ઊઠો! જાગો! શ્રેષ્ઠ પુરુષોને પામીને (તેમની પાસે જઈને), પરબ્રહ્મ પરમાત્માને જાણી લો! (ક્રમશ:)
Show More

Related Articles

Back to top button
આ બોલીવૂડ એક્ટ્રેસના લૂક દશેરા-દિવાળી પર કેરી કરશો તો છવાઈ જશો… નીરજ નથી મનુ ભાકરના સૌથી ચાર મનપસંદ સ્પોર્ટ્સપર્સન્સમાં? આખું અઠવાડિયું કેળા રહેશે તાજા, આ ટ્રિક્સ અપનાવો ફોટોમાં સૌથી પહેલાં શું દેખાયું? જવાબ ખોલશે તમારી પર્સનાલિટીના રાઝ…