જ્યારે ફ્લાઈટમાં પહોંચ્યા વિધાઉટ ટિકિટ સ્પેશિયલ ‘પ્રવાસી’ઓ
સોશિયલ મીડિયા પર દરરોજ કોઈને કોઈ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વાઈરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પ્લેનમાં મચ્છરોના એક ઝૂંડ હુમલો કરી દીધો હતો અને આ ઘટના પ્લેન ડિપાર્ચર થવાના પહેલાં થઈ હતી. જ્યારે મચ્છરોએ ફ્લાઈટમાં આંતક મચાવવાનું શરૂ કર્યું અને પ્રવાસીઓને હેરાન કરવાનું શરૂ કર્યું ત્યારે કેબિન ક્રુ મોસ્ક્યુટો સ્પ્રે લઈને આવ્યા અને પ્લેનમાં સ્પ્રે કરવા લાગ્યા. ફ્લાઈટમાં મચ્છરની સંખ્યા એટલો બધા હતા કે લાંબા સમય સુધી તેને મારવા માટે સ્પ્રે કરવાની નોબત આવી હતી.
વાઈરલ વીડિયોમાં એવું પણ જોવા મળ્યું હતું કે એર હોસ્ટેસ પૂરી ફ્લાઈટમાં મોસ્ક્યુટો સ્પ્રે કરી રહી છે અને પ્રવાસીઓ પણ મચ્છરને ભગાવવાનો પ્રયાસ કરતા દેખાઈ રહ્યા છે. સ્પ્રેને કારણે અમુક પ્રવાસીઓને ખાંસીની સમસ્યા પણ સતાવી હતી.
આ ઘટના મેક્સિકન ફ્લાઈટમાં એ સમયે બની હતી, જ્યારે ફ્લાઈટ ટેક ઓફ કરવાની હતી. પરંતુ એ પહેલાં મચ્છરોએ ફ્લાઈટમાં બોર્ડિંગ કરી લીધું હતું. મચ્છરોના ત્રાસને કારણે પ્લેનના ટેક ઓફમાં વિલંબ થયો હતો. ફ્લાઈટ સાંજે 4.30 કલાકે રવાના થવાની હતી પરંતુ આ બધા ડ્રામાને કારણે ફ્લાઈટ સાત વાગ્યે ટેક ઓફ કર્યું હતું.
આ ઘટના છઠ્ઠી ઓક્ટોબરની છે અને વોલારિસની ફ્લાઈટમાં બની હતી. આ ફ્લાઈટ ગ્વાડલાજારાથી મેક્સિકો સિટી માટે ટેક ઓફ કરવાની હતી. જોકે, ફ્લાઈટમાં મચ્છરો ક્યાંથી આવ્યા એની કોઈને માહિતી નથી. સ્થાનિક મીડિયાનું એવું કહેવું છે કે જે જગ્યાએ એરપોર્ટ આવેલું છે એ જગ્યા મચ્છરોના પ્રસાર માટે સૌથી આદર્શ માનવામાં આવે છે, કારણ કે આ વિસ્તારમાં પૂર અને દૂષિત પાણીના અમુક વિસ્તારની નજીક આવેલું છે.